સુરત પાલિકામાં કચરાના કોન્ટ્રાક્ટ વખતે વિરોધ કરવાનું ભૂલેલો વિપક્ષ હવે મેદાનમાં, સોશિયલ મીડિયા પર વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : કચરાના નિકાલના કોન્ટ્રાક્ટના ભાવ અને પ્રક્રિયાને લઈને અગાઉથી વિવાદ ચાલી રહ્યો હોવા છતાં પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના ચાર કોર્પોરેટરોમાંથી કોઈએ આ મુદ્દે રજૂઆત કરી નહોતી. હવે વિવાદ વકર્યા બાદ વિપક્ષના પૂર્વ કોર્પોરેટરે સોશિયલ મીડિયા અને અખબારી યાદી મારફતે કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો છે. ઓક્ટોબરથી નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની હોવાથી બે વર્ષના બદલે એક વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે, ત્યારે આટલા સમય સુધી સામાન્ય સભામાં મૌન રહેલા વિપક્ષની હવે શરૂ થયેલી સક્રિયતા ચર્ચાનો વિષય બની છે.
કચરાના નિકાલના કોન્ટ્રાક્ટમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ કરી હવે વિપક્ષે વિરોધનો સૂર ઉઠાવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટના ભાવ અને પ્રક્રિયાને લઈને વિવાદ સર્જાયો ત્યારે વિપક્ષે કોઈ હોબાળો મચાવ્યો ન હતો જોકે, હવે મોડે મોડે દિવાળી વેકેશન બાદ વિપક્ષ જાગ્યો છે. પાલિકાના વિપક્ષના પૂર્વ કોર્પોરેટરે કચરાના નિકાલના કોન્ટ્રાક્ટમાં ભાજપના શાસકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત હોવાનો આક્ષેપ સાથે બે હજાર કરોડના કૌભાંડની વાત કરી છે.
તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2022માં સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીને પ્રતિ ટન 790 રૂપિયાના ભાવે 213 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ દરમિયાન ખજોદ ખાતે કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટનાઓ બની હોવા છતાં કામગીરીનો સમયગાળો વધુ 10 મહિના લંબાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ વર્ષ 2024માં ડી.એચ.પટેલ એજન્સીને 10 વર્ષ માટે કચરાના નિકાલનો કોન્ટ્રાક્ટ પ્રતિ ટન 790 રૂપિયાના બદલે 1552 રૂપિયાના ભાવે આપવામાં આવ્યો હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ જીએસટી સહિત અંદાજે 2000 કરોડ રૂપિયાની ચુકવણી થવાની હોવાનો વિપક્ષનો દાવો છે. અગાઉના ભાવની સરખામણીએ થયેલા વધારાને લઈને વિપક્ષે શાસકોની નિર્ણય પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષના પૂર્વ કોર્પોરેટરના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2026માં આ જ એજન્સી ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર પ્રતિ ટન 922 રૂપિયાના ભાવે કચરાનો નિકાલ કરવા તૈયાર થઈ હતી. આમ, 922 રૂપિયા અને 1552 રૂપિયાના ભાવ વચ્ચેના તફાવતને આધારે અંદાજે 800 કરોડ રૂપિયાના વધારાના ખર્ચનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક જ એજન્સી ઓછા ભાવે કામ કરવા તૈયાર હોવા છતાં અગાઉ ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત, અગાઉના કોન્ટ્રાક્ટ દરમિયાન કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટનાઓ અને કામગીરી અંગેની ફરિયાદો છતાં તંત્ર દ્વારા માત્ર નોટિસો આપીને કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. નવો કોન્ટ્રાક્ટ શરૂ થાય તે પહેલાં જ તેને રદ કરવાની અને શરતોનો ભંગ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માગ કમિશનર સમક્ષ કરવામાં આવી છે. જોકે, આ સમગ્ર પ્રકરણમાં વિપક્ષની અત્યાર સુધીની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં છે. કચરાના નિકાલના કોન્ટ્રાક્ટ અને તેના ભાવનો મુદ્દો અગાઉથી ચર્ચામાં હોવા છતાં સામાન્ય સભામાં આ મુદ્દે કોઈ આક્રમક રજૂઆત કરવામાં આવી નહોતી. પાલિકામાં ચાર કોર્પોરેટરો હોવા છતાં ગૃહમાં અવાજ ઉઠાવવાને બદલે હવે સોશિયલ મીડિયા અને અખબારી યાદીઓ મારફતે વિરોધ નોંધાવાઈ રહ્યો છે. કરોડોના ખર્ચ સાથે જોડાયેલા આવા મહત્વના મુદ્દે સામાન્ય સભામાં ચર્ચા કરવાને બદલે બહાર વિરોધ નોંધાવવાની વિપક્ષની કાર્યશૈલી પણ ચર્ચાનો વિષય બની છે.




