Mumbai

નાગપુરમાં હાર બાદ ભાજપનું ટેન્શન વધ્યું, શિવસેનાની ફડણવીસને હટાવીને શિંદેને CM બનાવવાની માંગ

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો બાદ 'મહાયુતિ' ગઠબંધનમાં આંતરિક વિવાદ વકર્યો છે. ભાજપે શિવસેના પર ગઠબંધન ધર્મ ન પાળવાનો આરોપ મૂક્યો છે. તેના જવાબમાં શિવસેનાએ એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. રાજ્યની 5 બેઠકોમાંથી મહાયુતિને 3 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસે ભાજપના ગઢ નાગપુરમાં જીત મેળવી છે. આ પરિણામોથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાગપુરમાં હાર બાદ ભાજપનું ટેન્શન વધ્યું, શિવસેનાની ફડણવીસને હટાવીને શિંદેને CM બનાવવાની માંગ

Maharashtra Political News : મહારાષ્ટ્ર વિધાન પરિષદ (MLC) ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યમાં શાસક પક્ષ 'મહાયુતિ' ગઠબંધનમાં આંતરિક વિવાદ વકરી ગયો છે. ભાજપે શિવસેના પર ગઠબંધન ધર્મ ન નિભાવવાનો અને પૂરતો સહયોગ ન આપવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ, તેના વળતા જવાબમાં શિવસેનાના નેતાઓએ રાજ્યમાં નેતૃત્વ બદલીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની ખુલ્લી માંગણી કરી દીધી છે. રાજ્યની 5 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને 3 બેઠકો પર વિજય મળ્યો છે.

ચૂંટણી પરિણામો અને પક્ષોની સ્થિતિ

ચૂંટણી પરિણામો અનુસાર, NCP-SPએ પૂણે સ્નાતક અને છત્રપતિ સંભાજીનગર સ્નાતક બેઠક જીતી લીધી છે. શિવસેનાના કિરણ સરનાઈકે અમરાવતી શિક્ષક બેઠક પર જીત મેળવી, જ્યારે ભાજપના કૌસ્તુભ ગાવડેનો પૂણે શિક્ષક બેઠક પરથી વિજયી થયો છે. કોંગ્રેસે ભાજપના ગઢ ગણાતા નાગપુરમાં જીત નોંધાવી છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદના કુલ 78 સભ્યોમાંથી ભાજપ પાસે સૌથી વધુ 35, શિવસેના પાસે 12 અને NCP પાસે 10 બેઠકો છે.

ભાજપે શિવસેના પર કર્યો ગંભીર હુમલો

ભાજપના પ્રવક્તા નવનાથ કમલ ઉત્તમરાવ બને આક્ષેપ કર્યો કે, ‘પૂણે અને નાગપુરની શિક્ષક તેમજ સ્નાતક બેઠકો પર શિવસેનાએ અપેક્ષા મુજબ સાથ ન આપ્યો. પૂણેમાં છેલ્લી ઘડીએ સચિન સનવને સમર્થન આપીને શિવસેનાએ ગઠબંધનની એકતાને નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત છત્રપતિ સંભાજીનગરમાં અબ્દુલ સત્તારે ખુલ્લેઆમ NCP વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. જો શિવસેનાએ સાથ આપ્યો હોત તો મહાયુતિ તમામ 5 બેઠકો જીતી શકી હોત, પરંતુ પૂણેની 1 બેઠકના લોભમાં સહયોગી પક્ષોને નુકસાન પહોંચાડવામાં આવ્યું.’

શિવસેનાનો વળતો પ્રહાર: 'મતદારોમાં સરકાર સામે નારાજગી'

ભાજપના આરોપો સામે શિવસેનાના નેતા રવિન્દ્ર ધંગેકરે આકરો પલટવાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘ભાજપ દ્વારા શિવસેના પર દોષારોપણ કરવું તદ્દન ખોટું છે. મતદારો અને શિક્ષકોના મનમાં વર્તમાન સરકાર પ્રત્યે અસંતોષ છે અને મતદાન બાદ તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. નેતૃત્વએ આ બાબતને ગંભીરતાથી ધ્યાને લેવી જોઈએ.’

એકનાથ શિંદેને ફરી મુખ્યમંત્રી બનાવવાની માંગ

રવિન્દ્ર ધંગેકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ‘જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપ-શિવસેના ગઠબંધન સત્તા પર આવ્યું હતું. રાજ્યમાં વર્તમાન નેતૃત્વ સામે ભારે અસંતોષ છે, તેથી નેતૃત્વ પરિવર્તન થવું જોઈએ. તમામ પક્ષો અને સમાજને સાથે લઈને ચાલવા માટે રાજ્યની કમાન ફરીથી એકનાથ શિંદેને સોંપવી જોઈએ અને તેમને મુખ્યમંત્રી બનાવવા જોઈએ.’

નાગપુરમાં ભાજપના ગઢમાં મોટો ઉલટફેર

દેશના 4 રાજ્યોની કુલ 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસને માત્ર નાગપુરની એક બેઠક મળી છે. આ પરિણામ ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે નાગપુર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો મતવિસ્તાર છે તેમજ ત્યાં RSSનું મુખ્ય મથક પણ આવેલું છે. કોંગ્રેસના વર્તમાન સભ્ય અભિજીત વંજારીએ ભાજપના પૂર્વ ધારાસભ્ય સુધાકર કોહલેને 3,271 મતોથી પરાજય આપ્યો હતો. વંજારીને 67,231 મત જ્યારે કોહલેને 63,960 મત મળ્યા હતા.