સુરત બન્યું શિવમય, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર : Gen Z અને યુવા વર્ગ મોટી સંખ્યામાં દર્શને પહોંચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Shravan Special : શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરત શહેર અને જિલ્લામાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદ ગુંજી ઊઠ્યા હતા અને ભક્તોના ઘોડાપૂર વચ્ચે સુરત જાણે શિવમય બની ગયું હતું. શહેર-જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં દર્શન માટે લાંબી કતારો લાગી હતી, જ્યારે શિવલિંગ પર દૂધ-જળનો અભિષેક કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
શ્રાવણના પ્રથમ સોમવારે ખાસ કરીને જળ ચઢાવવાની પરંપરાને લઈને હજારોની સંખ્યામાં કાવડિયાઓ પણ વિવિધ શિવ મંદિરોમાં પહોંચ્યા હતા. વડીલો અને મહિલાઓ સાથે જેન-ઝી તથા યુવા વર્ગમાં પણ ભોળાનાથની આરાધનાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રાવણ માસની શરૂઆત સાથે જ સુરતીઓ વધુ ધાર્મિક બની જતા હોય છે. શ્રાવણના દરેક સોમવારે ભગવાન શિવની આરાધના માટે મંદિરોમાં ભક્તોની સંખ્યા વધે છે, પરંતુ પ્રથમ સોમવારનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવ મંદિરોમાં ભક્તોની કતારો જોવા મળી હતી.
ભક્તોએ ભગવાન શિવને જળ, દૂધ, બિલ્વપત્ર, ફૂલ સહિતની પૂજા સામગ્રી અર્પણ કરી શ્રદ્ધાભેર પૂજા-અર્ચના કરી હતી. શહેર અને જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. મંદિરોને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા અને રોશનીથી મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું હતું. અનેક મંદિરોમાં વહેલી સવારથી જ વિશેષ પૂજા, અભિષેક અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણના પ્રથમ સોમવારે કાવડિયાઓમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ સ્થળોએથી કાવડમાં પવિત્ર જળ લઈને આવેલા હજારો કાવડિયાઓ શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં પહોંચ્યા હતા. ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદ સાથે કાવડિયાઓએ શિવલિંગ પર પવિત્ર જળ અર્પણ કરી ભોળાનાથની આરાધના કરી હતી. કાવડિયાઓના આગમનથી અનેક શિવ મંદિરોમાં સવારથી જ ધાર્મિક માહોલ વધુ ગાઢ બન્યો હતો.
શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં જેન-ઝી અને યુવા વર્ગની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી લઈને નોકરી કરતા યુવાનો પણ વહેલી સવારથી ભગવાન શિવના દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. યુવાનો મિત્રોના જૂથ સાથે તેમજ પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા અને શિવલિંગ પર જળ તથા દૂધ અર્પણ કરી પૂજા કરી હતી. શ્રાવણના પ્રથમ સોમવારે સુરતના વિવિધ શિવ મંદિરોમાં માત્ર દર્શન જ નહીં પરંતુ સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનો માહોલ રહ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલી ભક્તોની અવરજવર દિવસ ચઢતાં વધુ વેગવંતી બની હતી. શિવલિંગ પર સતત અભિષેક થતો રહ્યો હતો અને મંદિર પરિસરમાં ભજન, આરતી તથા શિવનાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તો, કાવડિયાઓ અને યુવાનોની મોટી હાજરીએ સુરતની ધાર્મિક પરંપરા જીવંત ઝલક રજૂ કરી હતી. શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ ‘હર હર મહાદેવના નાદ સંભળાતા હોવાથી સમગ્ર સુરત શિવ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.









