પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટીની 'સૂરત' બગડી! આખી કાર સમાઈ જાય તેવા ભૂવા પડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heavy Rain In Surat: સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટી અને મજબૂત રસ્તાઓ બનાવવાના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ ચાલુ સીઝનના પહેલા જ વરસાદે પાલિકાના આ વિકાસના દાવાઓની હકીકત ખુલ્લી પાડી દીધી છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આશરે 400 મીટર જેટલો લાંબો રસ્તો અચાનક ધસી પડ્યો છે. આ માર્ગ પર આખેઆખી કાર સમાઈ જાય તેટલા મોટા ચારથી પાંચ ભૂવા પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ડ્રેનેજની કામગીરી બાદ બનેલો રોડ બેસી ગયો
સુરતમાં આ ઘટનાએ પાલિકાના રોડ વિભાગની કામગીરી, કોન્ટ્રાક્ટરની ગુણવત્તા અને સુપરવિઝન કરી રહેલા અધિકારીઓની બેદરકારી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. આ જ માર્ગ પર થોડા સમય પહેલાં ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજનું કામ પૂરું કરાયા બાદ તેના પર ફરીથી નવો રોડ બનાવવામાં આવ્યો હતો. તેમ છતાં, પહેલા જ વરસાદમાં આખો રસ્તો બેસી જતાં કામની નબળી ગુણવત્તા જગજાહેર થઈ ગઈ છે.
પાલિકાએ રસ્તો બંધ કરી સમારકામ શરૂ કર્યું
ઘટનાની ગંભીરતા અને જોખમને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક દોડતા થયા હતા. પાલિકા દ્વારા સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આ મુખ્ય માર્ગને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે જેસીબી સહિતની ભારે મશીનરી ઉતારીને રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જવાબદારો સામે કડક પગલાં લેવા સુરતીઓની માંગ
આ ઘટનાથી માત્ર રસ્તાનું થીગડું મારીને અથવા સમારકામ કરીને મામલો દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો ગણગણાટ શરૂ થયો છે. નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરનું લાઈસન્સ બ્લેકલિસ્ટ કરવામાં આવે અને સુપરવિઝનમાં બેદરકારી દાખવનારા જવાબદાર એન્જિનિયરો-અધિકારીઓ સામે માત્ર કાગળ પર નહીં, પણ વાસ્તવિક અને કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી હવે સુરતના નાગરિકો કરી રહ્યા છે.









