Surat

સુરત પાલિકામાં પદાધિકારીઓ પછી સમિતિઓની રચનામાં પણ વિલંબનું રહસ્ય ચર્ચામાં

By GS Team
1 Jul 20263 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને સમિતિઓની નિમણૂકમાં અસામાન્ય વિલંબ પાછળ રાજકીય દાવપેચ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહેન્દ્ર દેસાઈ અને દિગ્વિજય બારડને છેલ્લી ઘડીએ મહત્વની જવાબદારી અપાવવા માટે અગાઉની ગોઠવણમાં ફેરફાર કરાયા. પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાયી સમિતિના સભ્ય મહેન્દ્ર દેસાઈને TP કમિટીના ચેરમેન બનાવ્યા, જેથી તેમણે સ્થાયી સમિતિમાંથી રાજીનામું આપવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકામાં પદાધિકારીઓ પછી સમિતિઓની રચનામાં પણ વિલંબનું રહસ્ય ચર્ચામાં

Surat Corporation : સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને વિવિધ ખાસ સમિતિઓના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની નિમણૂકમાં થયેલા અસામાન્ય વિલંબ પાછળ અંતિમ ક્ષણનો રાજકીય દાવપેચ જવાબદાર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મહેન્દ્ર દેસાઈ અને દિગ્વિજય બારડને છેલ્લી ઘડીએ મહત્વની જવાબદારી અપાવવા માટે અગાઉ નક્કી થયેલી ગોઠવણમાં મોટા ફેરફારો કરવા પડ્યા હતા. આ છેલ્લી ઘડીના બદલાયેલા સમીકરણો ને કારણે અનેક દાવેદારોની આશા પર પાણી ફરી વળ્યું હોવાની ચર્ચા શરુ થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાની મંગળવારની સામાન્ય સભામાં વિવિધ ખાસ સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી પૂર્ણ થયા બાદ ભાજપના આંતરિક રાજકારણને લઈને અનેક ચર્ચાએ વેગ પકડ્યો છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓની નિમણૂક વખતે જોવા મળેલી અનિર્ણાયક સ્થિતિ ખાસ સમિતિની રચના વખતે પણ યથાવત રહી હોવાનું ભાજપના જ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉમેદવારોની પસંદગીથી લઈને સમિતિઓના અધ્યક્ષનું નામ જાહેર કરવામાં છેલ્લી ઘડી સુધી થયેલા વિલંબને કારણે શહેર ભાજપ અને પ્રદેશ નેતૃત્વ વચ્ચે સતત મંત્રણા ચાલી હોવાનું કહેવાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, શહેર ભાજપ તરફથી પ્રદેશ નેતૃત્વને મોકલાયેલી પ્રાથમિક યાદીમાં અંતિમ તબક્કે કેટલાક મહત્વના ફેરફારો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ટાઉન પ્લાનિંગ (ટીપી) સમિતિના અધ્યક્ષ તરીકે મહેન્દ્ર દેસાઈ અને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના અધ્યક્ષ તરીકે દિગ્વિજય બારડના નામો અંતિમ ક્ષણે સામેલ થતાં અગાઉ ગોઠવાયેલા સમીકરણો માં ફેરફાર કરવાની ફરજ પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે મેયર પદની દાવેદારીમાંથી બહાર રહેલા ઉર્વશી પટેલના સ્થાને દિગ્વિજય બારડને મહત્વની સમિતિનું અધ્યક્ષપદ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પ્રયાસોથી મહેન્દ્ર દેસાઈને ટાઉન પ્લાનિંગ સમિતિની કમાન સોંપવામાં આવી છે. નોંધનીય છે કે સ્થાયી સમિતિના સભ્ય ધર્મેશ ભાલાળાએ ગત 28 મેની સામાન્ય સભા દરમિયાન જાહેરમાં શહેર ભાજપ પ્રમુખ સમક્ષ સ્થાયી સમિતિમાંથી મુક્ત કરવાની રજૂઆત કરી હતી. તેમ છતાં જાહેર કરાયેલી યાદીમાં ધર્મેશ ભાલાળાને સ્થાયી સમિતિમાં યથાવત રાખવામાં આવ્યા, જ્યારે મહેન્દ્ર દેસાઈને ટીપી સમિતિનું અધ્યક્ષપદ સોંપવામાં આવ્યું. આ ઘટનાક્રમને પણ ભાજપના આંતરિક સમીકરણો સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાયી સમિતિના સભ્યને ટીપી કમિટીના ચેરમેન બનાવ્યા

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મંગળવારે વિવિધ સમિતિઓની રચના વચ્ચે એક એવો નિર્ણય લેવાયો કે જે પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત નોંધાયો છે. સ્થાયી સમિતિના કાર્યરત એક સભ્ય સીધા ટાઉન પ્લાનિંગ (ટીપી) કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવતા હવે તેમને સ્થાયી સમિતિ માંથી રાજીનામું આપવું પડશે. આ અનોખા નિર્ણય બાદ ખાલી પડનારી બેઠકને લઈને ભાજપમાં ફરી આંતરિક રાજકીય સમીકરણો અને દાવપેચ શરૂ થવાની ચર્ચા તેજ બની છે. સ્થાયી સમિતિની રચના એક મહિના પહેલા કરવામાં આવી હતી અને ત્યાર બાદ બદલાયેલા નિર્ણય પાલિકામાં સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ 12 પેટા સમિતિના ચેરમેન અને સભ્યોની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન પાલિકાના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાયી સમિતિના કાર્યરત સભ્યને ટાઉન પ્લાનિંગ (ટીપી) કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહેન્દ્ર દેસાઈને એક મહિના પહેલાં જ સ્થાયી સમિતિમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. માત્ર એક માસમાં જ તેમને ટીપી કમિટીના ચેરમેન તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા આ નિર્ણય પાલિકાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વરાછા વિસ્તારના કોર્પોરેટર મહેન્દ્ર દેસાઈને ટીપી કમિટીની કમાન સોંપાતા તેઓ હવે સ્થાયી સમિતિ અને ટીપી કમિટી એમ બંને હોદ્દા પર એક સાથે રહી શકતા નથી. પરિણામે તેમને સ્થાયી સમિતિના સભ્ય પદેથી રાજીનામું આપવું પડશે. આ રાજીનામા બાદ સ્થાયી સમિતિમાં એક બેઠક ખાલી પડશે. હવે આ બેઠક કોના ફાળે જશે તે અંગે ભાજપના કોર્પોરેટરોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં આ બેઠકને લઈને પણ પક્ષમાં આંતરિક દાવપેચ અને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. જોકે, કેટલાક કહેવાતા સિનિયરો મહત્વની કમિટિમાં સ્થાન મેળવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ તેઓ પાછા પડ્યા હતા અને મહેન્દ્ર દેસાઈને લોટરી લાગી ગઈ છે.