સુરતીઓએ બદલી નાખ્યો શ્રાવણના ઉપવાસનો સ્વાદ : ઉપવાસીઓની ડીશમાં ફરાળી લોચાની એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Shravan Special : હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણમાં ઉપવાસ હોય અને સુરતી જીભને લોચો-બટાકા વડાનો ચટાકો ન મળે તો સુરતી સ્વાદ અધૂરો લાગે છે. સુરતીઓના આ જ ટેસ્ટને ધ્યાનમાં રાખીને હવે શ્રાવણના ફરાળમાં પણ અસલ સુરતી લોચા અને બટાકા વડાની એન્ટ્રી થઈ છે. અત્યાર સુધી ફરાળી પેટીસ, ચેવડો અને મોરૈયાની ખીચડી પૂરતો સીમિત રહેતો ફરાળ હવે સુરતી ફૂડ કલ્ચર સાથે નવો રંગ ધારણ કરી રહ્યો છે. એટલું જ નહીં, ફરાળી ભેળ, સેન્ડવીચ અને સમોસા જેવી વાનગીઓ પણ ફૂડ બજારમાં ઉમેરાઈ રહી છે. આમ, શ્રદ્ધા સાથે ઉપવાસ જાળવીને પણ સુરતી સ્વાદની જીભને સંતોષવાનો નવો રસ્તો વેપારીઓએ શોધી કાઢ્યો છે. એટલે શ્રાવણમાં હવે સુરતી જીભને ઉપવાસ પણ ફિક્કો નહીં, પરંતુ ‘ફરાળમાં પણ ફુલ સુરતી ટેસ્ટ’ મળી રહ્યો છે.
દાંડી રોડ પર સુભાષ ગાર્ડન નજીક ફરસાણની દુકાન ચલાવતા તુષારભાઈ અને તનીશાબહેન દર વર્ષે નવી વાનગીઓના પ્રયોગો કરે છે. આ વર્ષે તેમણે શ્રાવણના ત્રણથી ચાર મહિના અગાઉથી જ ફરાળી લોચો અને ફરાળી બટાકા વડા બનાવવાના પ્રયોગો શરૂ કર્યા હતા. અનેક પ્રયોગો બાદ સાબુદાણા અને મોરૈયાના લોટનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી તેને છાશમાં પલાળી લોચો તૈયાર કરવામાં આવ્યો છે. સામાન્ય લોચાની જેમ જ તેને સુરતી અંદાજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં મરચાં, આદુ, સિંધવ મીઠું ઉપરાંત ફરાળમાં લઈ શકાય તેવા જીરું અને મરીના પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે ઉપવાસીઓ માટે લોચાની નવી વાનગી તૈયાર થઈ છે. તુષારભાઈના જણાવ્યા મુજબ, સુરતીઓને ફરાળમાં પણ લોચો ખવડાવવાની ઈચ્છાથી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. સુરતી ગ્રાહક સ્વાદ સાથે બાંધછોડ કરતો ન હોવાથી ફરાળી લોચામાં પણ સામાન્ય લોચાની જેમ સ્વાદ અને ટેક્સચર જળવાઈ રહે તે માટે અનેક વખત પ્રયોગ કર્યો હતો. હવે ગ્રાહકોમાં આ ફરાળી લોચાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ જ રીતે સામાન્ય બટાકા વડાને બદલે ફરાળી લોટ અને ફરાળી મસાલાનો ઉપયોગ કરી ફરાળી બટાકા વડા તૈયાર કરી ઉપવાસીઓને પીરસવામાં આવી રહ્યા છે.
ડભોલી વિસ્તારમાં પંકજ પટેલ દ્વારા શ્રાવણ દરમિયાન ફરાળી ભેળ તૈયાર કરવામાં આવી રહી છે. ફરાળી ચેવડો, મોરૈયાના દાણા, બટાકા અને ખજૂરની ચટણીનો ઉપયોગ કરીને તૈયાર થતી આ ભેળમાં ઉપવાસની સામગ્રી સાથે ચટાકેદાર સ્વાદનો મેળ બેસાડવામાં આવ્યો છે. લાંબા સમયથી તેઓ શ્રાવણ દરમિયાન ફરાળી ભેળ બનાવી રહ્યા છે અને ઉપવાસીઓમાં તેની પણ માંગ જોવા મળી રહી છે. સામાન્ય રીતે સેન્ડવીચને ફરાળી વાનગી તરીકે જોવામાં આવતી નથી, પરંતુ સુરતના વરાછા વિસ્તારમાં હવે ફરાળી સેન્ડવીચ પણ તૈયાર થઈ રહી છે.
