સુરત: રસ્તા પછી હવે બ્રિજના ફૂટપાથ પર દબાણ, તંત્રની કામગીરી સામે સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરતમાં જાહેર રસ્તાઓ બાદ હવે બ્રિજના ફૂટપાથ પર પણ દબાણકારોએ કબજો જમાવવાનું શરૂ કર્યું છે. ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર છેલ્લા એક મહિનાથી રિક્ષા પાર્ક કરી તંબુ બાંધીને ખુલ્લેઆમ વસવાટ કરવામાં આવી રહ્યો છે, છતાં પાલિકા અને પોલીસના અધિકારીઓને આ દબાણ દૂર કરવાની ફુરસદ મળી નથી. સામાન્ય નાગરિકના નાના દબાણ સામે તાત્કાલિક દોડતું તંત્ર અહીં કેમ આંખ આડા કાન કરી રહ્યું છે? જાહેર ફૂટપાથને ખાનગી રહેઠાણ બનાવી દેવામાં આવે ત્યાં સુધી રાહ જોવાની પાલિકા અને પોલીસની નીતિ સામે સવાલ ઊઠી રહ્યા છે. સમયસર દબાણ દૂર નહીં થાય તો આજે એક રિક્ષા અને એક તંબુથી શરૂ થયેલી આ સ્થિતિ આવતીકાલે બ્રિજ પર દબાણોની હારમાળામાં ફેરવાય તો નવાઈ નહીં. રાહદારીઓના હકના ફૂટપાથને દબાણમુક્ત રાખવાની જવાબદારી કોની? તે લોકોમાં ચર્ચા શરુ થઈ છે.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ પર દબાણ કરવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તાપી નદી પરના જહાંગીરપુરા-ડભોલી બ્રિજ હોય કે મોટા વરાછા અને વરાછાને જોડતો બ્રિજ, અનેક બ્રિજ પર રાત્રિના સમયે લોકોની અવરજવર અને બેસવાની પ્રવૃત્તિ સાથે લારી-ગલ્લાનાં દબાણો પણ જોવા મળી રહ્યાં છે. હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર રિક્ષા સાથે તંબુ બાંધી કાયમી વસવાટ જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. બ્રિજના ફૂટપાથનો ઉપયોગ રાહદારીઓ માટે થવો જોઈએ, પરંતુ અહીં ફૂટપાથનો એક ભાગ રહેઠાણ અને રિક્ષા પાર્કિંગ માટે વપરાઈ રહ્યો છે. આ સ્થિતિ રાહદારીઓની અવરજવરને અવરોધવાની સાથે બ્રિજ પરની સુરક્ષા સામે પણ સવાલ ઊભા કરે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આ દબાણ એકાદ દિવસમાં ઊભું થયું નથી. છેલ્લા એક મહિનાથી રિક્ષા અને તંબુ ત્યાં જ હોવા છતાં તેને દૂર કરવાની તસ્દી કોઈએ લીધી નથી. સામાન્ય નાગરિક ફૂટપાથ પર થોડું દબાણ કરે તો પાલિકાની દબાણ હટાવવાની ટીમ તાત્કાલિક પહોંચી જાય છે, પરંતુ બ્રિજ પર આખું રહેઠાણ ઊભું થઈ જાય ત્યારે તંત્રની કાર્યવાહી ક્યાં અટકી જાય છે? શું જાહેર જગ્યા પર દબાણ કરવા માટે પણ વ્યક્તિની ઓળખ અને વગ જોવામાં આવે છે? આવા સવાલો ઊઠી રહ્યા છે.આજે એક રિક્ષા અને એક તંબુ છે, પરંતુ તેને જોઈને અન્ય લોકો પણ બ્રિજના ફૂટપાથ પર રિક્ષા પાર્ક કરી તંબુ બાંધવા લાગે તો સ્થિતિ કેટલી વિકટ બને તે વિચારવા જેવું છે. આવતીકાલે બ્રિજના બંને તરફ ફૂટપાથ પર આવી રિક્ષાઓ અને તંબુઓની હારમાળા સર્જાય તો રાહદારીઓએ ચાલવા માટે ક્યાં જવું? ફૂટપાથ પરથી રસ્તા પર ઉતરવા મજબૂર થતા રાહદારીઓ અકસ્માતના જોખમમાં પણ મુકાઈ શકે છે. આ રીતે બ્રિજ પર દબાણ વધતું જશે તો રાહદારીઓ માટે બનાવવામાં આવેલી સુવિધા જ નકામી બની જશે.પાલિકા અને પોલીસની જવાબદારી એકબીજા પર ધકેલવાને બદલે સંકલન કરીને આ દબાણ તાત્કાલિક દૂર કરવાની જરૂર છે. બ્રિજ પર પેટ્રોલિંગ અને દબાણ સામેની કાર્યવાહી માત્ર કાગળ પર નહીં, સ્થળ પર પણ દેખાવી જોઈએ. એક મહિનાથી ચાલતું દબાણ દૂર કરવામાં તંત્રને હજુ કેટલો સમય લાગશે? જો એક દબાણ સામે પણ કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં બ્રિજને દબાણમુક્ત રાખવાની વાત માત્ર દાવા પૂરતી જ રહી જશે. આજે જાગવાની જરૂર છે, નહીં તો આવતીકાલે આખો ફૂટપાથ દબાણકારોના કબજામાં જાય ત્યારે તંત્ર પાસે જવાબ આપવાનું પણ મુશ્કેલ બનશે તેવું લોકોનું માનવું છે.
