ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી : ભેળસેળની શંકા વચ્ચે 15 જેટલા એકમોમાંથી સેમ્પલ લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Food Safety : શ્રાવણ માસની શરૂઆત સાથે જ ઉપવાસમાં લેવાતી ફરાળી વાનગીઓ અને ફરાળી લોટની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે તેની ગુણવત્તા સામે અગાઉ ઊભા થયેલા સવાલોને પગલે સુરત પાલિકાનો આરોગ્ય વિભાગ સફાળો જાગ્યો છે. 2024માં તપાસ દરમિયાન ફરાળી લોટનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અને સાબુદાણાનું સેમ્પલ અનસેફ જાહેર થયું હતું. આ યાદ રાખીને શ્રાવણના પ્રારંભે જ પાલિકાની ચાર ટીમોએ અઠવા-રાંદેરથી ઉધના સહિતના વિસ્તારોમાં દરોડા પાડી ફરાળી લોટ તેમજ તૈયાર ફરાળી વાનગીઓનું વેચાણ કરતા અંદાજે 15 જેટલા એકમોમાંથી સેમ્પલ લીધા છે. આ સેમ્પલ હવે લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપવાસ કરતા હોવાથી શહેરમાં ફરાળી લોટથી માંડીને સાબુદાણા વડા, ફરાળી પેટીસ, ફરાળી પુરી, ખીચડી સહિતની વિવિધ વાનગીઓનું વેચાણ વધી જાય છે. ઉપવાસીઓની વધતી માંગને પહોંચી વળવા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરાળી વાનગીઓના નવા સ્ટોલ, લારીઓ અને દુકાનો પણ શરૂ થઈ છે. પરિણામે ફરાળી સામગ્રીનું બજાર પણ ધમધમી રહ્યું છે. આવી સ્થિતિમાં સામગ્રીની શુદ્ધતા અને વાનગીઓની ગુણવત્તા જળવાય તે જોવાની જવાબદારી પાલિકાના આરોગ્ય વિભાગની બને છે. આ જ કારણસર શ્રાવણના પ્રારંભ સાથે પાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. ચાર ટીમોને અલગ-અલગ વિસ્તારોમાં મોકલવામાં આવી હતી. અઠવા-રાંદેર, ઉધના સહિતના ઝોનમાં ફરાળી લોટ અને તૈયાર ફરાળી વાનગીઓનું વેચાણ કરતા એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજે 15 જેટલા એકમોમાંથી વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હવે લેબોરેટરીના અહેવાલ બાદ જ કયા એકમના ઉત્પાદનમાં ગુણવત્તાની ખામી છે કે નહીં તે સ્પષ્ટ થશે. સુરતમાં ફરાળી સામગ્રીની ગુણવત્તા સામે અગાઉ પણ સવાલો ઊભા થઈ ચૂક્યા છે.
વર્ષ 2024માં પાલિકાના આરોગ્ય વિભાગે ફરાળી લોટ, મોરૈયો અને સાબુદાણા સહિતની સામગ્રીના સેમ્પલ લીધા હતા. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વેપારીઓ અને સંસ્થાઓ પાસેથી કુલ 18 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેને તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તે સમયે ફરાળી લોટનું એક સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું હતું. આ ઉપરાંત સાબુદાણાનું એક સેમ્પલ પણ અનસેફ જાહેર થયું હતું. ફરાળી લોટ અને તૈયાર વાનગીઓના સેમ્પલ લેવાયા બાદ હવે પાલિકાના આરોગ્ય વિભાગ માટે સૌથી મહત્વનો તબક્કો લેબોરેટરી રિપોર્ટનો રહેશે. અગાઉની જેમ આ વખતે પણ કોઈ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ કે અનસેફ જાહેર થાય છે કે તમામ સેમ્પલ ગુણવત્તાના માપદંડમાં પાસ થાય છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.









