Surat

પર્યાવરણ બચાવવા ગણેશોત્સવમાં અનોખી પહેલ : 'પ્લાસ્ટિક આપો, બાપ્પા લઈ જાઓ’ અભિયાનને સુરતવાસીઓનો જોરદાર પ્રતિસાદ

By GS Team
9 Sep 20263 mins read
TukuTouch Logo
સુરતમાં ગણેશોત્સવ પર્વ નિમિત્તે પાલિકા દ્વારા પર્યાવરણ બચાવવા '1 કિલો પ્લાસ્ટિક આપો, માટીના ગણેશજી લઈ જાઓ' અભિયાન ચલાવાયું છે. અત્યાર સુધીમાં 1200 કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત થયું છે અને 750 માટીના બાપ્પાનું વિતરણ કરાયું છે. આ પહેલથી પ્લાસ્ટિક મુક્તિ અને માટીની મૂર્તિઓના ઉપયોગને પ્રોત્સાહન મળ્યું છે, જેણે ગણેશોત્સવને 'ગ્રીન' બનાવવાની દિશામાં નવો સંદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પર્યાવરણ બચાવવા ગણેશોત્સવમાં અનોખી પહેલ : 'પ્લાસ્ટિક આપો, બાપ્પા લઈ જાઓ’ અભિયાનને સુરતવાસીઓનો જોરદાર પ્રતિસાદ

