Surat

સુરતમાં સૂર્યોદય પહેલાં જ શ્રીજીની વિદાય યાત્રાનો પ્રારંભ : ‘બાપ્પા મોરિયા’ના નાદ સાથે ગણેશજીને વિદાય આપવા ભીડ ઉમટી

By GS Team
25 Sep 20264 mins read
TukuTouch Logo
સુરતમાં આનંદ ચૌદસના દિવસે મધ્યરાત્રિથી જ ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વરસે વહેલા આવજો’ના નાદ સાથે શ્રીજીની વિદાય યાત્રાનો માહોલ જામ્યો હતો. મળસ્કે 4 વાગ્યાથી જ ભાગળ ચાર રસ્તા પર અનેક પ્રતિમાઓ આવતા, શહેર ગણેશમય બન્યું. ઢોલ-નગારાના તાલે ભક્તો ઝૂમ્યા અને ભાવુકતાથી બાપ્પાને વિદાય આપી. પાલિકાના કૃત્રિમ તળાવો પર પણ ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં સૂર્યોદય પહેલાં જ શ્રીજીની વિદાય યાત્રાનો પ્રારંભ : ‘બાપ્પા મોરિયા’ના નાદ સાથે ગણેશજીને વિદાય આપવા ભીડ ઉમટી

Surat Ganesh Visarjan : સુરતમાં મધ્યરાત્રીથી જ ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વરસે વહેલા આવજો’ના નાદ સાથે સુરતમાં શ્રીજીની વિદાય યાત્રાનો માહોલ જામ્યો હતો. આનંદ ચૌદસનો સૂર્યોદય થાય તે પહેલાં જ ઢોલ-નગારાના તાલ અને ભક્તિના નાદ સાથે ગણેશ આયોજકો બાપ્પાને વિદાય આપવા નીકળી પડ્યા હતા. મળસ્કે ચાર વાગ્યાની આસપાસ ભાગળ ચાર રસ્તા પર અનેક શ્રીજીની પ્રતિમાઓ આવી પહોંચતા જાણે દિવસ ઊગે તે પહેલાં જ શહેરમાં ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. ક્યાંક ઢોલના તાલે યુવાનો ઝૂમી રહ્યા હતા તો ક્યાંક હાથમાં ધજા અને ગુલાલ સાથે ભક્તો બાપ્પાની વિદાયના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. 'બાપ્પા મોરિયા’ના ગગનભેદી નાદથી વાતાવરણ ગૂંજી રહ્યું હતું. મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા માટે નક્કી કરાયેલા રૂટ પર વહેલી સવારથી જ ધમધમાટ શરૂ થઈ ગયો હતો, જ્યારે પાલિકાના કૃત્રિમ તળાવો તરફ નાની પ્રતિમાઓ સાથે આવતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ પણ જોવા મળ્યો હતો.

3.jpg


ગણેશ ચતુર્થીથી સ્થાપના કરાયેલા શ્રીજીને આજે આનંદ ચૌદસે વિદાય આપવાનો દિવસ હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી વહેલી સવારથી જ વિસર્જન યાત્રાઓ નીકળવા લાગી હતી. અનેક ગણેશ મંડળોએ સવારના સમયને જ વિસર્જન માટે પસંદ કરતાં શહેરના મુખ્ય માર્ગો પર મળસ્કેથી જ ગણેશમય માહોલ જોવા મળ્યો હતો. ભાગળ ચાર રસ્તા સહિત વિવિધ માર્ગો પર શ્રીજીની પ્રતિમાઓ સાથે નીકળેલી યાત્રાઓને જોવા માટે વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. પરિવાર સાથે આવેલા લોકો રસ્તાની બન્ને બાજુ ઊભા રહીને બાપ્પાના અંતિમ દર્શન કરી રહ્યા હતા. આ વર્ષે કેટલાક વિસ્તારોમાં ગણેશ ચતુર્થીની મોડી રાત સુધી આગમન યાત્રાઓ નીકળી હોવાના કારણે પાંચમના દિવસે પણ કેટલીક જગ્યાએ શ્રીજીની સ્થાપના થઈ હતી. તેમ છતાં વિસર્જનના દિવસે આયોજકો અને ભક્તોમાં બાપ્પાને વિદાય આપવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. મધ્યરાત્રીથી જ શરૂ થયેલી વિસર્જન યાત્રાઓને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રાતથી જ ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.મોટી પ્રતિમાઓ નક્કી કરાયેલા રૂટ પરથી વિસર્જન સ્થળ તરફ આગળ વધી રહી હતી. પાંચ ફૂટથી મોટી અનેક પ્રતિમાઓની યાત્રા વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ હતી. રૂટ પર એકસાથે મોટી સંખ્યામાં પ્રતિમાઓ ન આવી જાય તે માટે આયોજકોને આપવામાં આવેલા રૂટ પ્રમાણે જ યાત્રાઓ કાઢવામાં આવી રહી હતી. જેના કારણે વિસર્જન યાત્રાનું સંચાલન કરવામાં તંત્રને પણ સરળતા રહી હતી.

