Surat

મીટર પેટીમાં લાગેલી આગની જ્વાળાઓ વચ્ચે શિક્ષકો બન્યા દેવદૂત : અમરોલીની નગરપ્રાથમિક શાળામાં મોટી જાનહાનિ ટળી

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતના અમરોલીની નગરપ્રાથમિક શાળામાં મીટર પેટીમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. જોકે, અગાઉ યોજાયેલી મોકડ્રીલની તાલીમ કામ આવતાં, શાળાના સ્ટાફ અને શિક્ષકોની સમયસૂચકતાથી 450 વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયા. ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવવાનો પ્રયાસ કરી, મોટી જાનહાનિ ટાળવામાં સફળતા મળી. આ ઘટનાએ મોકડ્રીલનું મહત્ત્વ ઉજાગર કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

મીટર પેટીમાં લાગેલી આગની જ્વાળાઓ વચ્ચે શિક્ષકો બન્યા દેવદૂત : અમરોલીની નગરપ્રાથમિક શાળામાં મોટી જાનહાનિ ટળી

Surat News : આફત ક્યારે અને કયા સ્વરૂપે આવી પડે તે કહી શકાય નહીં, પરંતુ કટોકટીના સમયે આગોતરી તૈયારી અને સમયસૂચકતા અમૂલ્ય સાબિત થાય છે. અમરોલીની નગરપ્રાથમિક શાળામાં મીટર પેટીમાં આગ લાગતાં અચાનક સર્જાયેલી કટોકટીમાં આ વાતનો જીવંત અનુભવ થયો હતો. આગની જાણ થતાં જ સાયરન વગાડીને વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની સાથે શિક્ષકો અને કમ્પ્યુટર ઓપરેટરે ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
ખાસ વાત એ છે કે શાળામાં અગાઉ યોજાયેલી મોકડ્રીલમાં અપાયેલી તાલીમ કટોકટીની આ ઘડીએ કામ આવી હતી. આચાર્યની આગોતરી તૈયારી, શિક્ષકોની હિંમત અને કર્મચારીઓની સમયસૂચકતાના સમન્વયથી આગગ્રસ્ત બિલ્ડિંગમાં હાજર 450 વિદ્યાર્થીઓને કોઈ ઈજા વિના સલામત બહાર કાઢી મોટી જાનહાનિ ટાળવામાં સફળતા મળી હતી. ફાયર વિભાગનાં વાહનો પહોંચે તે પહેલાં જ શાળાના કર્મચારીઓએ સમજદારીપૂર્વક પરિસ્થિતિ સંભાળતાં બાળકોની સુરક્ષા માટે મોકડ્રીલનું મહત્ત્વ પણ ઉજાગર થયું હતું.
પાલિકા દ્વારા સમયાંતરે શાળાઓમાં આગ જેવી કટોકટીનો સામનો કરવા મોકડ્રીલ યોજી વિદ્યાર્થીઓ અને સ્ટાફને સલામતીનાં પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આવી મોકડ્રીલનો હેતુ માત્ર ઔપચારિક તાલીમ પૂરતો નહીં, પરંતુ વાસ્તવિક કટોકટી વખતે દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા સમજીને ત્વરિત નિર્ણય લઈ શકે તે છે. અમરોલીની શાળામાં અગાઉ યોજાયેલી મોકડ્રીલની તાલીમ આગની ઘટના વખતે કામ આવી હતી. શાળાનાં આચાર્ય નીશાબેન વાળાએ જણાવ્યું હતું કે ગત શનિવારે જ શાળામાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. આગ લાગે ત્યારે સાયરન વાગે તો વિદ્યાર્થીઓએ કેવી રીતે સાવચેતી રાખવી અને સુરક્ષિત રીતે બહાર નીકળવું તેની તાલીમ આપવામાં આવી હતી. આગની જાણ થતાં જ શાળાના બિલ્ડિંગમાં સાયરન વગાડવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આગગ્રસ્ત બિલ્ડિંગમાં 450 વિદ્યાર્થીઓ હાજર હતા. મીટર પેટીમાં આગ લાગ્યાની જાણ સૌપ્રથમ મધ્યાહન ભોજનના સ્ટાફને થઈ હતી. ત્યારબાદ કમ્પ્યુટર ઓપરેટર સ્મીત પટેલ અને શિક્ષકો મનોહર જળોદર તથા ભરત લખાણીએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની સાથે શાળામાં ઉપલબ્ધ ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, આચાર્યએ ફાયર વિભાગ અને વીજ કંપનીને જાણ કરી દીધી હતી.
શિક્ષકો અને કમ્પ્યુટર ઓપરેટરની સમયસૂચકતા તથા હિંમતને કારણે આગની ગંભીરતા વધે તે પહેલાં જ તમામ 450 વિદ્યાર્થીઓને કોઈ ઈજા વિના સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાએ શાળાઓમાં આગ જેવી કટોકટીનો સામનો કરવા માટે યોજાતી મોકડ્રીલનું મહત્ત્વ ઉજાગર કર્યું છે. આગ લાગે ત્યારે ગભરાટમાં મૂકાવાને બદલે તાલીમ મુજબ પગલાં લેવામાં આવે તો મોટી દુર્ઘટના ટાળી શકાય છે, તેનું અમરોલીની શાળાની આ ઘટના જીવંત ઉદાહરણ બની છે.