શું તમારું SBIમાં એકાઉન્ટ છે? તો સાવધાન! ખાતું ખાલી થતાં બચાવવા બેંકે આપી મોટી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SBI Fraud Alert : સોશિયલ મીડિયા, વોટ્સએપ, મેસેજ કે ઈમેલ પર જો તમને દર મહિને રિટર્ન કમાવાની લાલચ મળી રહી છે, તો તરત સાવધાન થઈ જાવ. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ ગ્રાહકોને આવી નકલી રોકાણ સ્કીમોથી ચેતવ્યા છે. બેંકના જણાવ્યા અનુસાર, સાયબર ઠગો ઝડપથી વધુ પૈસા કમાવાની લાલચ આપીને સામાન્ય લોકોની જીવનભરની કમાણી લૂંટી રહ્યા છે.
SBIએ કેમ આપી મોટી ચેતવણી?
SBIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને રોકાણકારોને ઓનલાઈન નાણાકીય છેતરપિંડીથી સાવધ રહેવા સલાહ આપી છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે દર મહિને 30% જેવું અવાસ્તવિક રિટર્ન આપવાનો દાવો સંપૂર્ણપણે ફ્રોડ હોઈ શકે છે. ઠગો લોકોને રાતોરાત અમીર બનવાના સપના બતાવીને નકલી વેબસાઈટ કે એપ દ્વારા ખાતામાંથી પૈસા પડાવી લે છે.
આ 4 સંકેતોથી ઓળખો નકલી રોકાણ સ્કીમ
1… ગેરંટીડ અને ઊંચા રિટર્નનો દાવો: જો કોઈ વ્યક્તિ કે એપ જોખમ વગર દર મહિને 30% નફાની ગેરંટી આપે તો ચેતી જાવ. બજારમાં આટલા મોટા વળતરની ગેરંટી કોઈ આપી શકતું નથી.
2… તાત્કાલિક પૈસા રોકવાનું દબાણ: ‘આજે જ રોકાણ કરો’, ‘ઓફર થોડા કલાકોમાં પૂરી થશે’ જેવી વાતો કરીને વિચારવાનો સમય ન આપવો તે ઠગાઈની સૌથી મોટી નિશાની છે.
3… અજાણ્યા લોકો અને નકલી રિવ્યૂ: સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોના નફાના દાવા, સ્ક્રીનશોટ કે ફેક ગ્રાહક રિવ્યૂ જોઈને ક્યારેય રોકાણ ન કરો.
4… અજાણી લિંક અને અંગત વિગતોની માગણી: શંકાસ્પદ લિંક પર ક્લિક કરીને બેંક એકાઉન્ટની વિગત, OTP, પાસવર્ડ કે કાર્ડની માહિતી ભૂલથી પણ શેર ન કરો.
રોકાણ કરતાં પહેલાં આ બાબત ચકાસો
શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવી યોજનાઓમાં રોકાણ કરતાં પહેલાં સલાહકાર કે કંપનીનું SEBI રજિસ્ટ્રેશન સત્તાવાર પોર્ટલ પરથી ચકાસી લેવું જરૂરી છે. માત્ર અજાણી વ્યક્તિ કે સોશિયલ મીડિયા જાહેરાતના આધારે પૈસા ટ્રાન્સફર ન કરવા.
છેતરપિંડી થાય તો તાત્કાલિક શું કરવું?
જો કોઈ ખોટી સ્કીમમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય, તો વિલંબ કર્યા વિના તમારી બેંકનો સંપર્ક કરો. સાયબર ફ્રોડની ફરિયાદ માટે તરત જ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અથવા કેન્દ્ર સરકારના પોર્ટલ cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.