5.jpg

બીજી તરફ નાની પ્રતિમાઓ માટે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવો ખાતે પણ સવારથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળ્યો હતો. લોકો બાઈક, કાર તેમજ અન્ય વાહનોમાં શ્રીજીની પ્રતિમા લઈને કૃત્રિમ તળાવ સુધી પહોંચ્યા હતા અને પૂજા-વિધિ બાદ ભક્તિભાવપૂર્વક બાપ્પાનું વિસર્જન કર્યું હતું. વિસર્જન યાત્રા દરમિયાન અનેક સ્થળોએ ઢોલ-નગારાના તાલ સાથે યુવાનો અને ભક્તો ઝૂમતા જોવા મળ્યા હતા. ‘ગણપતિ બાપ્પા મોરિયા’ અને ‘આવતા વરસે વહેલા આવજો’ના નાદ વચ્ચે ગુલાલ ઉડતો હતો અને ભક્તો બાપ્પાની એક ઝલક મેળવવા માટે રસ્તાની બન્ને બાજુ ઊભા રહી જતા હતા. અનેક પરિવારોએ બાળકો સાથે વિસર્જન યાત્રા નિહાળી હતી. કેટલાક સ્થળોએ ભક્તોએ શ્રીજીની આરતી કરી અંતિમ દર્શન કર્યા બાદ વિદાય આપી હતી. એક તરફ ઉત્સવ પૂર્ણ થવાની લાગણી હતી તો બીજી તરફ આગામી વર્ષે ફરી બાપ્પાના આગમનની આશા સાથે ભક્તોમાં ભાવુકતા પણ જોવા મળી હતી. આનંદ ચૌદસના દિવસે વહેલી સવારથી શરૂ થયેલી શ્રીજીની વિદાય યાત્રા દિવસ દરમિયાન પણ સતત ચાલુ રહી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક પછી એક ગણેશ મંડળોની યાત્રાઓ આગળ વધતી રહી હતી. ‘બાપ્પા મોરિયા’ના નાદ, ઢોલ-નગારાના તાલ અને ભક્તોની ભીડ વચ્ચે સુરત આખો દિવસ ગણપતિમય બની રહ્યો હતો. મોડી રાત સુધી વિસર્જન યાત્રાઓ ચાલુ રહેવાની અને જરૂર પડે તો વિસર્જન પ્રક્રિયા બીજા દિવસે પણ લંબાવાની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા વ્યવસ્થા જાળવવા સતત કામગીરી કરવામાં આવી રહી હતી.

મધ્યરાત્રીથી તંત્ર રસ્તા પર, મોડી રાત સુધી દોડધામ

શ્રીજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે પાલિકા, પોલીસ અને વહીવટી તંત્રની ટીમો મધ્યરાત્રીથી જ રસ્તા પર ઉતરી ગઈ હતી. વિસર્જન રૂટ પર પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા અને બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યા હતા. પાલિકાની ટીમો દ્વારા વિસર્જન સ્થળો પર જરૂરી વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. મોટી પ્રતિમાઓના વિસર્જન સ્થળો પર પણ સતત દેખરેખ રાખવામાં આવી હતી. મોડી રાત સુધી વિસર્જન યાત્રાઓ ચાલુ રહેવાની હોવાથી તંત્રની ટીમો પણ રાતભર ખડેપગે રહી દોડધામ કરતી જોવા મળી હતી.


ભક્તિ સાથે ભાવુક દૃશ્યો પણ જોવા મળ્યા

વિસર્જન યાત્રામાં મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. અનેક ગણેશ મંડળોના સભ્યો એકસરખા ડ્રેસમાં જોડાયા હતા અને બાપ્પાની વિદાયને યાદગાર બનાવી હતી. ડીજે પર પ્રતિબંધ હોવાથી ઢોલ-નગારાના તાલ અને બેન્ડ સાથે શોભાયાત્રાઓ આગળ વધી રહી હતી. દરમિયાન એક સ્થળે શ્રીજીના વિસર્જન સમયે એક બાળકી બાપ્પાને વિદાય આપતી વખતે ભાવુક બની ગઈ હતી અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. બાળકીના આ ભાવુક દૃશ્યથી આસપાસનું વાતાવરણ પણ કરુણ બની ગયું હતું.