Surat

તાપી નદીના કિનારે ડિમોલિશનનો કચરો ઠાલવતા ટ્રેક્ટરોનો વીડિયો વાઈરલ, સુરત પાલિકાના સફાઈના દાવાઓ સામે સવાલો

By GS Team
10 Aug 20263 mins read
TukuTouch Logo
સુરતમાં તાપી નદીના કિનારે મક્કાઈપુલ નીચે ફ્લડ ગેટ પાસે કચરો અને ડિમોલિશન વેસ્ટ ઠાલવતો વીડિયો વાયરલ થયો છે. પાલિકા લાખોના ખર્ચે સફાઈના દાવા કરે છે, ત્યારે સંવેદનશીલ સ્થળે ટ્રેક્ટરમાંથી કચરો ઠલવાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાપી નદીના કિનારે ડિમોલિશનનો કચરો ઠાલવતા ટ્રેક્ટરોનો વીડિયો વાઈરલ, સુરત પાલિકાના સફાઈના દાવાઓ સામે સવાલો

Surat Tapi River Waste Dumping: સુરતમાંથી પસાર થતી તાપીનો કિનારો સ્વચ્છ રાખવા માટે એક તરફ પાલિકા તંત્ર દ્વારા સફાઈ અને જાળવણીના દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ મક્કાઈપુલ નીચે ફ્લડ ગેટ જેવા સંવેદનશીલ સ્થળે જ કચરો અને ડિમોલિશન વેસ્ટ ઠાલવવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. ફ્લડ ગેટ નજીક ઠાલવાયેલો કચરો પાણીના પ્રવાહ સાથે ભેગો થઈને ગેટ, નિકાલ માર્ગ અને આસપાસના વિસ્તારમાં અવરોધ ઊભો કરે તો તેની ગંભીર અસર થઈ શકે છે.

જવાબદારો સામે માત્ર સફાઈ નહીં પરંતુ કડક કાર્યવાહીની માગણી

સંવેદનશીલ સ્થળે જ આ રીતે કચરો ઠાલવવાની છૂટછાટ કોની મહેરબાનીથી ચાલી રહી છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. વાઈરલ વીડિયોમાં ટ્રેક્ટરમાંથી કચરો ઠાલવાતો હોવાના દ્રશ્યો સ્પષ્ટ દેખાતા હોવા છતાં, હવે માત્ર કચરો હટાવવાની ઔપચારિકતા પૂરી કરવાના બદલે ટ્રેક્ટર કોનું છે, કચરો ક્યાંથી ભરાયો, કોના કહેવાથી અહીં ઠાલવાયો અને આ માટે કોણ જવાબદાર છે તેની તાત્કાલિક તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની માંગણી ઊઠી રહી છે.

તાપી કિનારે લાખો રૂપિયાના ખર્ચ સામે સફાઈની સ્થિતિ પર સવાલ

સુરતમાંથી પસાર થતી તાપી નદીના કિનારાને સ્વચ્છ રાખવા માટે પાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ તાપી કિનારો જાણે કચરાના નિકાલ માટેનું સ્થળ બની ગયો હોય તેવી ગંભીર સ્થિતિ સામે આવી છે. મક્કાઈપુલ નીચે ફ્લડ ગેટ નજીક ટ્રેક્ટરમાંથી કચરો અને ડિમોલિશન વેસ્ટ ઠાલવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

ડિંડોલી તરફથી આવેલા ટ્રેક્ટર ચાલકનો વીડિયો સામે આવ્યા બાદ ફરાર

વાઈરલ થયેલા વીડિયોમાં મક્કાઈપુલના નીચેના ભાગે ફ્લડ ગેટ નજીક એક ટ્રેક્ટર ઊભું હોવાનું અને તેમાંથી કચરો તથા બાંધકામનો કાટમાળ તાપી કિનારે ઠાલવવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયો બનાવનાર વ્યક્તિ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં ટ્રેક્ટર ચાલક ડિંડોલી તરફથી આવ્યો હોવાનું જણાવતો સંભળાય છે. જોકે, વધુ પૂછપરછ થતાં જ તે ત્યાંથી ટ્રેક્ટર હંકારીને નીકળી ગયો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે કચરો કોઈ સામાન્ય સ્થળે નહીં પરંતુ ફ્લડ ગેટ નજીક ઠાલવવામાં આવ્યો છે. તાપી કિનારે ભારે વરસાદ કે ઉપરવાસમાંથી પાણીની આવક વધે અને પ્રવાહ તેજ બને ત્યારે આવા સ્થળે પડેલો કચરો પાણી સાથે ખેંચાઈને ફ્લડ ગેટ કે નિકાલ માર્ગ પર એકત્ર થઈ શકે છે, જેનાથી નિકાલ વ્યવસ્થા ખોરવાવાની શક્યતા રહે છે.

આ કચરો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો?

સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં હવે એવો સવાલ ઊઠી રહ્યો છે કે ફ્લડ ગેટ જેવા સંવેદનશીલ સ્થળે કચરો ઠાલવવાની હિંમત કોણે આપી અને આ કચરો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો? માત્ર વીડિયો વાઈરલ થયા બાદ કચરો હટાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ ન થવો જોઈએ. પાલિકા તંત્રએ વીડિયોના આધારે ટ્રેક્ટરની ઓળખ કરીને તે કયા વિસ્તારનું છે, કચરો ક્યાંથી અને કોના કહેવાથી ભરાયો હતો તથા તાપી કિનારે ઠાલવવા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરીને યોગ્ય પગલાં ભરવાની માગણી કરી રહ્યા છે. હવે આ વાઈરલ વીડિયો પાલિકા તંત્ર માટે સીધો પુરાવો બની શકે તેમ છે, ત્યારે તંત્ર માત્ર સફાઈ કરીને સંતોષ માને છે કે જવાબદારો સુધી પહોંચીને કડક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.