Surat

ચેતજો! પશુઓની લીવરની દવા માણસોને પધરાવી દીધી! સુરતમાં Liv.52 ડ્રોપ્સની નકલી બોટલો વેચતો મેડિકલ દુકાનકાર ઝડપાયો

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
સુરત SOGએ માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું મોટું કૌભાંડ ઝડપ્યું છે. અઠવા વિસ્તારમાંથી સાજિદ મુલ્લા નામનો શખસ પશુઓની 'Liv.52' દવાને રીપેકેજ કરી માનવ વપરાશ માટે 'Liv.52 ડ્રોપ્સ' તરીકે ₹660માં વેચતો હતો. તેણે 1000થી વધુ નકલી બોટલો વેચી હોવાનું ખુલ્યું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેતજો! પશુઓની લીવરની દવા માણસોને પધરાવી દીધી! સુરતમાં Liv.52 ડ્રોપ્સની નકલી બોટલો વેચતો મેડિકલ દુકાનકાર ઝડપાયો

Surat Fake Medicine Racket: સુરત શહેરમાં માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું એક ચોંકાવનારૂં અને ગંભીર કૌભાંડનો સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)એ પર્દાફાશ કર્યો છે. પશુઓ માટે ઉપયોગમાં લેવાતી હિમાલયાની 'Liv.52'ની લીવરની દવાને નાની બોટલોમાં રીપેકેજ કરી માનવ વપરાશ માટે 'Liv.52 ડ્રોપ્સ' તરીકે બજારમાં વેચતા સાજિદ મુલ્લા નામના શખસને પોલીસે ઝડપી પાડ્યો છે. અઠવા વિસ્તારમાં બડેખા ચકલા પાસે આવેલા મેડિકલ સ્ટોરનો સંચાલક આરોપી છેલ્લા એક વર્ષથી આ ખતરનાક ખેલ ચલાવી રહ્યો હતો અને અત્યાર સુધીમાં 1000 કરતાં વધુ નકલી બોટલો વેચી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પશુઓની લીવરની દવા માણસોને પધરાવી દીધી!

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, ચોક્કસ બાતમી બાતમીના આધારે પોલીસે અઠવા વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોરમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પશુઓની સારવાર માટે વપરાતી 'Liv.52' દવાને મોટી બોટલોમાંથી પ્રવાહી કાઢીને તેને 60 થી 100 mlની નાની બોટલોમાં ભરવામાં આવતું હોવાનું અને તેના પર અસલ જેવું જ દેખાતું નકલી 'Liv.52 ડ્રોપ્સ'નું લેબલ લગાવી દેવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સ્થળ પરથી આ નકલી પ્રોડક્ટ્સ અને રીપેકેજિંગનો મોટો જથ્થો જપ્ત કરી લીધો છે.

DCPએ શું કહ્યું?

સમગ્ર મામલે SOGના DCPએ જણાવ્યું કે, "પ્રાણીઓ માટેની લીવરની દવાને રીપેકેજ કરી નવી બોટલોમાં ભરીને માનવ દવા તરીકે વેચવાના આરોપમાં સાજિદ મુલ્લા નામના એક શખસની ધરપકડ કરવામાં આવી છે."

સુરતમાં Liv.52 ડ્રોપ્સની નકલી બોટલો વેચતો મેડિકલ દુકાનકાર ઝડપાયો

પશુઓની દવા માનવીઓને પીવડાવવી એ સીધેસીધી લોકોના જાન સાથે ચેડાં સમાન છે. આરોપી સાજિદ મુલ્લા આ નકલી પ્રોડક્ટ્સને અસલ દવા તરીકે 330ની દવા ₹660 જેટલાં ઊંચા ભાવે ગ્રાહકોને પધરાવતો હતો. છેલ્લા એક વર્ષમાં તેણે આ પ્રકારે હજારો નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂક્યા છે.

આરોપી સાજિદની મેડિકલ દુકાન છેલ્લા 20 વર્ષથી જૂની છે અને તેની બી.ફાર્મ ડિગ્રી પૂર્ણ કરેલી દીકરીના સર્ટિફિકેટ અને ફાર્માસિસ્ટ લાયસન્સના આધારે દુકાન ચલાવતો હોવાનું જણાય છે. આમ, દીકરીના લાયસન્સના આધારે પશુઓના લીવર ટોનિકનું રીફિલિંગ કરીને બાળકો અને મોટા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડ કરવામાં આવતા હતા.

પોલીસે વધુ તપાસ આદરી

સમગ્ર મામલે પોલીસે આરોપી સામે BNS 2023ની કલમ 123, 125, 336-2, 278 સહિતની કલમ તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસ દ્વારા આરોપી સાજિદ મુલ્લાની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ રેકેટમાં તેની સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલું છે, આ નકલી દવાઓ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતી હતી અને પશુઓની આ દવાઓ કયા જથ્થાબંધ વેપારી પાસેથી મેળવવામાં આવતી હતી તે તમામ દિશાઓમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.