બીજી તરફ અશ્વનિકુમાર રોડ વિસ્તારમાં ફરાળી લોટ સાથે બટાકા અને શક્કરિયાનો ઉપયોગ કરીને ફરાળી સમોસા બનાવવામાં આવી રહ્યા છે અને તેને ચટણી સાથે પીરસવામાં આવે છે. આમ, ઉપવાસીઓ માટે મર્યાદિત વિકલ્પો ધરાવતા ફરાળમાં હવે સુરતી ફરસાણની વાનગીઓનો સતત ઉમેરો થઈ રહ્યો છે. શ્રાવણમાં ધાર્મિક આસ્થા સાથે ઉપવાસ કરનારા સુરતીઓ માટે આ નવી વાનગીઓ સ્વાદની દૃષ્ટિએ નવો અનુભવ બની રહી છે. સુરતની ખાણીપીણીની ઓળખ જ એવી છે કે અહીં સ્વાદમાં સતત નવા પ્રયોગો થતા રહે છે. હવે આ જ પ્રયોગશીલતા ફરાળમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે શ્રાવણમાં ઉપવાસ છે, પણ સુરતી જીભ માટે સ્વાદનો ઉપવાસ નથી રહેતો
ફરાળી વાનગી સાથે હવે ફરાળી ચટણીનો પણ ચટાકો!
શ્રાવણ માસમાં ઉપવાસ કરનારાઓની સંખ્યા મોટી હોવાથી સુરતના ફૂડ માર્કેટમાં ફરાળી વાનગીઓની સાથે હવે ફરાળી ચટણીનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક ફરસાણના વેપારીઓ દ્વારા સામાન્ય ચટણીના બદલે ઉપવાસીઓ માટે અલગથી ફરાળી ચટણી તૈયાર કરવામાં આવી રહી છે અને ફરાળી વાનગીઓ સાથે ગ્રાહકોને પીરસવામાં આવે છે.
આ ફરાળી ચટણીમાં સીંગદાણા, તલ, કોપરું અને કોથમીર જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. સામગ્રીને યોગ્ય પ્રમાણમાં મિક્સ કરીને તૈયાર કરવામાં આવતી આ ચટણી સ્વાદમાં ચટાકેદાર હોવાની સાથે ફરાળમાં લઈ શકાય તેવી બનાવવામાં આવે છે. ખાસ કરીને ફરાળી લોચા, ફરાળી બટાકા વડા, ફરાળી સમોસા અને અન્ય ફરસાણ સાથે આ ચટણી પીરસવામાં આવી રહી છે.
સુરતના બજારમાં રેડી-ટુ-ઈટ ફરાળી ખીચું, ફરાળી ભાખરી અને પફ પણ ફરાળી!
શ્રાવણ માસમાં સુરતના ફૂડ માર્કેટમાં ફરાળી વાનગીઓની નવી નવી વેરાયટી જોવા મળી રહી છે ત્યારે હવે રેડી-ટુ-ઈટ ફરાળમાં પણ નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સુરતની અનેક દુકાનોમાં હાલ ઇન્સ્ટન્ટ ફરાળી ખીચું અને ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળાના તૈયાર લોટ ઉપલબ્ધ બન્યા છે. ખાસ વાત એ છે કે આ લોટ ઘરે લઈ ગયા બાદ ગણતરીની મિનિટોમાં માત્ર પાણી ઉમેરીને ફરાળી વાનગી તૈયાર કરી શકાય છે.
આ સાથે સુરતના બજારમાં ફરાળી ભાખરી અને ફરાળી પફ પણ જોવા મળી રહ્યા છે. સામાન્ય ભાખરી અને પફની જેમ જ તેને ચા, દૂધ અથવા અન્ય ફરાળી પીણા સાથે નાસ્તા તરીકે આરોગી શકાય છે.
ઉપવાસીઓ માટે હવે ફરાળી થાળીનો પણ વિકલ્પ
શ્રાવણ માસમાં અનેક શ્રદ્ધાળુઓ ઉપવાસ કરતા હોય છે, પરંતુ બદલાતી જીવનશૈલીમાં આખો દિવસ ભૂખ્યા રહીને ઉપવાસ કરવો દરેક માટે સરળ રહ્યો નથી. તેથી ઘણા લોકો ફરાળી વાનગીઓ આરોગીને ઉપવાસ રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ બદલાતી પસંદગી વચ્ચે સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફરાળી થાળીનો પણ વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. ખાસ કરીને એક જ જગ્યાએ વિવિધ ફરાળી વાનગીઓનો સ્વાદ માણવા માંગતા ઉપવાસીઓ માટે આ થાળી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
સુરતમાં કેટલીક જગ્યાએ મળતી ફરાળી થાળીમાં મોરૈયો, ફરાળી કઢી, બટાકા-સુરણનું શાક, રાજગરાની પુરી, સુરણની ચીપ્સ, ફરાળી ઢોકળા-ખમણ, ફરાળી પેટીસ અને મીઠાઈ જેવી વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે.




