Surat

ગંદકી કરનારા સામે સુરત પાલિકાના બેવડા ધોરણ : પાંડેસરામાં દંડની કાર્યવાહી તો અડાજણમાં આંખ આડા કાન

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
સુરત પાલિકા કચરો ફેંકનારાઓ પાસેથી દંડ વસૂલી સ્વચ્છતાના દાવા કરે છે, પણ તેના બેવડા ધોરણો સામે સવાલ ઉઠ્યા છે. પાંડેસરામાં 50થી વધુ લોકોને કચરો ફેંકતા ઝડપી 1800નો દંડ કરાયો. જોકે, અડાજણ પાટિયા હેલ્થ સેન્ટર અને શાળા બહાર ગંદકીના ઢગલા, લારી-ટેમ્પોના અડીંગા છતાં કોઈ કાર્યવાહી થતી નથી, જેનાથી દર્દીઓ અને વિદ્યાર્થીઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગંદકી કરનારા સામે સુરત પાલિકાના બેવડા ધોરણ : પાંડેસરામાં દંડની કાર્યવાહી તો અડાજણમાં આંખ આડા કાન

Surat Corporation : સુરતને સ્વચ્છ બનાવવાના નામે પાલિકા એક તરફ કચરો ફેંકનારા સામે દંડ કરી રહી છે, પરંતુ બીજી તરફ પાલિકાની જ આરોગ્ય સેવા અને શિક્ષણની જગ્યા બહાર ગંદકીના ઢગ ખડકાયેલા હોવા છતાં આંખ આડા કાન કરી રહી છે. પાંડેસરાની બમરોલી ખાડી પાસે કચરો ફેંકનારાઓ પાસેથી રૂ.18 હજારનો દંડ વસુલતી પાલિકાને અડાજણ પાટિયા હેલ્થ સેન્ટર અને સ્કૂલની બહારનો કચરો, લારી-ટેમ્પોના અડીંગા અને ગંદકી કેમ દેખાતી નથી તેવો સવાલ ઉઠી રહ્યો છે. દર્દીઓ અને તેમના સગાં તેમજ શાળાના બાળકો-શિક્ષકોના આરોગ્ય સામે ખતરો હોવા છતાં કાર્યવાહી નહીં કરાતાં પાલિકાના બેવડા ધોરણો અંગે અનેક અટકળો શરુ થઈ છે.
સ્વચ્છ સુરત માટે પાલિકા તંત્ર કામગીરી કરી રહી છે તેના ભાગરૂપે પાંડેસરા વિસ્તારમાં ખાડી પાસે જાહેરમાં કચરો ફેંકનારા સામે પાલિકાની ટીમે રસીદ બુક સાથે અચાનક કાર્યવાહી કરી હતી. કચરો ફેંકવા આવેલા 50થી વધુ લોકોને રંગેહાથ ઝડપી સ્થળ પર જ 1800નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કચરો નાખવા આવેલી એક મહિલાને પણ પાલિકાની ટીમે ઝડપી હતી. મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી, પરંતુ નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાએ જાહેરમાં કચરો ફેંકનાર સામે કડક વલણ અપનાવવાની ચેતવણી પણ આપી છે.
બીજી તરફ અડાજણ પાટિયા વિસ્તારમાં વિવેકાનંદ બ્રિજના છેડે આવેલી પાલિકાની શાળા અને હેલ્થ સેન્ટરની આસપાસની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનાં બાળકો મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે તેવી શાળાની આસપાસ કચરો, ગંદકી તેમજ લારી-ટેમ્પો અને અન્ય વાહનોના દબાણથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હેલ્થ સેન્ટરમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાંઓને પણ ગંદકી વચ્ચે પસાર થવાની ફરજ પડે છે. વિડંબના એ છે કે ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં કેટલાક લોકો ઘર-દુકાનનો કચરો જાહેર સ્થળે ઠાલવી રહ્યા છે. પાલિકા દ્વારા સફાઈ કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ ફરી કચરાના ઢગલા ખડકાઈ જતા હોવાની ફરિયાદ છે. પરિણામે સફાઈ પાછળ કરવામાં આવતો માનવબળ અને જાહેર નાણાંનો ખર્ચ પણ વ્યર્થ જતો રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર એક વખત સફાઈ કરવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. જે સ્થળે વારંવાર કચરો ફેંકવામાં આવે છે તેવા ન્યૂસન્સ પોઈન્ટની ઓળખ કરી ત્યાં સીસીટીવી કેમેરા, સુરક્ષા કર્મચારી અથવા પાલિકાની ટીમ સતત વોચ ગોઠવવાની જરૂર છે. કચરો ફેંકનારને રંગેહાથ ઝડપી પાંડેસરાની જેમ સ્થળ પર જ દંડ કરવામાં આવે તો જ આવી પ્રવૃત્તિ પર અંકુશ આવી શકે છે.