સુરત: નવરાત્રિમાં માતાજીના ભોગથી શણગાર સુધી આસ્થાની અનોખી પરંપરા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: નવરાત્રિ એટલે આદ્યશક્તિની આરાધના, ભક્તિ અને શ્રદ્ધાનો મહાપર્વ. નવ દિવસ દરમિયાન માતાજીનાં મંદિરોમાં પૂજા-અર્ચના, આરતી અને દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે, ત્યારે સુરતનાં કેટલાંક પ્રાચીન મંદિરોમાં વર્ષો જૂની અનોખી ધાર્મિક પરંપરાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. ક્યાંક માતાજીને સાડી, ચુંદડી અને પ્રસાદ અર્પણ કરી ભક્તો શીશ ઝુકાવે છે, તો કોટ વિસ્તારમાં આવેલા હિંગળાજ માતાજીના મંદિરમાં સુરણનો ભોગ ધરવાની પરંપરા આજે પણ અવિરત જળવાઈ રહી છે.
વર્ષો પહેલાં ગાંઠ અને ગુમડા જેવા રોગોથી રક્ષણ મેળવવાની લોકમાન્યતા સાથે શરૂ થયેલી આ પરંપરા આધુનિક વિજ્ઞાનના યુગમાં પણ ભક્તોની આસ્થામાં જીવંત છે. વિશેષતા એ છે કે માતાજીને અર્પણ કરાયેલું સુરણ પૂજા બાદ જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવે છે, જેથી ધાર્મિક શ્રદ્ધાની સાથે સેવાભાવનો પણ અનોખો સંગમ સર્જાય છે. બીજી તરફ, કોટ વિસ્તારમાં આવેલા તેર ગામ ક્ષત્રિય સમાજના હિંગળાજ માતાજીના પ્રાચીન મઠમાં માતાજીના શણગારની સાથે રાસ-ગરબાના દાંડિયા પણ મૂકવામાં આવ્યા છે. શક્તિની ઉપાસના અને ગરબાની ભક્તિભાવનાને સાંકળતી આ પરંપરાઓ સુરતની ધાર્મિક સંસ્કૃતિ અને પેઢી દર પેઢી જળવાઈ રહેલી આસ્થાની આગવી ઓળખ બની રહી છે.
નવરાત્રિ સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતના માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે સાથે સાથે મંદિરોમાં માતાજીના દર્શન માટે ભક્તોની કંઈક અલગ આસ્થા જોવા મળી રહી છે. રતના કોટ વિસ્તારમાં વાડી ફળિયા ચોકીની બાજુમાં આવેલા 150 વર્ષથી વધુ જૂના હિંગળાજ માતાજીના મંદિરમાં નવરાત્રિ દરમિયાન સુરણ ચઢાવવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. મંદિરનાં પૂજારી રાગિણીબેન ગોસ્વામીના જણાવ્યા અનુસાર, વર્ષોથી મૂળ સુરતી પરિવારો માતાજીના આશીર્વાદ મેળવવા અહીં આવે છે. અગાઉના સમયમાં ગાંઠ અને ગુમડા જેવા રોગો માટે અસરકારક સારવારની તકો મર્યાદિત હતી. તે સમયે નવરાત્રિ દરમિયાન માતાજીને સુરણ ચઢાવવાથી આવા રોગોથી રક્ષણ મળે છે તેવી લોકમાન્યતા પ્રચલિત થઈ હતી. સમય બદલાયો છે, તબીબી વિજ્ઞાને પણ ઘણી પ્રગતિ કરી છે, તેમ છતાં વર્ષો જૂની આ માન્યતા આજે પણ ભક્તોની શ્રદ્ધામાં જીવંત છે. નવરાત્રિ દરમિયાન અનેક ભક્તો માતાજીને સુરણ અર્પણ કરીને પોતાની આસ્થા વ્યક્ત કરે છે.આ પરંપરામાં ધાર્મિક શ્રદ્ધાની સાથે સેવાભાવ પણ જોડાયેલો છે. માતાજીને અર્પણ કરવામાં આવતું સુરણ પૂજા બાદ ફેંકી દેવાને બદલે જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવે છે.
આમ, માતાજીના ચરણોમાં અર્પણ કરેલી સામગ્રી જરૂરિયાતમંદોના ઉપયોગમાં આવે છે અને મોંઘવારીના સમયમાં ગરીબ પરિવારોને એક દિવસની રસોઈ માટે પણ મદદ મળે છે. આ રીતે વર્ષો જૂની ધાર્મિક માન્યતાની સાથે માનવસેવાનો ભાવ પણ જળવાઈ રહ્યો છે.બીજી તરફ, સુરતના કોટ વિસ્તારમાં નવસારી બજારમાં ગોપી તળાવની સામે આવેલા તેર ગામ ક્ષત્રિય સમાજના હિંગળાજ માતાજીના મઠમાં પણ નવરાત્રિ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આશરે 250 વર્ષથી વધુ જૂના આ મંદિરમાં માતાજીને વિવિધ આભૂષણો અને વસ્ત્રોથી શણગારવામાં આવ્યાં છે. આ શણગારની સાથે રાસ-ગરબામાં ઉપયોગમાં લેવાતા દાંડિયા પણ માતાજીની નજીક મૂકવામાં આવ્યા છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મંદિર સાથે સંકળાયેલાં દક્ષાબેનના જણાવ્યા અનુસાર, અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થયાં હોવાની માન્યતા છે. નવરાત્રિ માતાજીની આરાધનાનો પર્વ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. માતાજીના શણગાર સાથે દાંડિયાની ગોઠવણ નવરાત્રિના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કરે છે.સુરતનાં અન્ય મંદિરોમાં પણ નવરાત્રિ દરમિયાન માતાજીના વિવિધ શણગાર કરવામાં આવી રહ્યા છે. ક્યાંક પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોથી માતાજીને સજાવવામાં આવે છે, તો ક્યાંક વિશેષ પૂજા-અર્ચના અને પ્રસાદ ધરવામાં આવે છે. આસ્થાના આવા વિવિધ સ્વરૂપો દર્શાવે છે કે સુરતમાં નવરાત્રિ માત્ર ગરબા અને ઉત્સવનો પર્વ નથી, પરંતુ વર્ષો જૂની ધાર્મિક માન્યતાઓ, પરંપરાઓ અને સેવાભાવને જીવંત રાખતો ભક્તિનો મહોત્સવ પણ છે.




