Surat

કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
રોજીરોટી માટે 7 મહિના પહેલા કતાર ગયેલા સુરતના સની પટેલનું ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં મૃત્યુ થયું. ભારતીય દૂતાવાસના સહયોગથી તેનો નશ્વર દેહ ભીમપોર, સુરત પહોંચતા પરિવારમાં આક્રંદ છવાયો. હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યા બાદ ભાઈ રવિએ ઓળખ કરી હતી. હજારો લોકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન

Surat Youth Sunny Patel Dies In Qatar Blast: રોજીરોટી કમાવવા અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે માત્ર સાત મહિના પહેલાં જ કતાર ગયેલા સુરતના સની પટેલનો નશ્વર દેહ હવાઈ માર્ગે વતન પરત લાવવામાં આવ્યો હતો. કતારના ગેસ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં સનીનું મોત નીપજ્યું હતું. ભારતીય દૂતાવાસના સહયોગથી તેનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ થઈને સુરતના ડુમ્મસ નજીક આવેલા તેના મૂળ વતન ભીમપોર ખાતે લાવવામાં આવતાં જ પરિવારજનોના આક્રંદથી સમગ્ર પંથક ગમગીન બની ગયો હતો. સનીની અંતિમયાત્રામાં હજારો લોકો આંસુ ભરેલી આંખે જોડાયા હતા.

વિસ્ફોટ બાદ ગુમ થયેલા સનીનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો

મળતી માહિતી અનુસાર, કતારમાં આવેલા ગેસ પ્લાન્ટમાં સર્જાયેલી બ્લાસ્ટની ભયાનક દુર્ઘટના બાદ શરૂઆતમાં સની પટેલ ગુમ હોવાનું સામે આવ્યું હતું. જોકે, સ્થાનિક પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન સનીનો મૃતદેહ મળી આવ્યો હતો. કતારમાં જ રહેતા સનીના ભાઈ રવિ પટેલે હોસ્પિટલમાં જઈને ભાઈના મૃતદેહની ઓળખ કરી હતી. આ ઓળખ વિધિ પૂર્ણ થયા બાદ સનીના મોતના સમાચાર સુરત સ્થિત તેના પરિવાર સુધી પહોંચ્યા હતા, જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

સની પટેલના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી, પરિવારને આર્થિક સંકડામણમાંથી બહાર કાઢવા અને ઘરના સભ્યોનું ભવિષ્ય સુધારવા માટે તેણે વિદેશ જવાનો નિર્ણય કર્યો હતો. માત્ર સાત મહિના પહેલા જ તે મોટી આશા સાથે સુરતથી કતાર ખાતે નોકરી અર્થે ગયો હતો. જે ઘર અને પરિવારને સુખી કરવા માટે તે સાત સમુદ્ર પાર દિવસ-રાત કતારમાં કાળી મજૂરી કરી રહ્યો હતો, આજે કાળના ક્રૂર પંજાને કારણે એ જ ઘરમાં તેનો નશ્વર દેહ કફનમાં લપેટીને લાવવો પડ્યો હતો.

હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ

આજે (27મી જૂન) સની પટેલના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે તેના ભીમપોર સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવ્યું હતું. સની અત્યંત મિલનસાર અને માયાળુ સ્વભાવનો હોવાથી તેના મોતના સમાચાર મળતા જ ગામના લોકો, સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો તેના અંતિમ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. અંતિમ દર્શન સમયે ત્યાં હાજર દરેક નાગરિકની આંખમાં આંસુ હતા. ત્યારબાદ ભારે હૈયે સનીની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારો લોકોએ જોડાઈને આ નવયુવાનને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી.