Surat

સુરત: ફાઈવ-જી અને ચેટ જીપીટીના યુગમાં પણ પૂર્વજોની પરંપરા જાળવી રાખતું કોસાડ

By GS Team
18 Oct 20263 mins read
TukuTouch Logo
સુરતના કોસાડના જૂના કોળીવાડમાં 50 વર્ષથી વધુ સમયથી પરંપરાગત ગરબાની ગુંજ સંભળાય છે. ફળિયાના લોકો જ ગાયન-સંગીતની જવાબદારી સંભાળે છે. અહીં ઢોલક-કેસિયોના તાલે વડીલો, યુવાનો અને બાળકો એકસાથે ગરબે ઘૂમે છે. ડીજેના બદલે સ્થાનિક કલાકારો માતાજીના ગરબા ગાઈ, પૂર્વજોના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: ફાઈવ-જી અને ચેટ જીપીટીના યુગમાં પણ પૂર્વજોની પરંપરા જાળવી રાખતું કોસાડ

Surat: ફાઈવ-જી અને ચેટ જીપીટીના આધુનિક યુગમાં નવરાત્રિના ગરબામાં ડીજે, ઝડપી સંગીત અને ફિલ્મી ગીતોનું ચલણ વધ્યું છે, ત્યારે સુરતના કોસાડના જૂના કોળીવાડમાં આજે પણ પરંપરાગત ગરબાની ગુંજ સંભળાય છે. અહીં ગરબા ગાવા કે સંગીત વગાડવા માટે બહારથી કલાકારોને બોલાવવામાં આવતા નથી, પરંતુ ફળિયાના જ લોકો ગાયન અને સંગીતની જવાબદારી સંભાળે છે. ઢોલક અને કેસિયોના તાલે વડીલો, યુવાનો અને બાળકો એકસાથે ગરબે ઘૂમે છે. 50 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી આવતી આ પરંપરામાં આધુનિક સાધનોનો ઉમેરો થયો છે, પરંતુ માતાજીના ગરબાની મૂળ ઓળખ આજે પણ જળવાઈ રહી છે.સુરતમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ખેલૈયાઓ ડીજે અને ફિલ્મી ગીતોના તાલે અવનવા દોઢિયાં રમતા જોવા મળે છે. આ માહોલ વચ્ચે કોસાડના જૂના કોળીવાડની નવરાત્રિ અલગ ઓળખ ધરાવે છે. અહીં માતાજીની આરાધના સાથે પરંપરાગત ગરબા ગાવા અને રમવાની રીતને પ્રાધાન્ય આપવામાં આવે છે. સ્થાનિક લોકોની સહભાગિતાથી યોજાતું આ આયોજન પૂર્વજોની સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યું છે.મંડળના સભ્ય પ્રતિક પટેલે જણાવ્યું હતું કે જૂના કોળીવાડમાં 50 વર્ષ કરતાં વધુ સમયથી નવરાત્રિની પરંપરા ચાલી આવે છે. અગાઉ માઈક અને આધુનિક વાજિંત્રો વિના જ માતાજીના ગરબા ગવાતા હતા. સમય જતાં માઈક અને કેસિયો જેવાં સાધનોનો ઉપયોગ શરૂ થયો છે, પરંતુ ગરબા ગાવાની પરંપરા અને તેની સાથે જોડાયેલી ધાર્મિક ભાવનામાં ફેરફાર થયો નથી.આ આયોજનની ખાસિયત એ છે કે અહીં ગરબા ગાવા કે સંગીત વગાડવા માટે બહારથી કલાકારોને બોલાવવાની જરૂર પડતી નથી. ફળિયાના જ લોકો પોતાની આવડતથી ગરબાની રમઝટ જમાવે છે. પુષ્પેન્દ્રભાઈ પટેલ અને કાજલ પટેલ માઈક પર માતાજીના ગરબા ગાય છે, જ્યારે મનીષ પટેલ ઢોલક વગાડે છે અને દર્શનભાઈ કેસિયો વગાડીને સંગત આપે છે. સ્થાનિક ગાયકોના સ્વર અને વાદ્યોના તાલે ખેલૈયાઓ પરંપરાગત શૈલીમાં ગરબા અને દોઢિયાં રમે છે.અહીં નવરાત્રિની શરૂઆત માતાજીની આરતીથી થાય છે. ત્યાર બાદ ગરબાની રમઝટ જામે છે, જે રાત્રે 12:00 વાગ્યા સુધી ચાલે છે. માતાજીની આરાધના સાથે થાળ સહિતની ધાર્મિક પરંપરાઓ પણ નિભાવવામાં આવે છે. ગરબામાં ભાગ લેવા આવતા લોકોના પહેરવેશમાં પણ સાદગી અને પરંપરાની ઝલક જોવા મળે છે.આજની પેઢી ટેકનોલોજી અને આધુનિક સંગીત સાથે જોડાયેલી છે, ત્યારે જૂના કોળીવાડમાં વડીલો, યુવાનો અને બાળકો સાથે મળીને માતાજીના ગરબા રમે છે. અહીં માત્ર ગરબા રમવા પૂરતી જ ભાગીદારી સીમિત નથી, પરંતુ ગાયન અને સંગીતની જવાબદારી પણ સ્થાનિક લોકો જ નિભાવે છે. આમ, કોસાડના જૂના કોળીવાડમાં નવરાત્રિ માત્ર ઉત્સવ નથી, પરંતુ પૂર્વજોના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતી પરંપરા છે.

આરતી, થાળ અને ગરબા… કોસાડના કોળીવાડમાં આજે પણ પરંપરાનો રંગ

કોસાડના જૂના કોળીવાડમાં નવરાત્રિ એટલે માત્ર ગરબા રમવાનો ઉત્સવ નહીં, પરંતુ વર્ષોથી ચાલી આવતી ધાર્મિક શ્રદ્ધા અને પૂર્વજો ની પરંપરા જીવંત રહેવાનો અવસર બની રહ્યો છે. અહીં નવરાત્રિની શરૂઆત માતાજીની આરતીથી થાય છે. આરતી બાદ માતાજીના પરંપરાગત ગરબાની ગુંજ વચ્ચે ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. સાથે માતાજીને થાળ ધરાવવાની પરંપરા પણ શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવે છે. આ રીતે ભક્તિ અને ગરબાની રમઝટ સાથે ઉજવણી રાત્રે 12:00 વાગ્યા સુધી ચાલે છે.

આ નવરાત્રિની ખાસિયત એ છે કે ફળિયાના લોકો માત્ર ગરબા રમવા માટે જ નહીં, પરંતુ માતાજીની આરાધના અને ધાર્મિક પરંપરાઓ નિભાવવામાં પણ ઉત્સાહથી જોડાય છે. વડીલોથી મળેલો વારસો યુવાનો અને બાળકો સુધી પહોંચે છે, જેના કારણે નવી પેઢી પણ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે છે. જેના કારણે આરતી, થાળ અને પરંપરાગત ગરબાનું મહત્ત્વ આજે પણ અકબંધ છે.