Surat

કારીગરી-આસ્થાનો અદ્ભુત સમન્વય! રામલલાના કાંડે શોભશે સુરતમાં બનેલી ચાંદીના રિયલ જરદોશી તારની વિશેષ રાખડી

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતના જરી ઉદ્યોગે અયોધ્યામાં બિરાજમાન રામલલા માટે ખાસ રાખડી બનાવી છે. 'ધ જરી મેન્યુફેક્ચર એસોસિએશન' દ્વારા તૈયાર કરાયેલી આ રાખડીમાં અસલ ચાંદીના જરદોશી તાર અને બારીક કારીગરીનો ઉપયોગ થયો છે. સુરતની કારીગર બહેનોએ શ્રદ્ધાથી બનાવેલી આ અદ્ભુત રાખડી 28 ઓગસ્ટે રક્ષાબંધનના પર્વે રામલલાના કાંડે શોભશે, જે સુરતી કળા અને ભક્તિનું પ્રતિક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કારીગરી-આસ્થાનો અદ્ભુત સમન્વય! રામલલાના કાંડે શોભશે સુરતમાં બનેલી ચાંદીના રિયલ જરદોશી તારની વિશેષ રાખડી

Surat Jari Industry Ram Lalla Rakhi Ayodhya: 'સુરત એટલે સોનાની મુરત' અડીખમ ઓળખ સમો આ ડાયલોગ આજે પણ સુરતની કારીગરી અને એના સદીઓ જૂના 'રીયલ જરી ઉદ્યોગ' માટે એટલો જ સાર્થક કરે છે. જો કે, આ વખતે સુરતની આ ઝળહળતી ઓળખ માત્ર મોંઘાદાટ કપડાંની બોર્ડર કે સાડીઓ પર ચમકવા પૂરતી સીમિત રહી નથી. આવનાર રક્ષાબંધન પર્વે સુરતી હસ્તકળાની જોરદાર કારીગરી સીધી પ્રભુ શ્રીરામના ચરણો સુધી પહોંચી છે. આગામી 28 ઑગસ્ટના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે, અયોધ્યામાં બિરાજમાન રામલલાના કાંડે બાંધવા માટે સુરતથી એક અત્યંત ખાસ અને અદ્ભુત રાખડી મોકલાઈ છે, જે સુરતના લોકોની શ્રદ્ધા અને સમર્પણના ભાવને પ્રગટ કરે છે.

image.png

કારીગરી-આસ્થાનો અદકેરો સમન્વય

અયોધ્યાના ધામમાં બિરાજમાન રામલલા માટે આ વિશેષ આર્ટપીસ સુરતના 'ધ જરી મેન્યુફેક્ચર એસોસિએશન'ના નેજા હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ નજરે જ મન મોહી લેતી આ કોઈ સામાન્ય રાખડી નથી, પરંતુ ભારતીય પરંપરા અને સુરતી કારીગરીનો એક નમૂનો છે. અસલ ચાંદીના રિયલ જરદોશી તારનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી આ રાખડીમાં સુરતની કુશળ કારીગર બહેનોએ પોતાની શ્રદ્ધા, પ્રેમ અને દિવસોની મહેનત પરોવી છે. બારીક ડિઝાઇનિંગ અને રિયલ જરીના ચમકતા તારથી કંડારેલી આ રાખડી સુરતની ભવ્ય જરી કળાનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડે છે.

સુરતના જરી ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ

સુરતનો જરી ઉદ્યોગ મુઘલ કાળથી લઈને આજ સુધી વિશ્વભરમાં પોતાની આગવી છાપ છોડતો આવ્યો છે, પરંતુ અયોધ્યા રામમંદિર ખાતે રામલલા માટે રાખડી બનાવવાનો આ અવસર સ્થાનિક વેપારીઓ અને કારીગરો માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ બની રહ્યો છે. 28 ઑગસ્ટે જ્યારે આ કલાત્મક રિયલ જરીની રાખડી પ્રભુ શ્રીરામના કાંડે શોભશે, ત્યારે એ માત્ર એક ધાર્મિક વિધિ નહીં હોય, પણ અયોધ્યાના આંગણે સુરતી સંસ્કાર અને હસ્તકળાનો વિજયધ્વજ ફરકશે.