Surat

સુરતીઓની અનોખી આસ્થા, દેવદિવાળીએ પ્રગટાવે છે 365 દોરાની દિવેટ

By GS Team
19 Nov 20264 mins read
TukuTouch Logo
સુરતમાં દેવદિવાળીએ 365 દોરાની દિવેટ પ્રગટાવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. કોટ વિસ્તારના મંદિરો પાસે આ વિશેષ દિવેટનું વેચાણ થાય છે. આખા વર્ષ દરમિયાન દીવો ન થઈ શક્યો હોય તો કારતકી પૂર્ણિમાના દિવસે આ દિવેટ પ્રગટાવી, વર્ષભર દીપદાન કર્યાનો ભાવ વ્યક્ત કરાય છે. 7-8 દાયકાથી ચાલતી આ પરંપરા સુરતીઓની આસ્થાનું પ્રતીક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતીઓની અનોખી આસ્થા, દેવદિવાળીએ પ્રગટાવે છે 365 દોરાની દિવેટ

Surat: સુરતમાં દેવદિવાળીના પર્વે 365 દોરાની દિવેટ પ્રગટાવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ શ્રદ્ધાપૂર્વક જળવાઈ રહી છે. આખા વર્ષ દરમિયાન કોઈ કારણસર રોજ દીવો ન થઈ શક્યો હોય તો કારતકી પૂર્ણિમાના દિવસે 365 દોરાની એક જ દિવેટ પ્રગટાવી વર્ષભર દીપદાન કર્યું હોય તેવી ધાર્મિક ભાવના સાથે સુરતીઓ આ પરંપરા નિભાવે છે. કોટ વિસ્તારનાં જૂનાં મંદિરોની આસપાસ દેવદિવાળી નિમિત્તે આ વિશેષ દિવેટનું વેચાણ થાય છે. અંબાજી મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ, સુરતમાં સાતથી આઠ દાયકાથી પણ વધુ સમયથી આ પરંપરા ચાલી આવે છે. સુરતીઓની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી આ પરંપરામાં 365 દોરાની દિવેટ માત્ર એક દીવો નથી, પરંતુ આખા વર્ષ દરમિયાન ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે.

સુતરના 365 દોરાને એકસાથે ગૂંથીને ખાસ પ્રકારની દિવેટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઘી અથવા તલના તેલમાં પલાળીને મોટા દીવામાં મૂકવામાં આવે છે અને દેવદિવાળીના દિવસે ભગવાન સમક્ષ પ્રગટાવવામાં આવે છે. દિવેટના દરેક દોરાને વર્ષના એક દિવસનું પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરા પાછળની ધાર્મિક ભાવના પણ એટલી જ રસપ્રદ છે. હિન્દુ પરિવારોમાં દરરોજ સવારે કે સાંજે ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવાની પરંપરા છે. જોકે, વર્ષ દરમિયાન ક્યારેક બહારગામ જવાનું હોય કે અન્ય કોઈ કારણસર ઘરમાં દીવો ન થઈ શક્યો હોય તો દેવદિવાળીના દિવસે 365 દોરાની દિવેટ પ્રગટાવી આખા વર્ષ દરમિયાન દીપદાન કર્યું હોય તેવી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. આમ, એક જ દીવામાં વર્ષના તમામ દિવસોની ભક્તિનો ભાવ સમાવી દેવામાં આવે છે. સુરતના અંબાજી રોડ પર આવેલા 450 વર્ષથી વધુ પ્રાચીન અંબાજી મંદિરના પૂજારી કિરણ મહારાજના જણાવ્યા મુજબ, સુરતમાં 365 તારની દિવેટ બનાવવાની અને દેવદિવાળીના દિવસે પ્રગટાવવાની પરંપરા અનેક દાયકાઓ જૂની છે. સાતથી આઠ દાયકાથી પણ વધુ સમયથી આ પરંપરા ચાલી આવતી હોવાનું તેઓ જણાવે છે. સમય બદલાયો છે, પરંતુ સુરતીઓની આસ્થા અને પરંપરા પ્રત્યેની શ્રદ્ધા આજે પણ અકબંધ છે. દેવદિવાળીના પર્વે કોટ વિસ્તારનાં જૂનાં મંદિરોની આસપાસ આ વિશેષ દિવેટનું વેચાણ થતું જોવા મળે છે. શ્રદ્ધાળુઓ અગાઉથી દિવેટ ખરીદી રાખે છે અને કારતકી પૂર્ણિમાના દિવસે પૂજા-અર્ચના કરીને ભગવાન સમક્ષ દીવો પ્રગટાવે છે. આ પરંપરા માત્ર સુરતીઓ પૂરતી સીમિત નથી. અન્ય સ્થળોએથી આવતા લોકો પણ સુરતમાં 365 દોરાની દિવેટ ખરીદીને પોતાની ધાર્મિક માન્યતા મુજબ પ્રગટાવે છે. દેવદિવાળીના દિવસે દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. મંદિરોમાં દીવાઓની ઝગમગાટ અને ઘરોમાં થતી પૂજા વચ્ચે 365 દોરાની દિવેટ સુરતની આગવી ધાર્મિક પરંપરાની ઓળખ બની રહી છે. એક જ દિવેટમાં આખા વર્ષના દીપદાનની ભાવના વ્યક્ત કરતી આ પરંપરા નવી પેઢી સુધી પહોંચે તે પણ સુરતની ધાર્મિક સંસ્કૃતિનું એક મહત્ત્વનું પાસું છે.

