Surat

સુરત: ડુમસ સી ફેસમાં મફત પ્રવેશ બંધ કરવાની તૈયારી

By GS Team
19 Nov 20263 mins read
TukuTouch Logo
સુરત: સુરતીઓના પ્રિય ડુમસ સી ફેસ પર હવે પ્રવેશ મફત નહીં મળે. સુરત પાલિકાએ ભીડ નિયંત્રણ અને સંચાલન ખર્ચ પહોંચી વળવા પ્રવેશ ફી વસૂલવાની દરખાસ્ત કરી છે. પુખ્ત વયના માટે 20 રૂપિયા અને બાળકો-વરિષ્ઠ નાગરિકો માટે 10 રૂપિયા ફી સૂચવાઈ છે. ઉપરાંત, વાહનો માટે 10 થી 80 રૂપિયા પાર્કિંગ ફી પણ લાગુ પડશે. મંજૂરી મળ્યે આ નિયમો અમલમાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: ડુમસ સી ફેસમાં મફત પ્રવેશ બંધ કરવાની તૈયારી

Surat: સુરતીઓમાં લોકપ્રિય બનેલા ડુમસ સી ફેસ પર હવે મફતમાં ફરવા જવાની મજા મોંઘી પડી શકે છે. પ્રોજેક્ટ પર સહેલાણીઓની ક્ષમતા કરતાં વધુ ભીડ ઉમટી રહી હોવાનો દાવો કરી સુરત પાલિકાએ પ્રવેશ નિયંત્રિત કરવા પ્રવેશ ફી વસૂલવાની તૈયારી કરી છે. પુખ્ત વ્યક્તિ દીઠ 20 રૂપિયા અને બાળકો તથા વરિષ્ઠ નાગરિકો માટે 10 રૂપિયા પ્રવેશ ફી ઉપરાંત ટુ વ્હીલરથી માંડી ફોર વ્હીલર સુધીનાં વાહનો માટે પાર્કિંગ ફી વસૂલવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે મંજૂરી મળ્યા બાદ આ દરખાસ્ત નો અમલ થઈ શકે છે.

સુરતીઓ માટે દરિયા કિનારે હરવા-ફરવા અને પરિવાર સાથે સમય વિતાવવા નું નવું આકર્ષણ બનેલા ડુમસ સી ફેસ પર હવે મફત પ્રવેશ બંધ કરવાની તૈયારી શરૂ થઈ છે. ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઝોન-1 (અર્બન ઝોન)ના પેકેજ-1નું લોકાર્પણ થયા બાદ દરરોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. પ્રોજેક્ટની ક્ષમતા કરતાં પણ વધુ લોકો આવતા હોવાની રજૂઆત સાથે સુરત પાલિકાના વોટર રિસોર્સિસ એન્ડ રિક્રિએશન સેલ દ્વારા પ્રવેશ ફી અને પાર્કિંગ ફી નક્કી કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. પાલિકાની દરખાસ્ત મુજબ 12 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ દીઠ પ્રતિ દિવસ 20 રૂપિયા પ્રવેશ ફી વસૂલવા નું સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણથી બાર વર્ષનાં બાળકો અને 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે 10 રૂપિયા ફી રાખવાનું સૂચવાયું છે. ત્રણ વર્ષ સુધીનાં બાળકોને પ્રવેશ ફીમાંથી મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. માત્ર પ્રવેશ જ નહીં, વાહન પાર્કિંગ માટે પણ અલગથી ચાર્જ વસૂલવાની દરખાસ્ત છે. જેમાં ફોર વ્હીલર માટે 30 રૂપિયા, થ્રી વ્હીલર માટે 25 રૂપિયા અને ટુ વ્હીલર માટે 10 રૂપિયા પ્રતિ વાહન પ્રતિ દિવસ પાર્કિંગ ફી નક્કી કરવાનું સૂચવાયું છે. હેવી કોમર્શિયલ વાહનો માટે 80 રૂપિયા ફી રાખવાની દરખાસ્ત છે. જોકે, ઇલેક્ટ્રિક વાહનો માટેના ફી ધોરણની વિગતો દરખાસ્તમાં સ્પષ્ટ દર્શાવવામાં આવી નથી. પાલિકાના જણાવ્યા મુજબ ડુમસ સી ફેસ પ્રોજેક્ટનું લોકાર્પણ 8 માર્ચ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રોજેક્ટના સંચાલન અને જાળવણીની કામગીરી માટે ઇજારદારને વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. તેમ છતાં ઇજારદારને સોંપવામાં આવેલી કામગીરી સિવાય પાલિકાએ વીજળી બિલ, લેન્ડસ્કેપિંગ ની જાળવણી માટે પાણી, વપરાશ ની સામગ્રી સહિતના અન્ય ખર્ચ પણ ભોગવવા પડે છે. આ ખર્ચને પહોંચી વળવા પ્રોજેક્ટને સ્વનિર્ભર બનાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટતા તેમની સુરક્ષા જાળવવી, ભીડનું નિયંત્રણ કરવું અને વાહનોનું વ્યવસ્થિત પાર્કિંગ કરાવવું પણ પડકારરૂપ બની રહ્યું હોવાનું પાલિકાએ જણાવ્યું છે. સુરત કિલ્લો, સરથાણા નેચર પાર્ક અને ગોપી તળાવ જેવા પાલિકાના અન્ય પ્રવાસન સ્થળોએ પણ પ્રવેશ ફી વસુલવામાં આવે છે. આ જ ધોરણે ડુમસ સી ફેસમાં પણ ફી અમલી બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. ખાસ કરીને પ્રોજેક્ટના ઓપરેશન, મેઇન્ટેનન્સ અને મેનેજમેન્ટની સંપૂર્ણ કામગીરી માટે રીક્વેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) મારફતે એજન્સીની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રવેશ અને પાર્કિંગ ફીનું આ ધોરણ અમલમાં રાખવાની દરખાસ્ત છે. આ માટે સ્થાયી સમિતિ મારફતે દરખાસ્ત સામાન્ય સભા સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ડુમસ સી ફેસ માં પ્રવેશ અને પાર્કિંગ માટે સૂચિત ફીનું ધોરણ

પ્રવેશ ફી (વ્યક્તિ દીઠ પ્રતિ દિવસ)
12 વર્ષથી વધુ ઉંમર : 20 રૂપિયા
3થી 12 વર્ષનાં બાળકો : 10 રૂપિયા
65 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો : 10 રૂપિયા
3 વર્ષ સુધીનાં બાળકો : નિઃશુલ્ક

પાર્કિંગ ફી (વાહન દીઠ પ્રતિ દિવસ)
ફોર વ્હીલર : 30 રૂપિયા
થ્રી વ્હીલર : 25 રૂપિયા
ટુ વ્હીલર : 10 રૂપિયા
હેવી કોમર્શિયલ વાહન : 80 રૂપિયા
ઇલેક્ટ્રિક વાહન : વિના મુલ્યે