Surat

સુરત: વરાછામાં 'ફિટ ઈન્ડિયા'નો જુસ્સો, સાયકલ પર ઉતર્યું યુવાધન

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં વરાછાના રસ્તાઓ પર "નશા મુક્ત યુવા, વિકસિત ભારત" સંદેશ સાથે 89મી 'ફિટ ઇન્ડિયા-સન્ડે ઓન સાયકલિંગ' યોજાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માનગઢ ચોકથી સાયકલ રેલીને ફ્લેગ ઓફ કરી. હજારો યુવાનો અને નાગરિકોએ સાયકલ ચલાવી ફિટનેસનો સંદેશ આપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: વરાછામાં 'ફિટ ઈન્ડિયા'નો જુસ્સો, સાયકલ પર ઉતર્યું યુવાધન

Surat: સ્વસ્થ શરીર, સ્વચ્છ વિચારો અને વ્યસનમુક્ત યુવાધનના સંકલ્પ સાથે રવિવારે વરાછાના રસ્તાઓ પર સાયકલ ની લાંબી કતારો જોવા મળી હતી. ફિટ ઇન્ડિયા-સન્ડે ઓન સાયકલિંગના 89મા આયોજનમાં હજારો યુવાનો અને નાગરિકોએ સાયકલ ચલાવી ફિટનેસ સાથે ‘નશા મુક્ત યુવા, વિકસિત ભારત નો સંદેશ આપ્યો હતો.

'ફિટ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત વરાછા ખાતે રવિવારે 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત'ના ઉદ્દેશ સાથે ૮૯મી 'ફિટ ઇન્ડિયા-સન્ડે ઓન સાયકલિંગ' સાયક્લોથોન યોજાઈ હતી. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માનગઢ ચોક ખાતેથી સાયકલ રેલીને ફ્લેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો હતો. સાયક્લોથોન સરથાણા જકાતનાકા સ્થિત પ્રાણીસંગ્રહાલય ખાતે પૂર્ણ થઈ હતી.આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સામાજિક જાગૃતિ ના હેતુથી દર અઠવાડિયે એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાને સાંકળી દેશભરમાં 'સન્ડે ઓન સાયકલિંગ'નું આયોજન કરવામાં આવે છે. દેશભરમાં ૨૫ હજારથી વધુ સ્થળોએ યુવાનો સાયકલિંગ કરીને નશા મુક્તિ અને વિકસિત ભારતનો સંદેશ આપી રહ્યા છે.તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય મજબૂત હોવું જરૂરી છે. સાયકલિંગને નિયમિત જીવનશૈલીનો ભાગ બનાવવાથી શારીરિક તંદુરસ્તી સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના હજારો યુવાનો સાયકલ સાથે રસ્તા પર ઉતર્યા તે ઘટનાને પ્રેરણાદાયી ગણાવી હતી. તેમણે કહ્યું કે યુવાનો દેશનું ભવિષ્ય છે અને યુવાશક્તિ વ્યસનથી દૂર રહીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવશે ત્યારે જ સક્ષમ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ શક્ય બનશે.સાયક્લોથોન માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ, સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા વિસ્પી ખરાદી, 'આયર્ન ટીથ મેન ઓફ ઇન્ડિયા' રાકેશ સૈની અને 'બોડી આર્કિટેક્ટ' ભીષ્મ મદાહ સહિત રમતગમત ક્ષેત્રની હસ્તીઓ પણ જોડાઈ હતી. રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા, મેયર માયા માવાણી, ધારાસભ્યો કુમાર કાનાણી અને કાંતિ બલર સહિત મોટી સંખ્યામાં યુવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.