સુરત: પી. પી. સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલ કેન્ટીનમાં ફૂડ વિભાગના દરોડા, ગંભીર બેદરકારી બદલ નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PP Savani School Food Poisoning: સુરત શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી પી. પી. સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં શનિવારે સાંજે એક ગંભીર ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહેતા કુલ 2200 જેટલા વિદ્યાર્થીઓમાંથી સાંજે ભોજન લીધા બાદ 85 વિદ્યાર્થીઓને અચાનક પેટમાં અસહ્ય દુખાવો અને ઉલટી-ઉબકા થવાની ફરિયાદો શરૂ થઈ હતી. બનાવની જાણ થતાં જ હોસ્ટેલ સ્ટાફ દ્વારા તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે પી. પી. સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
73 વિદ્યાર્થીઓને OPD સારવાર, 12 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ
હોસ્પિટલ લાવવામાં આવેલા વિદ્યાર્થીઓ પૈકી 73 વિદ્યાર્થીઓને સામાન્ય તકલીફ હોવાથી તેમને પ્રાથમિક OPD સારવાર આપીને રજા આપવામાં આવી હતી. જ્યારે 15 થી 17 વર્ષની વયના 12 વિદ્યાર્થીઓને (જેમાં 9 વિદ્યાર્થીનીઓ અને 3 વિદ્યાર્થીઓ શામેલ છે) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમાંથી 4 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, જ્યારે હાલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે.
કેન્ટીનમાંથી ખાદ્યપદાર્થોના 6 સેમ્પલ લેવાયા અને સંસ્થાને નોટિસ
સુરત મનપાના ઝોનની સેનીટેશન ટીમ અને ફૂડ વિભાગની ટીમે હોસ્ટેલના કેન્ટીન તથા કિચનમાં દરોડા પાડી ખાદ્યસામગ્રી અને રસોડાની સ્વચ્છતાની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન ખોરાકના કુલ 6 જેટલા નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના આરોગ્ય પ્રત્યે દાખવવામાં આવેલી આવી ગંભીર બેદરકારી બદલ મનપા દ્વારા શાળા સંસ્થાને નોટિસ આપવામાં આવી છે.

SMCની મેડિકલ ટીમ દ્વારા હોસ્ટેલ પરિસરમાં જ વિશેષ OPD સેવા શરૂ કરાઈ
ઘટના અંગે માહિતી મળતાં જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. હોસ્ટેલમાં રહેતા અન્ય કોઈ વિદ્યાર્થીને તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્ટેલ ખાતે જ વિશેષ OPD સેવાઓ શરૂ કરવામાં આવી છે.




