Surat

ચોમાસાની સાઈડ ઈફેક્ટ: સુરતમાં ચોમાસા દરમિયાન સાપનું નવું ઠેકાણું બની રહ્યું છે પાર્ક થયેલા વાહનો

By GS Team
12 Jul 20263 mins read
TukuTouch Logo
સુરતમાં વરસાદી પાણી દરમાં ભરાતા સાપ વાહનોમાં આશ્રય શોધી રહ્યા છે. ગૌરવપથ પર એક મોપેડમાંથી બિનઝેરી સીતાજીનું ઓઢણ સાપને ફાયર વિભાગ અને ગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટે કલાકોની જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. હાલ ફાયર વિભાગને રોજ આવા 10 થી 12 કોલ મળી રહ્યા છે, જેમાં સાપ ગાડીના એન્જિન અને અન્ય પોલાણમાં છુપાયેલા હોય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસાની સાઈડ ઈફેક્ટ: સુરતમાં ચોમાસા દરમિયાન સાપનું નવું  ઠેકાણું બની રહ્યું છે પાર્ક થયેલા વાહનો

Surat: સુરત ખાડી અને વરસાદી પૂરની આફત માંથી હજુ સંપૂર્ણપણે બહાર આવ્યું નથી, ત્યાં ચોમાસાએ હવે શહેરમાં વધુ એક વિચિત્ર સમસ્યા ઊભી કરી છે. સાપના દરમાં પાણી ભરાઈ જતાં તેઓ સુરક્ષિત આશ્રયની શોધમાં પાર્ક કરેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માં ઘૂસી રહ્યા છે. પરિણામે ફાયર વિભાગ અને જીવદયા સંસ્થાઓને રોજેરોજ સાપ રેસ્ક્યુ ના કોલ મળી રહ્યા છે. ગૌરવપથ વિસ્તારમાં મોપેડ લાઇટ બ્રેકેટમાં સંતાયેલા સાપને કલાકોની જહેમત બાદ ફાયર વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો .


હાલમાં સુરત પાલિકાના ફાયર વિભાગ અને જીવદયા માટે કામ કરતી વિવિધ સંસ્થાઓને રોજ સાપ વાહનમાં હોવાના કોલ મળી રહ્યા છે. દરમિયાન પાલ- ભેસાણ ગૌરવપથ પર આવેલી શાકભાજી માર્કેટ નજીક પાર્ક કરાયેલા એક મોપેડના ફૂટરેસ્ટ પાસે અચાનક સાપ દેખાતા વાહનચાલક ગભરાઈ ગયો હતો અને તેણે તરત જ પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરના જવાનો સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં સાપ ફૂટરેસ્ટ માંથી અંદરના પોલાણમાં ઘૂસી ગયો હતો. સ્થળ પર ઘણી શોધખોળ છતાં સાપ હાથમાં આવ્યો ન હતો. આખરે ફાયરના જવાનો મોપેડને ગૌરવપથ થી સીધું ફાયર સ્ટેશન સુધી લઈ આવ્યા હતા. ત્યાં વાહનના એક પછી એક ભાગ ખોલવામાં આવ્યા છતાં સાપનો કોઈ પત્તો લાગ્યો નહોતો.


એક બાદ એક મોપેડ ના બધા જ પાર્ટસ ખુલી ગયા હતા તેથી કદાર સ્ટિયરિંગ પર આવેલા લાઈટના બ્રેકેટમાં હોય તેવી શક્યતા સાથે તે ખોલવામાં આવ્યું હતું. જ્યાં અન્ય વાયર સાથે સાપ જોવા મળ્યો હતો. દરમિયાન ગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટ ને પણ જાણ કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્ય ચિરાગે મહામહેનતે સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. તપાસમાં આ બિનઝેરી સીતાજીનું ઓઢણ ( કોમન ટ્રીન્કેટ) સાપ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો. કલાકોની જહેમત બાદ સાપ બહાર નીકળતા વાહનચાલકે પણ રાહતનો શ્વાસ લીધો હતો.


ગ્રીન ચેરીટેબલ ટ્રસ્ટ ના જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસાની શરૂઆત થી જ આવા કોલમાં નોંધપાત્ર વધારો થયો છે. વરસાદને કારણે સાપના દરમાં પાણી ભરાઈ જતાં તેઓ બહાર નીકળવા મજબૂર બને છે. બીજી તરફ શહેરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા બાંધકામને કારણે પણ તેમના કુદરતી રહેઠાણમાં ખલેલ પહોંચે છે. આવી સ્થિતિમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ના પોલાણ તેમને સુરક્ષિત આશ્રય જેવું લાગતા તેઓ તેમાં ઘૂસી જાય છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ફાયર વિભાગ અને જીવદયા સંસ્થાઓને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી દરરોજ આવા રેસ્ક્યુ કોલ મળી રહ્યા છે. ખાસ કરીને લાંબા સમય સુધી પાર્ક કરેલા વાહનનો સ્ટાર્ટ કરતાં પહેલાં તેની આસપાસ તેમજ એન્જિન, ફૂટરેસ્ટ અને અન્ય પોલાણ વાળા ભાગોની એકવાર તપાસ કરી લેવી જોઈએ. સોશિયલ મીડિયા વીડિયો જોઈ સાપ પકડવાની ભૂલ જીવલેણ બની શકે સાપ ની ઓળખ કર્યા વગર તેને પકડવા નો પ્રયાસ ન કરો, તરત ફાયર વિભાગ અથવા રેસ્ક્યુ ટીમને જાણ કરો.

ચોમાસા દરમિયાન વાહનો, રહેણાંક વિસ્તારો અને અન્ય સ્થળોએ સાપ દેખાવાના બનાવોમાં વધારો થતાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પરના વીડિયો અથવા સ્વયંસેવકોની કામગીરી જોઈને પોતે જ સાપ પકડવાનો પ્રયાસ કરે છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવું કરવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.સાપ ઝેરી છે કે બિનઝેરી તેની સાચી ઓળખ સામાન્ય વ્યક્તિ માટે કરવી સરળ નથી. ઘણી વખત દેખાવમાં એક સરખા લાગતા સાપમાં ઝેરી પ્રજાતિ પણ હોઈ શકે છે. અજાણતાં સાપને પકડવા કે હટાવવાનો પ્રયાસ કરવામાં આવે તો તે હુમલો કરી શકે છે અને જો સાપ ઝેરી હોય તો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.જીવદયા સંસ્થાઓ અને ફાયર વિભાગે લોકોને અપીલ કરી છે કે શંકાસ્પદ સ્થિતિમાં જાતે સાપ કાઢવાનો પ્રયાસ ન કરે. તેના બદલે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ અથવા અધિકૃત સાપ રેસ્ક્યુ કરતી સંસ્થાને જાણ કરવી જોઈએ. તાલીમબદ્ધ રેસ્ક્યુ કરનારા પાસે જરૂરી સાધનો અને અનુભવ હોવાથી તેઓ સાપને સુરક્ષિત રીતે પકડીને યોગ્ય સ્થળે મુક્ત કરી શકે છે.