Surat

સુરતમાં શ્રમિકોનું 'ગાંવ ચલો' આંદોલન: વિવાદ વકરતા કેન્દ્રીય કાપડ મંત્રી સુરત દોડી આવ્યા, ટેક્સટાઈલ ઉદ્યોગ ઠપ થવાનો ભય!

By GS Team
9 Oct 20263 mins read
TukuTouch Logo
સુરતમાં લાખો ટેક્સટાઈલ શ્રમિકોએ સાપ્તાહિક રજા અને શોષણના વિરોધમાં 'ગાંવ ચલો' આંદોલન શરૂ કર્યું છે. 12 કલાક કામ અને રજા ન મળતાં 10 લાખથી વધુ શ્રમિકો વતન પરત ફરી રહ્યા છે. આ સ્થિતિને પગલે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે સુરતની મુલાકાત લીધી હતી. શ્રમિકોની સમસ્યાઓનો ઉકેલ ન આવે તો ટેક્સટાઈલ ઉદ્યોગ ઠપ્પ થવાનો ભય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં શ્રમિકોનું 'ગાંવ ચલો' આંદોલન: વિવાદ વકરતા કેન્દ્રીય કાપડ મંત્રી સુરત દોડી આવ્યા, ટેક્સટાઈલ ઉદ્યોગ ઠપ થવાનો ભય!

Surat Textile Workers Protest: સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામ કરતા લાખો શ્રમિકો દ્વારા 'ગાંવ ચલો' આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. શ્રમિકોની મુખ્ય માગ અઠવાડિયામાં માત્ર એક સાપ્તાહિક રજા (રવિવાર) આપવાની છે, જે ના મળતાં અને શોષણના આક્ષેપો સાથે શ્રમિકો વતન પરત ફરી રહ્યા છે. શ્રમિકોના આ આંદોલન અને પલાયનની સ્થિતિને પગલે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહને સુરત પહોંચવાની ફરજ પડી છે. આ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે તેમણે પત્રકાર પરિષદમાં શ્રમિકોના મુદ્દાઓ અંગે વાત કરી હતી.

મહિનાના 30 દિવસ કામ, રજા માગતાં નોકરીમાંથી કઢાયા: શ્રમિકોના આક્ષેપ

સુરતમાં અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકોનો આક્ષેપ છે કે, સતત 12 કલાક ડ્યુટી કરાવવામાં આવે છે અને મહિનાના તમામ 30 દિવસ કામ કરવા દબાણ કરાય છે. બીમારી કે થાકના લીધે એક દિવસ રજા લેવાય તો પણ પગાર કાપી લેવામાં આવે છે. 7-8 મહિના સુધી લોહી-પરસેવો પાડ્યા પછી વતન જવાની રજા માગવામાં આવે તો શેઠ પગાર રોકીને ગેટની બહાર કાઢી મૂકે છે. અઠવાડિયામાં માત્ર એક રવિવારની રજા માગવા બદલ અઢીસોથી ત્રણસો લોકોને નોકરીમાંથી હાંકી કઢે છે.

આથી કંટાળીને અંદાજે 10 લાખથી વધુ શ્રમિકો શહેરની નોકરી છોડીને ગામડે મજૂરી કરવા તૈયાર થઈ 'ગાંવ ચલો' આંદોલનમાં જોડાયા છે, જેના કારણે સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ચડવા માટે શ્રમિકોની ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી રહી છે.

કેન્દ્રીય કાપડ મંત્રી કોઈ ઠોસ જવાબ ન આપી શક્યા

પ્રેસ કોન્ફરન્સમાં શ્રમિકોની માંગ અને કામદારોના પલાયનને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ ઠપ્પ થવા સહિતના અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ આ અણીયારા સવાલોનો કેન્દ્રીય કાપડ મંત્રીએ કોઈ ઠોસ જવાબ આપવાને બદલે માત્ર દિલાસો આપતી સૂફિયાણી વાતો કરી હતી. મોટા ભાગના સવાલોના જવાબમાં તેમણે માત્ર એટલું જ કહ્યું કે, 'હું આગળ વાત કરીશ, ત્યારે આ બધા પ્રશ્નોનો જવાબ આપી શકીશ.'

મંત્રીની સૂફિયાણી વાતો: 'મિલ માલિક અને શ્રમિક બંને પરિવાર જેવા'

શ્રમિકોને કાયદા મુજબ સાપ્તાહિક રજા ન મળવા અને 12 કલાકની ડ્યુટી કરાવવા અંગે કાપડ મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, 'અમે સામ્યવાદીઓ (કોમ્યુનિસ્ટો)ની જેમ મિલ અને મજૂરોના સંબંધોના વિરોધી નથી. મિલ માલિક અને મજૂર બંને એક જ સિક્કાની બે બાજુ છે. મિલ માલિક મજૂરને પોતાનો પરિવાર માને અને મજૂર મિલ માલિકને પોતાનો પરિવાર માને, આ જ સંબંધથી સારો વહીવટ ચાલશે.'

મોંઘવારીના દાવા વચ્ચે યુદ્ધનું બહાનું

દેશમાં કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે અને ગરીબ તથા મધ્યમ વર્ગ તેમાં પીસાઈ રહ્યો છે, છતાં ટેક્સટાઈલ ક્ષેત્રે મંદી અને ભાવવધારા અંગે ગિરિરાજ સિંહે એવો દાવો કર્યો હતો કે, 'ખાડી યુદ્ધના કારણે આખી દુનિયામાં અસર પડી છે, પરંતુ તેની સરખામણીએ દેશમાં પ્રોડક્ટના ભાવ વધ્યા નથી.'

ટેક્સટાઇલ ઉદ્યોગ ઠપ્પ થઈ જવાની શક્યતા!

ઉલ્લેખનીય છેકે,સુરતનો કાપડ અને એમ્બ્રોડરી ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ આ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકોનું આ રીતે સમૂહમાં પલાયન ઉદ્યોગકારો માટે મોટી ચેતવણી છે. જો કારખાનેદારો સમયસર માનવીય અભિગમ અપનાવીને અઠવાડિક રજા અને યોગ્ય કામના કલાકોની માગણીઓ નહીં સ્વીકારે, તો આગામી દિવસોમાં કારીગરોના અભાવે કરોડો રૂપિયાનો ટેક્સટાઇલ ઉદ્યોગ ઠપ્પ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.