સુરત પાલિકાએ ચોક બજારમાં એન્ડ્રુઝ લાઇબ્રેરીનું સ્ટ્રક્ચર હટાવ્યું : હવે ગલી પર પણ ધ્યાન આપવાની જરૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ચોક બજાર ખાતે એન્ડ્રુઝ લાઈબ્રેરી પાસે ટ્રાફિક માટે નડતરરૂપ બનેલું સ્ટ્રક્ચર આજે દૂર કરવામાં આવ્યું હતું. મેટ્રોની કામગીરીને કારણે છેલ્લા કેટલાક સમયથી પીક અવર્સમાં ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહેલા વાહનચાલકોને હવે આ કામગીરી બાદ આંશિક રાહત મળવાની શક્યતા છે. જોકે, ચોક બજાર વિસ્તારમાં પાલિકા કચેરી તરફ જવા માટે સોપારી ગલી એક મહત્વપૂર્ણ અને વ્યવહારિક માર્ગ છે, જોકે, ગલી મુખ્યત્વે ટૂ-વ્હીલર માટે અનુકૂળ હોવા છતાં કેટલાક માથાભારે રિક્ષાચાલકો તેમાં રિક્ષા ઘુસાડી દેતા હોવાથી અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સ્થિતિ અંગે વારંવાર રજૂઆતો છતાં પાલિકા કે પોલીસ તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે આ માર્ગનો ઉપયોગ કરતા ટૂ-વ્હીલરચાલકોની હાલત કફોડી બની રહી છે.
મેટ્રોની કામગીરીને પગલે છેલ્લા ઘણા સમયથી ચોક બજાર વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે સેન્ટ્રલ ઝોનના વહીવટી તંત્ર દ્વારા આજે સવારે એન્ડ્રુઝ લાઈબ્રેરી પાસે આવેલા નડતરરૂપ સ્ટ્રક્ચરને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્ટ્રક્ચર દૂર થયા બાદ હવે સ્થળે લેવલિંગની કામગીરી કરી આગામી એક-બે દિવસમાં રસ્તો બનાવવામાં આવે તેવી શક્યતા છે. રસ્તો ખુલ્લો થતાં આ વિસ્તારમાં ટ્રાફિકની અવરજવરમાં થોડીઘણી સરળતા આવવાની આશા છે. સાથે જ નજીકમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચ ખાતે આવતા મુલાકાતીઓ તેમજ અધિકારીઓના વાહનોના પાર્કિંગની સમસ્યામાં પણ રાહત મળવાની શક્યતા છે.
એક તરફ મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નડતરરૂપ સ્ટ્રક્ચર દૂર કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ પાલિકા કચેરી તરફ જતી સોપારી ગલીમાં સાંજ પડતાં જ લારીઓ ઊભી કરી દેવામાં આવતી હોવાની ફરિયાદો છે. પરિણામે પહેલેથી જ સાંકડી ગલી વધુ સાંકડી બની જાય છે. ગલીમાં ટૂ-વ્હીલર પસાર થાય તેટલી જગ્યા રહેતી હોવા છતાં રિક્ષાચાલકો બેફામ રીતે રિક્ષા ઘુસાડી દેતા હોવાથી વાહનો સામસામે આવી જાય છે અને ટ્રાફિક અટવાઈ જાય છે. સોપારી ગલીનો ઉપયોગ ખાસ કરીને પાલિકા કચેરી તરફ આવતા-જતા ટૂ-વ્હીલરચાલકો કરે છે. મુખ્ય માર્ગ પર મેટ્રોના કારણે ટ્રાફિક જામ હોય ત્યારે આ ગલી વાહનચાલકો માટે સમય બચાવતો વિકલ્પ બની શકે છે. પરંતુ ગલીમાં લારીઓ અને રિક્ષાઓના કારણે આ વિકલ્પ પણ હવે મુશ્કેલીભર્યો બની રહ્યો છે.
સાંજના પીક અવર્સમાં તો ગલીમાં વાહનોની અવરજવર અટકી જતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આંગળીમાં રિક્ષાઓ નિયમોનો ભંગ કરીને ગલીમાં પ્રવેશતી હોવા છતાં પાલિકા અને પોલીસ દ્વારા નિયમિત કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે કેટલાક રિક્ષાચાલકો જાણે તંત્રની કોઈ બીક જ ન હોય તેમ ગલીમાં રિક્ષા લઈ ઘુસી આવે છે તેથી સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. સાંજે લારીઓને નિયંત્રિત કરવા અને રિક્ષાઓની બેફામ અવરજવર અટકાવવા પોલીસ-પાલિકા સંયુક્ત કાર્યવાહી કરે તો ટૂ-વ્હીલરચાલકોને મોટી રાહત મળી શકે છે. મુખ્ય માર્ગ પર નડતરરૂપ સ્ટ્રક્ચર હટાવીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી થઈ રહી છે, ત્યારે હવે પાલિકા કચેરીસુધી પહોંચાડતી સોપારી ગલીને પણ ‘નડતરમુક્ત’ બનાવવામાં તંત્ર ક્યારે પગલાં ભરશે તે સવાલ ઉઠી રહ્યો છે.









