Surat

ઓલપાડના ભાંડુત ગામે 45 ફૂટ ઊંચા તાડના ઝાડ પર ફસાયેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું સફળ રેસ્ક્યુ

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતના ઓલપાડના ભાંડુત ગામે 45 ફૂટ ઊંચા તાડના ઝાડ પર પીંછા ફસાતા મોર 3 કલાક સુધી ઝઝૂમ્યો. ગ્રામજનોની સતર્કતા બાદ જીવદયા સંસ્થા, વન વિભાગ અને ફાયર બ્રિગેડે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. મોરને સુરક્ષિત રીતે નીચે ઉતારી પ્રાથમિક સારવાર અપાઈ. સંપૂર્ણ સ્વસ્થ જણાતા આજે તેને કુદરતી વસવાટમાં મુક્ત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓલપાડના ભાંડુત ગામે 45 ફૂટ ઊંચા તાડના ઝાડ પર ફસાયેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું સફળ રેસ્ક્યુ

Surat : ઓલપાડના ભાંડુત ગામે આશરે 45 ફૂટ ઊંચા તાડના ઝાડ પર પીંછા ફસાઈ જતાં ત્રણ કલાક સુધી જીવન-મરણ વચ્ચે ઝઝૂમતા રાષ્ટ્રીય પક્ષી મોરનો અંતે સફળ બચાવ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ગ્રામજનોની સતર્કતા બાદ જીવદયાનું કામ કરતી સંસ્થા, વન વિભાગ અને પાલિકાના ફાયર વિભાગની ટીમે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મોરને કોઈ પણ ઇજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. પ્રાથમિક સારવાર બાદ મોર સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાતા આજે તેને ફરી કુદરતી વસવાટમાં મુક્ત કરવામાં આવશે. ઓલપાડ તાલુકાના ભાંડુત ગામમાં આવેલા આશરે 45 ફૂટ ઊંચા તાડના ઝાડ પર એક રાષ્ટ્રીય પક્ષી મોરના પાછળના પીંછા ફસાઈ જતાં તે ઉડી શક્યો નહોતો. લાંબા સમય સુધી ઝાડ પર લટકતો રહેતાં ગામલોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ પોતાના સ્તરે મોરને બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ સફળતા ન મળતાં ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટની હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ ટ્રસ્ટના રેસ્ક્યુ ટીમના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા ઘટનાની ગંભીરતા જોતા વન વિભાગ અને જહાંગીપુરા ફાયર સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ જરૂરી સાધનો અને લેડર સાથે સ્થળ પર પહોંચી હતી. ત્રણેય વિભાગોએ પરસ્પર સંકલન સાથે સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી.
ઊંચાઈ અને તાડના વૃક્ષની રચનાને કારણે રેસ્ક્યુ કામગીરી પડકારજનક બની હતી. છતાં ટીમે ધીરજ અને કુશળતાથી કામગીરી કરી મોરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. લગભગ ત્રણ કલાક સુધી લટકતો રહેવાથી મોર અશક્ત અને બેભાન જેવો થઈ ગયો હતો. આ કામગીરી માટે સુરત પાલિકાના 35 ફૂટની ઉંચાઈ ધરાવતા લેડરની મદદ લેવામાં આવી હતી. બાદમાં મોરને બર્ડ હોસ્પિટલમાં સારવાર અને નિરીક્ષણ માટે ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓ અને તબીબોએ તેની તપાસ કરતાં શરીરે કોઈ ગંભીર ઈજા જોવા મળી નહોતી. તબીબોની સલાહ મુજબ તેને થોડો આરામ અપાયા બાદ આજે તેના કુદરતી વસવાટમાં મુક્ત કરવામાં આવશે.
સમગ્ર ઘટનામાં સ્થાનિક ગ્રામજનોની સમયસર જાણ, ગ્રીન ગાર્ડિયન ચેરીટેબલ ટ્રસ્ટની તત્પરતા, વન વિભાગના માર્ગદર્શન અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનની ઝડપી કામગીરીના કારણે વધુ એક રાષ્ટ્રીય પક્ષીનો જીવબચાવવામાં સફળતા મળી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ ગામલોકોએ ત્રણેય ટીમની કામગીરીને બિરદાવી હતી.