Surat Ganeshotsav : સુરતમાં ગણેશોત્સવ હવે માત્ર ભક્તિ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ બાપ્પાની સાથે પર્યાવરણ બચાવવાનો સંકલ્પ પણ જોવા મળી રહ્યો છે. પાલિકાના ‘1 કિલો પ્લાસ્ટિક આપો, માટીના ગણેશજી લઈ જાઓ’ અભિયાનમાં અત્યાર સુધીમાં 1200 કિલોથી વધુ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત થયો છે અને સામે 750 જેટલા માટીના બાપ્પા નાગરિકોના ઘરે પહોંચ્યા છે. પ્લાસ્ટિક મુક્તિ અને માટીની મૂર્તિના પ્રચારને એકસાથે જોડતી પાલિકાની આ પહેલે ગણેશોત્સવને ‘ગ્રીન’ બનાવવાની દિશામાં નવો સંદેશ આપ્યો છે. 
ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં મૂર્તિઓની સ્થાપના અને વિસર્જન થતું હોવાથી પર્યાવરણ પર તેની અસર ન થાય તે માટે પાલિકા દ્વારા આ વર્ષે પર્યાવરણમિત્ર ગણેશોત્સવને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ જ દિશામાં પાલિકાના 5R કેન્દ્રો હેઠળ પ્રથમ વખત ‘1 કિલો પ્લાસ્ટિક આપો, માટીના ગણેશજી લઈ જાઓ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ માત્ર પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવાનો નથી, પરંતુ તેને રિસાયકલિંગની પ્રક્રિયામાં પહોંચાડવા સાથે નાગરિકોમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો પણ છે. અભિયાન હેઠળ વ્યક્તિ કે પરિવાર દીઠ ઓછામાં ઓછું એક કિલો રિસાયકલ કરી શકાય તેવું સ્વચ્છ પ્લાસ્ટિક જમા કરાવનાર નાગરિકને માટીની ગણેશ મૂર્તિ આપવામાં આવે છે. પ્લાસ્ટિકની બોટલો, જૂના પ્લાસ્ટિકના ડબ્બા તથા અન્ય રિસાયકલ થઈ શકે તેવો સ્વચ્છ પ્લાસ્ટિક કચરો જમા કરાવી શકાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકો સ્વયંભૂ રીતે પ્લાસ્ટિક એકત્રિત કરીને પાલિકાના કેન્દ્રો સુધી પહોંચાડી રહ્યા છે. અત્યાર સુધીમાં 1200 કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત થવું આ અભિયાનને મળેલા પ્રતિસાદનું ઉદાહરણ છે.
બીજી તરફ, પ્લાસ્ટિકના બદલામાં માટીની ગણેશ મૂર્તિ આપવાનો હેતુ ગણેશોત્સવની આસ્થા સાથે પર્યાવરણની જવાબદારીને જોડવાનો છે. પીઓપીની મૂર્તિઓના વિસર્જનથી જળસ્રોતો પર થતી પર્યાવરણીય અસરને ધ્યાનમાં રાખીને પાલિકા માટીની મૂર્તિઓના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહી છે. માટીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી વિઘટિત થતી હોવાથી વિસર્જન બાદ જળસ્રોતો પર થતી અસર ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ પહેલ માત્ર એક અભિયાન પૂરતી ન રહે પરંતુ નાગરિકોની રોજિંદી જીવનશૈલીમાં પણ પર્યાવરણપ્રેમી વલણ વિકસે તેવો પાલિકાનો પ્રયાસ છે. ગણેશોત્સવ જેવા લોકપ્રિય અને શ્રદ્ધાના પર્વને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવાથી ‘સ્વચ્છ સુરત’ સાથે ‘હરિયાળું સુરત’ બનાવવાનો સંદેશ પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
આ અંગે આરોગ્ય સમિતિના અધ્યક્ષ અશોક રાંદેરિયાએ જણાવ્યું હતું કે, ગણેશોત્સવની ઉજવણી સાથે પર્યાવરણનું જતન થાય તેવા હેતુથી શરૂ કરાયેલી આ પહેલને નાગરિકોનો સારો સહકાર મળી રહ્યો છે. 1200 કિલોથી વધુ પ્લાસ્ટિકનું એકત્રીકરણ અને 750 જેટલી માટીની ગણેશ મૂર્તિઓનું વિતરણ એ દર્શાવે છે કે શહેરજનો હવે ઉત્સવની ઉજવણી સાથે પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીને પણ ગંભીરતાથી સમજી રહ્યા છે.પાલિકાની આ પહેલમાં સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં નાગરિકોની સીધી ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. લોકો ઘરમાં પડેલા પ્લાસ્ટિકને કચરાપેટીમાં ફેંકવાને બદલે તેને એકત્રિત કરીને માટીના બાપ્પા મેળવી શકે છે. આમ, એક જ પ્રયાસથી પ્લાસ્ટિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, રિસાયક્લિંગને પ્રોત્સાહન અને પર્યાવરણ મિત્ર ગણેશ મૂર્તિના ઉપયોગ—ત્રણેય હેતુ સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્લાસ્ટિક સામે સુરતનું ‘5R’ મોડેલ : રિફ્યુઝથી રિસાયકલ સુધીની કામગીરી
પ્લાસ્ટિકમાંથી બેન્ચ, ટાઇલ્સ, બ્રિક્સ અને રોડ બનાવાય છે. પ્લાસ્ટિક પ્રદૂષણ સામે સુરત પાલિકા ‘5R’ એટલે કે Refuse, Reduce, Reuse, Repair અને Recycleના સિદ્ધાંતને આધારે કામગીરી કરી રહી છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 હેઠળ જુલાઈ 2017 થી PPP ધોરણે પ્લાસ્ટિક પ્રોસેસીંગ કરવામાં આવે છે. પાલિકા સંચાલિત આઠ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પરથી પ્લાસ્ટિક અલગ કરી રિસાયક્લિંગ માટે મોકલવામાં આવે છે. પ્લાસ્ટિકની થેલીના સંગ્રહ માટે EPR હેઠળ સુમુલ ડેરી સાથે કરાર કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત દરરોજ અંદાજે દોઢ લાખ દૂધની થેલીઓ એકત્રિત કરી પ્રોસેસ કરવામાં આવે છે. ભટાર ખાતે દરરોજ અંદાજે 200 ટન પ્લાસ્ટિક પ્રોસેસ કરીને પેલેટ્સ બનાવવામાં આવે છે. આ પેલેટ્સનો ઉપયોગ બેન્ચ, ટાઇલ્સ, બ્રિક્સ, ખુરશી તેમજ પ્લાસ્ટિક રોડ બનાવવામાં થાય છે.