સુરતમાં શ્રાવણ માસમાં ફરાળી લોટની વાનગીઓનું ધૂમ વેચાણ, ગુણવત્તા સામે સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation Food Safety : શ્રાવણ આવતા જ સુરતના ખાણીપીણી બજારમાં ફરાળી વાનગીઓનો રાફડો ફાટ્યો છે. એક તરફ ઉપવાસીઓની વધતી સંખ્યા સાથે ફરાળી લોટ અને સાબુદાણાની માંગ વધી રહી છે, તો બીજી તરફ બિલાડીની ટોપની જેમ ગલી-ગલીમાં ફરાળી વાનગીની દુકાન, લારીઓ અને સ્ટોલ ઊભા થઈ રહ્યા છે. ધંધો વધ્યો છે, પરંતુ શું ગુણવત્તાની ચકાસણી પણ એટલી જ ઝડપથી વધી છે તે સવાલ છે. 2024માં ફરાળી લોટના સેમ્પલ લેબ ટેસ્ટમાં ફેઈલ થયું હતું અને સાબુદાણાનું સેમ્પલ પણ અનસેફ જાહેર થયું હતું. ત્યારે આ વર્ષે ઉપવાસીઓની થાળીમાં ખરેખર શુદ્ધ ફરાળી જાય છે કે ભેળસેળવાળો લોટ અને તેમાંથી બનેલી વાનગીઓ જાય છે તે ચકાસવાની જવાબદારી પાલિકા પર આવી છે જોકે, હજી સુધી પાલિકાએ આ તપાસ શરુ કરી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.
હાલ શ્રાવણ માસ શરૂ થતાં જ સુરતમાં ઉપવાસ કરનારા લોકોની સંખ્યા વધવાની સાથે ફરાળી વાનગીઓ અને ફરાળી લોટના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ફરાળી થાળી થી લઈને સાબુદાણા વડા, ફરાળી પેટીસ, ખીચડી, ફરાળી પુરી સહિતની વિવિધ વાનગીનું વેચાણ શરૂ થઈ ગયું છે. શહેરમાં અનેક સ્થળે નવી ફરાળી વાનગીની દુકાન, લારીઓ અને સ્ટોલ પણ શરૂ થયા છે. આવી સ્થિતિમાં બજારમાં ફરાળી સામગ્રીની માંગ વધી રહી છે ત્યારે તેની શુદ્ધતા અને ગુણવત્તા જળવાઈ રહી છે કે નહીં તેની તપાસ કરવી વધુ મહત્વની બની છે. સુરતમાં અગાઉ પણ ફરાળી સામગ્રીની ગુણવત્તા સામે સવાલો ઉભા થઈ ચૂક્યા છે. 2024માં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટ, મોરૈયો અને સાબુદાણાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વેપારીઓ અને સંસ્થાઓ પાસેથી કુલ 18 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ફરાળી લોટમાં એક સેમ્પલ ફેઈલ એટલે કે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું હતું. લેબ ટેસ્ટમાં ફરાળી લોટમાં મોઈશ્ચરનું પ્રમાણ નિયત 12 ટકાથી વધુ જ્યારે પ્રોટીનનું પ્રમાણ જરૂરી 9 ટકાથી ઓછું હોવાનું બહાર આવ્યું હતું. પરિણામ બાદ સંબંધિત સંસ્થા સામે કાર્યવાહી શરૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી. ફરાળી લોટ સાથે સાબુદાણાના સેમ્પલમાં પણ ગંભીર ખામી બહાર આવી હતી. લેબોરેટરી તપાસમાં સાબુદાણાનું સેમ્પલ અનસેફ એટલે કે ખાવા લાયક ન હોવાનું જાહેર થયું હતું. આ મામલે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી તેમજ કોર્ટમાં કેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
અગાઉના આ બંને કિસ્સા જોતા શ્રાવણ દરમિયાન ફરી એક વખત ફરાળી સામગ્રીનું સઘન સેમ્પલિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. હાલમાં માત્ર ફરાળી લોટ અને સાબુદાણાનું વેચાણ જ વધ્યું નથી, પરંતુ તેમાંથી તૈયાર થતી ફરાળી વાનગીનું બજાર પણ વિસ્તર્યું છે. ખાસ કરીને રસ્તા પરની લારી અને સ્ટોલથી લઈને નાની-મોટી દુકાનોમાં ફરાળી વાનગીઓ તૈયાર થઈ રહી છે. આવી વાનગીઓમાં કયો લોટ વપરાય છે, સાબુદાણા સહિતની કાચી સામગ્રીની ગુણવત્તા કેવી છે, કયા તેલનો ઉપયોગ થાય છે અને વાનગી તૈયાર કર્યા બાદ તેને કેવી રીતે રાખવામાં આવે છે તેની પણ ચકાસણી જરૂરી છે. શ્રાવણની શરૂઆત સાથે ફરાળી બજાર ધમધમી રહ્યું છે ત્યારે પાલિકા માત્ર ફરિયાદ આવે ત્યારબાદ કાર્યવાહી કરે તેના બદલે આગોતરી તપાસ હાથ ધરે તેવી અપેક્ષા છે. ઉપવાસીઓ આરોગ્યની દૃષ્ટિએ સુરક્ષિત અને શુદ્ધ સામગ્રી મળે તેવી આશાએ ફરાળી વાનગીઓ ખરીદે છે ત્યારે તેમની થાળીમાં ખરેખર ફરાળી જાય છે કે પછી ભેળસેળવાળા લોટ અને હલકી ગુણવત્તાની સામગ્રીમાંથી તૈયાર થયેલી વાનગી જાય છે તે ચકાસવાની જવાબદારી હવે પાલિકાના ફૂડ વિભાગની બની છે.