બે પૈસા ની દિવેટ હવે દસ રૂપિયામાં ત્રણ

સુરતમાં 365 દોરાની દિવેટ પ્રગટાવવાની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે, પરંતુ સમયની સાથે આ દિવેટના ભાવમાં પણ વધારો થયો છે. વર્ષો પહેલાં બે પૈસામાં મળતી દિવેટ હવે દસ રૂપિયામાં ત્રણના ભાવે વેચાઈ રહી છે. જોકે, ભાવમાં થયેલા વધારા છતાં શ્રદ્ધાળુઓની આસ્થા પર તેની કોઈ અસર જોવા મળતી નથી. દેવદિવાળીના પર્વે કોટ વિસ્તારનાં જૂનાં મંદિરોની આસપાસ દિવેટનું વેચાણ થાય છે અને શ્રદ્ધાળુઓ હોંશે હોંશે ખરીદી કરીને ભગવાન સમક્ષ પ્રગટાવે છે. આમ, દિવેટના ભાવ બદલાયા છે, પરંતુ સુરતીઓની વર્ષો જૂની ધાર્મિક પરંપરા આજે પણ અકબંધ રહી છે.

આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં પણ પ્રચલિત છે 365 વાટનો દીવો

365 વાટનો દીવો પ્રગટાવવાની પરંપરા માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ દક્ષિણ ભારતનાં આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં પણ વિશેષ પ્રચલિત છે. ખાસ કરીને કારતક માસની પૂર્ણિમાએ શિવમંદિરોમાં 365 વાટનો વિશાળ દીવો પ્રગટાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ પરંપરા કારતક દીપમ અને દીપડા ની ધાર્મિક પરંપરા સાથે જોડાયેલી છે. આ પરંપરામાં રૂની 365 વાટને એકસાથે ગૂંથીને મોટી દિવેટ તૈયાર કરવામાં આવે છે. તેને ઘી અથવા તલના તેલમાં પલાળીને મોટા દીવામાં પ્રગટાવવામાં આવે છે. દરેક વાટ વર્ષના એક દિવસનું પ્રતીક માનવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન દરરોજ દીવો પ્રગટાવવાની ભાવનાને એક જ દિવસે સાકાર કરવાના આશયથી આ દીપદાન કરવામાં આવે છે. દક્ષિણ ભારતના તેલુગુ પરિવારોમાં કારતક માસ દરમિયાન ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા, દીપદાન તથા ધાર્મિક અનુષ્ઠાન નું વિશેષ મહત્વ છે. કારતકી પૂર્ણિમાએ મંદિરોમાં સામૂહિક દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તે લાંબા સમયથી ધાર્મિક આસ્થાનો હિસ્સો રહી છે. સમય જતાં આવી જ ધાર્મિક ભાવના સાથે 365 દોરાની દિવેટ પ્રગટાવવાની પરંપરા સુરતમાં પણ લોકપ્રિય બની છે.