બ્રિજના છેડે જ નહીં, હવે વચ્ચે પણ દબાણકારોનો અડ્ડો
સુરતના સ્વામી વિવેકાનંદ લો લેવલ બ્રિજ પર લારીઓ મૂકી દબાણકારો રસ્તા પર ઊભા રહી વાહનચાલકોને રોકે છે. હેલ્મેટ, શાકભાજી અને ફ્રૂટ વેચવાના બહાને વાહનો રોકાતા અચાનક બ્રેક મારવાની સ્થિતિ સર્જાય છે, જે અકસ્માતને આમંત્રણ આપી શકે છે. બીજી તરફ જહાંગીરપુરા-ડભોલી અને સવજી કોરાટ બ્રિજ પર રાત્રિના સમયે ખાણીપીણીની લારીઓ અને આડેધડ પાર્ક થતાં વાહનોને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. બ્રિજ જેવા સંવેદનશીલ માર્ગો પર દબાણ અને અવ્યવસ્થા વધતી હોવા છતાં પોલીસ અને પાલિકાની કાર્યવાહી દેખાતી નથી. બ્રિજ પર અકસ્માત સર્જાય ત્યાર પછી જ તંત્ર જાગશે કે અગાઉથી દબાણો દૂર કરશે તે સવાલ છે.
દંડ વસૂલવામાં કેમેરાનો ઉપયોગ, દબાણ હટાવવામાં કેમ નહીં?
સુરતમાં પાલિકા અને પોલીસ દ્વારા શહેરભરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ આ કેમેરાનો ઉપયોગ જાહેર સમસ્યાઓ દૂર કરવા કરતાં સામાન્ય નાગરિકોને દંડ ફટકારવા પૂરતો જ મર્યાદિત રહી ગયો હોવાની ફરિયાદ ઊઠી રહી છે. હેલ્મેટ અને સીટબેલ્ટ વગર વાહન ચલાવનારાઓને પકડવા કે જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા કેમેરાની મદદ લેવામાં આવે છે, પરંતુ બીજી તરફ આ જ કેમેરાની નજર સામે બ્રિજ, બ્રિજના છેડા અને ફૂટપાથ પર ખુલ્લેઆમ દબાણો થઈ રહ્યાં છે. તેમ છતાં દબાણકારો સામે કાર્યવાહી થતી નથી.
સુરતમાં ત્રણ હજાર કરતા વધુ સીસી ટીવી કેમેરા મુકાયા છે . આટલી મોટી વ્યવસ્થા હોવા છતાં જાહેર માર્ગો પર દબાણ કરનારા તત્ત્વો કેમેરામાં કેમ ઝડપાતા નથી અથવા ઝડપાયા પછી તેમની સામે કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ ઊઠી રહ્યો છે. ચંદ્રશેખર આઝાદ બ્રિજના ફૂટપાથ પર રિક્ષા સાથે તંબુ બાંધીને વસવાટ હોય કે સ્વામી વિવેકાનંદ લો લેવલ બ્રિજ પર લારીઓ મૂકી રસ્તા પર ઊભા રહી વાહનચાલકોને રોકવાની પ્રવૃત્તિ હોય, આવી સમસ્યાઓ કેમેરાની નજરથી છૂપી રહે તેવી નથી. બ્રિજ પર લારીઓ, ફૂટપાથ પર તંબુ અને જાહેર રસ્તા પર દબાણોને કારણે રાહદારીઓ તથા વાહનચાલકોની સુરક્ષા જોખમાય છે. અનેક વખત વાહનચાલકોને અચાનક બ્રેક મારવાની ફરજ પડે છે, જેના કારણે અકસ્માતની ભીતિ રહે છે. આવા સ્થળોએ કેમેરાના માધ્યમથી દબાણની ઓળખ કરી સંબંધિત વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે છે. પરંતુ કેમેરા હોવા છતાં દબાણો યથાવત્ રહેતાં તેની ઉપયોગિતા સામે સવાલો ઊઠી રહ્યા છે.




