14 સ્થળે સ્થાપિત 750 કિલો વોટના સોલાર પ્લાન્ટના 10 વર્ષના નિભાવ પાછળ સુરત પાલિકા 65 લાખ ખર્ચશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકા દ્વારા દસ વર્ષ પહેલાં વિવિધ વોટર વર્ક્સ, જળ વિતરણ મથકો અને કચેરીઓ સહિત 14 સ્થળે સ્થાપિત કરવામાં આવેલા કુલ 750 કિલોવોટ ક્ષમતાના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટના મરામત અને નિભાવ માટે હવે આગામી દસ વર્ષમાં અંદાજે 65 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અગાઉનો મરામત અને નિભાવનો ઈજારો પૂર્ણ થયા બાદ પાલિકા દ્વારા સાત વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે અમદાવાદની એજન્સીએ વાર્ષિક 6.48 લાખ રૂપિયાના ભાવે કામગીરી કરવા તૈયારી દર્શાવતા તેને ઈજારો સોંપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
પાલિકાના લાઈટ એન્ડ ઇલેકટ્રીકલ વિભાગ દ્વારા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટના મરામત અને નિભાવ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉનો ઈજારો પૂર્ણ થયા બાદ નવી એજન્સી નક્કી કરવા માટે સાત વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ વખતે અમદાવાદની બે એજન્સીઓએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો.બંને એજન્સીઓ પૈકી અમદાવાદની સીમ્પલેરી ઈન્ડિયા પ્રા. લિ. દ્વારા વાર્ષિક 6.48 લાખ રૂપિયાના ભાવે આગામી દસ વર્ષ સુધી તમામ સોલાર પાવર પ્લાન્ટ ના મરામત અને નિભાવની કામગીરી કરવા તૈયારી દર્શાવવામાં આવી છે. આ મુજબ દસ વર્ષના સમયગાળા માટે કુલ 64.80 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. એજન્સીને કામગીરી સોંપવા માટે ની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
દરખાસ્તની શરતો મુજબ તમામ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ ઈજારદારને યોગ્ય અને ચાલુ સ્થિતિમાં સોંપવાના રહેશે. હાલના તબક્કે કોઈ પ્લાન્ટમાં મરામતની જરૂરિયાત હોય અથવા મટીરીયલ્સ બદલવા તથા નવા મટીરીયલ્સ ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે તો તે કામગીરી માટે અલગથી વધુમાં વધુ 18 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. આ ખર્ચ મરામત અને નિભાવના દસ વર્ષના ઈજારા ખર્ચથી અલગ રહેશે. આ ઉપરાંત સોલાર પાવર પ્લાન્ટને કુદરતી આપત્તિ, અકસ્માત અને ચોરીથી સંભવિત નુકસાન સામે સુરક્ષિત રાખવા માટે જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી પ્રોજેક્ટ લાઈફ સુધીની ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની અને તેનું રિન્યુઅલ કરાવવાની જવાબદારી પાલિકાની રહેશે.
આ વીમા પોલિસી પાછળનો ખર્ચ પણ પાલિકાએ જ ભોગવવાનો રહેશે. પ્લાન્ટને લગતા તમામ સ્ટેચ્યુટરી ચાર્જ પણ પાલિકા દ્વારા ઈજારદારને ચૂકવવાના રહેશે. આમ, આગામી દસ વર્ષ માટેના 64.80 લાખ રૂપિયાના મરામત અને નિભાવ ખર્ચ ઉપરાંત શરૂઆતની જરૂરી મરામત માટે 18 લાખ રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ અને વીમા સહિતની અન્ય જવાબદારીઓ પણ પાલિકાના શિરે રહેશે. હવે સ્થાયી સમિતિની મંજૂરી બાદ એજન્સીને કામગીરી સોંપવા અંગે અંતિમ નિર્ણય લેવાશે.




