ઉધના રેલવે સ્ટેશન : દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન 7 લાખ લોકોએ મુસાફરી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Udhna Railway Station : સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી બિહાર, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં જતાં શ્રમિકો અને તેમના પરિવારોની સંખ્યા તહેવારો દરમિયાન વધતાં ભારે ભીડની સમસ્યા સર્જાતી હોય છે. ખાસ કરીને દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ, પ્રવેશ માર્ગો અને મુસાફરો માટેના હોલ્ડિંગ એરિયામાં ભારે દબાણ જોવા મળે છે. આ સમસ્યાના કાયમી ઉકેલના ભાગરૂપે પશ્ચિમ રેલવે દ્વારા ઉધના સ્ટેશન પર 15 હજાર મુસાફરો એકસાથે રહી શકે તેવી વિશાળ ક્ષમતા ધરાવતું નવું પેસેન્જર હોલ્ડિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું.
રેલવે દ્વારા માત્ર પાંચ મહિનામાં આ કેન્દ્રનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 10,224 ચોરસ મીટરમાં ફેલાયેલા આ કેન્દ્રમાં એકસાથે આશરે 15 હજાર મુસાફરોને સમાવી શકાય તેવી વ્યવસ્થા છે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ભારતીય રેલવેમાં આ પ્રકારનું સૌથી મોટું મુસાફર હોલ્ડિંગ સેન્ટર છે. આ ઉપરાંત સ્ટેશન પર અગાઉથી ઉપલબ્ધ 2,550 ચોરસ મીટરનું હોલ્ડિંગ એરિયા પણ મુસાફરો માટે કાર્યરત છે.
નવા કેન્દ્રમાં ટિકિટ લેતા પહેલાં, ટિકિટ લેવાની પ્રક્રિયા દરમિયાન અને ટિકિટ લીધા બાદ મુસાફરોની અવરજવર માટે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. મુસાફરો ટિકિટની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિર્ધારિત હોલ્ડિંગ એરિયામાં બેસી કે ઊભા રહી શકે છે અને ત્યારબાદ પોતાની ટ્રેનના સમય પ્રમાણે પ્લેટફોર્મ તરફ જઈ શકે છે.
મુસાફરોની સુવિધા માટે કેન્દ્રમાં 10 ટિકિટ બારી, છતવાળું હોલ્ડિંગ એરિયા, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે બેસવાની વ્યવસ્થા, અલગ શૌચાલય, શિશુને સ્તનપાન કરાવવા માટે વિશેષ કક્ષ અને આરઓનું શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
ગરમીમાં રાહત માટે 32 મોટા પંખા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક ટ્રેન ડિસ્પ્લે બોર્ડ, દિશાસૂચક પાટિયાં અને 146 સ્પીકર ધરાવતી ઉદ્ઘોષણા વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. સુરક્ષા અને દેખરેખ માટે કેન્દ્રમાં 55 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો દરમિયાન આ નવી સુવિધાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. પશ્ચિમ રેલવેના આંકડા મુજબ, 1થી 15 નવેમ્બર 2026 દરમિયાન ઉધના સ્ટેશન પરથી આશરે 7 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા ઉધનાથી 62 વિશેષ ટ્રેનો, જેમાં મોટાભાગની અનામત વિનાની હતી, ઉપરાંત 136 નિયમિત ટ્રેનો દોડાવવામાં આવી હતી.




