રક્ષાબંધન પર બહેનોને સુરત પાલિકાની ખાસ ભેટ : મહિલાઓ તથા 15 વર્ષ સુધીના બાળકોનો BRTS બસમાં મુસાફરીનો ખર્ચ માફ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat BRTS Bus : રક્ષાબંધનના પવિત્ર પર્વે સુરત મહાનગરપાલિકાએ બહેનો અને તેમના બાળકોને ખાસ ભેટ આપી છે. આગામી તા. 28 ઓગસ્ટ, શુક્રવારે રક્ષાબંધનના દિવસે પાલિકા સંચાલિત તમામ BRTS અને સીટી બસોમાં મહિલાઓ તથા 15 વર્ષ સુધીના બાળકોને વિના મૂલ્યે મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે. ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીના પર્વને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાએ આ વિશેષ સુવિધા જાહેર કરી છે.
સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં શહેરીજનોને સરળ, સુવિધાજનક અને રાહત દરે જાહેર પરિવહન સેવા મળી રહે તે માટે પાલિકા દ્વારા BRTS અને સીટી બસ સેવા કાર્યરત છે. રક્ષાબંધનના દિવસે બહેનોને પોતાના ભાઈને રાખડી બાંધવા જવા-આવવામાં કોઈ આર્થિક બોજ ન પડે તે માટે મહિલાઓ તેમજ તેમની સાથેના 15 વર્ષ સુધીના બાળકોને મફત મુસાફરીનો લાભ આપવામાં આવશે. સુરત પાલિકાની BRTS સેવા હેઠળ 13 રૂટ અને સીટી બસના 45 રૂટ પર દરરોજ બે લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. શહેરમાં 108 કિલોમીટર લાંબો BRTS માર્ગ કાર્યરત હોવાનું પાલિકાએ જણાવ્યું છે.
રક્ષાબંધનના દિવસે આ બંને જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરી કરતી મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકો પાસેથી ભાડું લેવામાં આવશે નહીં. પાલિકાએ બહેનો અને તેમના પરિવારજનોને રક્ષાબંધનના પવિત્ર પર્વે જાહેર પરિવહન સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે. આ સુવિધાથી બહેનો માટે રક્ષાબંધનના દિવસે ભાઈના ઘરે જવા-આવવાનું વધુ સરળ અને સુવિધાજનક બનશે.




