68 દિવસ બાદ કોઝવે પર ફરી વાહનો દોડ્યાં : સિંગણપોર-રાંદેરને મોટી રાહત, કોઝવે ખુલતાં વાહનચાલકોમાં હાશકારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરત સહિત ઉપરવાસમાં વરસાદે વિરામ લેતાં તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. જેના પગલે 3 જુલાઈથી વાહન વ્યવહાર માટે બંધ રહેલો સિંગણપોર કોઝવે આજે 68 દિવસ બાદ ફરી ખુલ્લો મુકાયો હતો. કોઝવે પર વાહન વ્યવહાર શરૂ થતાં સિંગણપોર-રાંદેર વચ્ચે અવરજવર કરતા વાહનચાલકોને લાંબા ચકરાવા અને ટ્રાફિકજામમાંથી મોટી રાહત મળી છે.
જોકે, ઉપરવાસમાં વરસાદ ખેંચાતા હાલ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં સુરત સહિત ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણીની આવકમાં મોટો વધારો થયો હતો. તાપી નદી બંને કાંઠે વહેતી થતાં સિંગણપોર ખાતેનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો હતો. કોઝવે પર પાણી ફરી વળતાં વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા 3 જુલાઈના રોજ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. કોઝવે બંધ થતાં સિંગણપોરથી રાંદેર તરફ તેમજ રાંદેરથી સિંગણપોર તરફ અવરજવર કરતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. પરિણામે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનોનો વધારાનો ભાર અન્ય માર્ગો પર જોવા મળતો હતો. રોજિંદી અવરજવર કરતા લોકોને લાંબો ચકરાવો લેવો પડતાં સમય અને ઇંધણ બંનેનો વધારાનો ખર્ચ ભોગવવો પડ્યો હતો. દરમિયાન ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ ઘટતાં અને તાપી નદીમાં પાણીની સપાટી સતત નીચે જતાં કોઝવે પરથી પાણી ઓસરવાનું શરૂ થયું હતું.
પાલિકા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. પાણીનું સ્તર સલામત મર્યાદામાં આવતા આજે 9 સપ્ટેમ્બરના રોજ કોઝવેને વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઝવે ખુલતાં જ સિંગણપોર-રાંદેર વચ્ચેના વાહનચાલકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. ખાસ કરીને રોજિંદા કામકાજ, નોકરી-ધંધા કે અન્ય કામ માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકોને હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ કે ડભોલી જહાંગીરપુરા બ્રિજના વૈકલ્પિક માર્ગના લાંબા ચકરાવામાંથી મુક્તિ મળશે. કોઝવે ખુલવાથી આસપાસના માર્ગો પર વધેલું વાહન ભારણ પણ ઘટવાની શક્યતા છે.




