સુરત: વરાછાના ધારાસભ્ય બાદ વધુ એક ધારાસભ્યએ ટ્રાફિક સમસ્યા સામે પ્રશ્નો ઉઠાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરત શહેરમાં વરાછાના ધારાસભ્ય બાદ ઉત્તર વિધાનસભાના ધારાસભ્યએ પણ શહેરની ટ્રાફિક સમસ્યા સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. પીક અવર્સમાં ટ્રાફિક સમસ્યા થઈ રહી છે અને ચાર રસ્તા પર પોલીસની કામગીરી યોગ્ય નથી તેવી ફરિયાદ સાથે ધારાસભ્યએ રોંગ સાઈડ બેફામ દોડતા વાહનો અને વહેલી સવારે લક્ઝરી ચાલકો દ્વારા વગાડાતા એર હોર્ન ની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ તેવી માંગણી કરી છે.
ગૃહમંત્રીના હોમ ટાઉન સુરતમાં જ ટ્રાફિક પોલીસની કામગીરી સામે ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ ગંભીર સવાલો ઉઠાવી ગંભીર આક્ષેપ કર્યા બાદ હવે ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલરે સંકલન બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યાના કારણે લોકોની હાલત કફોડી થઈ રહી છે તેવી ફરિયાદ કરી છે. બલરે સૌથી વધુ સમસ્યા રોંગ સાઈટ આવતા વાહન ચાલકોની છે તેવું કહ્યું છે તેઓએ કહ્યું છે કે પોલીસની હાજરીમાં જ સંખ્યાબંધ વાહન ચાલકો રોંગ સાઈડ વાહનો દોડાવી રહ્યા છે તેના કારણે કાયદાનું પાલન કરીને સાચી રીતે વાહન ચલાવતા વાહન ચાલકોને અકસ્માતનો સતત ભય રહેલો છે.
શહેરમાં પીક અવર્સમાં ટ્રાફિક સમસ્યા ભારે રહે છે ત્યારે ચાર રસ્તા પર ફરજ બજાવતા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના મોટાભાગના કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા માં સતત વધારો થઈ રહ્યો છે. ચાર રસ્તા પર સીસી કેમેરા મુક્યા છે તેમાં વાહનચાલકો સાથે સાથે ફરજમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ પર નજર રાખવામાં આવે તો સમસ્યા ઘટી શકે તેમ છે. આ ઉપરાંત વહેલી સવારે શહેરમાં જે લક્ઝરી આવે કે જાય છે તેના ચાલકો દ્વારા બેફામ રીતે એર હોર્ન વગાડવા માં આવે છે જેના કારણે લોકોની ઊંઘમાં ખલેલ પડે છે અને અવાજનું પ્રદુષણ પણ થાય છે. આ સમસ્યા પર કાયમી ધોરણે હલ કરવા માટે માંગણી કાંતિ બલરે કરી છે.




