Surat

સુરત જિલ્લાના 'ચુડેલ' ગામનું નામ સત્તાવાર રીતે બદલાયું: હવે ઓળખાશે 'ચંદનપુર' તરીકે, 8 વર્ષની લડતનો આવ્યો અંત

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતના માંડવી તાલુકાના 'ચુડેલ' ગામનું નામ હવે સત્તાવાર રીતે 'ચંદનપુર' કરાયું છે. 2018થી ગ્રામજનોની ચાલી રહેલી માંગણીનો અંત આવ્યો છે. ગુજરાત સરકારે કેન્દ્રની મંજૂરી બાદ 7 જુલાઈ, 2026ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે. અજીબોગરીબ નામને કારણે વર્ષોથી અનુભવાતી ક્ષોભજનક સ્થિતિ હવે દૂર થતાંં 1200 ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત જિલ્લાના 'ચુડેલ' ગામનું નામ સત્તાવાર રીતે બદલાયું: હવે ઓળખાશે 'ચંદનપુર' તરીકે, 8 વર્ષની લડતનો આવ્યો અંત

Chudel Village In Surat Gets New Identity As Chandanpur: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા એક ગામના લોકો માટે લાંબા સમયથી ચાલી રહેલી માગણીનો આખરે સુખદ અંત આવ્યો છે. ગામના અજીબોગરીબ નામને કારણે વર્ષોથી ક્ષોભજનક સ્થિતિનો સામનો કરી રહેલા 'ચુડેલ' ગામનું નામ હવે સત્તાવાર રીતે બદલીને 'ચંદનપુર' કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાજ્ય સરકારનો આદેશ

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળ્યા બાદ, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સાતમી જુલાઇ, 2026ના રોજ એક સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અન્વયે તમામ સંબંધિત સરકારી વિભાગોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના સત્તાવાર સરકારી રૅકોર્ડમાં જરૂરી સુધારા-વધારા કરીને ગામનું નવું નામ દાખલ કરી દે.

સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, તમામ સરકારી દસ્તાવેજો અને રૅકોર્ડમાં ગામના નવા નામનો ઉલ્લેખ અલગ-અલગ લિપિમાં કરવાનો રહેશે. ગુજરાતી લિપિમાં ચંદનપુર, દેવનાગરી (હિન્દી) લિપિમાં चंदनपुर અને રોમન (અંગ્રેજી) લિપિમાં CHANDANPUR નામ કરવાનું રહેશે.

Chudel Notification.jpeg

2018થી ચાલતી હતી કાનૂની લડત

આ ગામના સરપંચના જણાવ્યા અનુસાર, ગામનું નામ બદલવા માટે ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી પ્રયત્નશીલ હતા. વર્ષ 2018થી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી સહિતના તમામ વહીવટી સ્તરે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આશરે 8 વર્ષની લાંબી વહીવટી પ્રક્રિયા અને સ્થાનિકોના સતત પ્રયાસો બાદ આખરે આ સફળતા મળી છે.

ગ્રામજનોમાં ખુશીનો માહોલ

અંદાજે 1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામના લોકોને પોતાના ગામનું જૂનું નામ બિલકુલ પસંદ ન હતું. બહારના વિસ્તારોમાં ગામનું નામ લેતાં સ્થાનિકો સંકોચ અનુભવતા હતા. હવે ગામનું નામ બદલાઈને 'ચંદનપુર' થતાં ગ્રામજનોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.