India

પેટ્રોલમાં લિટરે રૂ. 5 અને ડીઝલમાં રૂ. 3 નો ઘટાડો, આ ઓઈલ કંપનીએ ગ્રાહકોને આપી મોટી રાહત

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
નાયરા એનર્જીએ દેશભરમાં પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ઘટાડો કર્યો છે. 1 જુલાઈ 2026થી લાગુ આ ભાવઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાને કારણે થયો છે. કંપનીએ તેના 7000થી વધુ પંપ પર નવા ભાવ લાગુ કર્યા છે. સરકારી કંપનીઓએ હજુ ભાવ ઘટાડ્યા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલમાં લિટરે રૂ. 5 અને ડીઝલમાં રૂ. 3 નો ઘટાડો, આ ઓઈલ કંપનીએ ગ્રાહકોને આપી મોટી રાહત

Petrol Diesel price Updates : આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ ઘટવાનો ફાયદો હવે ભારતીય ગ્રાહકોને મળવા લાગ્યો છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઈંધણ કંપની નાયરા એનર્જી (Nayara Energy) એ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ₹5 અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ₹3 નો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો 1 જુલાઈ 2026થી તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયગાળામાં ઈંધણના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો છે.

પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતાં વૈશ્વિક બજાર નરમ પડ્યું
કંપનીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો તણાવ ઓછો થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો નીચે આવી છે. મુખ્ય દરિયાઈ વેપાર માર્ગો ફરી ખુલવાના કારણે ક્રૂડ ઓઈલ અને એલએનજી (LNG) નો વૈશ્વિક પુરવઠો સામાન્ય બન્યો છે, જેના લીધે તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

7000 થી વધુ પેટ્રોલ પંપ પર નવા રેટ લાગુ
નાયરા એનર્જીએ આ ભાવઘટાડો દેશભરમાં આવેલા તેના 7000 થી વધુ પેટ્રોલ પંપ પર લાગુ કરી દીધો છે. જોકે, અલગ-અલગ રાજ્યોમાં વેટ (VAT) અને અન્ય સ્થાનિક ટેક્સના કારણે ગ્રાહકો માટે અંતિમ છૂટક કિંમતોમાં થોડો તફાવત હોઈ શકે છે.

ગુજરાત કનેક્શન: નાયરા એનર્જી ગુજરાતના વાડિનારમાં વાર્ષિક 2 કરોડ ટનની ક્ષમતા ધરાવતી મોટી રિફાઇનરી ચલાવે છે. મેન્ટેનન્સનું કામ પૂરું થયા બાદ આ રિફાઇનરી હાલ પૂરી ક્ષમતા સાથે ઈંધણનો પુરવઠો પૂરો પાડવા સજ્જ છે.

સરકારી કંપનીઓએ હજુ સુધી નથી ઘટાડ્યા ભાવ
દેશના 90 ટકાથી વધુ પેટ્રોલ પંપનું સંચાલન કરતી સરકારી તેલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ હજુ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલના પંપ પર પેટ્રોલ ₹102.12 પ્રતિ લીટર અને ડીઝલ ₹95.20 પ્રતિ લીટરના જૂના ભાવે જ મળી રહ્યું છે.

માર્ચ મહિનામાં ઈરાન સંકટ વખતે નાયરા એનર્જીએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું કર્યું હતું, જે વધારો હવે કંપનીએ પૂરેપૂરો પાછો ખેંચી લીધો છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આ જ સ્તરે સ્થિર રહેશે, તો આગામી દિવસોમાં સરકારી તેલ કંપનીઓ પણ ભાવ ઘટાડવા પર વિચાર કરી શકે છે.