સુરત-નવસારી વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, C-4 કોચનો કાચ તૂટતા મુસાફરોમાં ફફડાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stone pelting on Vande Bharat train : દેશની અત્યાધુનિક ગણાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ગુજરાતમાં ફરી એકવાર પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 10 દિવસના ટૂંકા સમયગાળામાં બીજી વખત વંદે ભારત ટ્રેનને નિશાન બનાવવામાં આવતા મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન પર સુરત અને નવસારી વચ્ચે આવેલા સચિન રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓમાં ભારે ડર અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
સી-4 કોચને બનાવવામાં આવ્યો નિશાન
મળતી માહિતી પ્રમાણે, મંગળવારે (17 નવેમ્બર) સાંજે અંદાજે 5:23 વાગ્યાના સુમારે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ સુરતથી નવસારી તરફ પસાર થઈ રહી હતી, તે દરમિયાન સચિન રેલવે સ્ટેશન પાસે કોઈ અજાણ્યા શખ્સે ચાલતી ટ્રેન પર પથ્થર ફેંક્યો હતો. પથ્થર ટ્રેનના C-4 કોચની બારી પર જોરથી અથડાતાં અંદર બેઠેલા મુસાફરો ગભરાઈને ચોંકી ઉઠ્યા હતા. આ પથ્થરમારાના કારણે C-4 કોચની બારીનો બહારનો કાચ તૂટ્યો હતો. જોકે, સદનસીબે બારીનો અંદરનો કાચ સંપૂર્ણપણે સુરક્ષિત રહેતા કોચમાં બેઠેલા કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી ન હતી.
RPF અને રેલવે તંત્ર દોડતું થયું
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. રેલવે તંત્ર દ્વારા આ મામલે સચિન પોલીસ સ્ટેશન અને RPFમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ સત્તાવાર ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરીને મુસાફરોના જીવ જોખમમાં મૂકનારા આવા અસામાજિક તત્ત્વોને વહેલી તકે ઝડપી પાડવા માટે રેલવે સુરક્ષા દળ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
સુરત પંથકમાં રેલવે ટ્રેક પર પથ્થરમારાની વધતી ઘટનાઓ
સુરત અને તેની આસપાસના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ અગાઉ પણ અનેકવાર સામે આવી ચૂકી છે. અવારનવાર બનતી આવી ઘટનાઓથી રેલવે પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર પણ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો મુકાઈ રહ્યા છે. વારંવાર બનતી આ પ્રકારની શંકાસ્પદ ઘટનાઓ પાછળ કોઈ ચોક્કસ માનસિકતા છે કે કોઈ બદમાશોની મસ્તી છે, તે દિશામાં પણ એજન્સીઓ તપાસ કરી રહી છે.
વંદે ભારત ટ્રેન જ કેમ બની રહી છે ટાર્ગેટ?
ખાસ કરીને દેશની ગૌરવ સમાન સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનને જ વારંવાર કેમ નિશાન બનાવવામાં આવી રહી છે તે એક મોટો તપાસનો વિષય બન્યો છે. આખરે વંદે ભારત ટ્રેન પર જ પથ્થરમારો કેમ કરવામાં આવે છે અને આવી જોખમી હરકતો કરનારા તત્ત્વો સામે ક્યારે કડક અને દાખલારૂપ કાર્યવાહી થશે? તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ કડક પગલાં ભરવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે.




