Surat

દિવાળી વેકેશનમાં સુરતીઓની પહેલી પસંદ સરથાણા પ્રાણી સંગ્રહાલય, 20 દિવસમાં 1.46 લાખ મુલાકાતીઓથી 41.59 લાખની આવક

By GS Team
29 Nov 20262 mins read
TukuTouch Logo
દિવાળી વેકેશનમાં સુરતનું સરથાણા પ્રાણી સંગ્રહાલય સુરતીઓ માટે ફરવા માટેનું પ્રિય સ્થળ બન્યું હતું. 20 દિવસમાં 1,46,240 લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી, જેનાથી પાલિકાને ટિકિટની આવક પેટે 41,59,020 રૂપિયા મળ્યા હતા. વેકેશન દરમિયાન, પાલિકાએ સોમવારની રજા પણ રદ કરી, સાતેય દિવસ ઝૂ ખુલ્લું રાખ્યું હતું. આ આંકડા સરથાણા ઝૂની લોકપ્રિયતા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી વેકેશનમાં સુરતીઓની પહેલી પસંદ સરથાણા પ્રાણી સંગ્રહાલય, 20 દિવસમાં 1.46 લાખ મુલાકાતીઓથી 41.59 લાખની આવક

Surat: દિવાળીના વેકેશનમાં સુરતીઓ માટે સરથાણા પ્રાણી સંગ્રહાલય ફરવા અને પરિવાર સાથે સમય વિતાવવાનું મનપસંદ સ્થળ બન્યું હતું. વેકેશન દરમિયાન મુલાકાતીઓનો એવો ધસારો જોવા મળ્યો હતો કે 20 દિવસમાં કુલ 1,46,240 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. મુલાકાતીઓની આ મોટી સંખ્યાને પગલે પાલિકાને પ્રવેશ ટિકિટની આવક પેટે 41,59,020 રૂપિયા મળ્યા હતા. આમ, વેકેશનના 20 દિવસ દરમિયાન રોજના સરેરાશ 7,300થી વધુ મુલાકાતીઓએ ઝૂ ની મુલાકાત લીધી હતી. મુલાકાતીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પાલિકાએ આ સમયગાળા દરમિયાન સોમવારની સાપ્તાહિક રજા પણ રદ કરી સાતેય દિવસ પ્રાણી સંગ્રાહલય ખુલ્લું રાખ્યું હતું.

સામાન્ય રીતે દિવાળીના વેકેશનમાં સુરતના અનેક પરિવારો ફરવા માટે ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળો ઉપરાંત દેશનાં અન્ય રાજ્યો અને વિદેશ તરફ પ્રવાસનું આયોજન કરતા હોય છે. બીજી તરફ નોકરી-ધંધાના કારણે સુરતને કર્મભૂમિ બનાવનારા અનેક લોકો વતન તરફ પ્રયાણ કરતા હોય છે. તેમ છતાં વેકેશન દરમિયાન સુરતમાં રોકાયેલા પરિવારો માટે સ્થાનિક સ્તરે ફરવા અને મનોરંજન મેળવવાનાં સ્થળોમાં સરથાણા પ્રાણી સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ખાસ કરીને બાળકો સાથે આવતા પરિવારોની મોટી સંખ્યાને કારણે ઝૂમાં દિવસ દરમિયાન સતત મુલાકાતીઓની અવરજવર જોવા મળી હતી.

પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પ્રકારનાં વન્યજીવો અને પક્ષીઓને નિહાળવાની તક મળતી હોવાથી બાળકો માટે આ સ્થળ મનોરંજનની સાથે પ્રાણીઓ વિશે જાણકારી મેળવવાનું માધ્યમ પણ બન્યું હતું. પરિવારના સભ્યો સાથે એક જ સ્થળે ફરવાની અને બાળકોને પ્રકૃતિ તથા વન્યજીવનનો પરિચય કરાવવાની તક મળતી હોવાથી વેકેશન દરમિયાન સરથાણા ઝૂ મુલાકાતીઓની પસંદગીમાં રહ્યું હતું. સુરત ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો અહીં ફરવા માટે આવ્યા હતા.

પાલિકાના સરથાણા ખાતે આવેલા ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન માં દિવાળી વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સંચાલન વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ દર સોમવારે પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવતું હતું. જોકે, વેકેશનમાં મુલાકાતીઓનો ધસારો રહેતો હોવાથી 5 નવેમ્બર થી 25 નવેમ્બર સુધી સોમવાર સહિત અઠવાડિયાના સાતેય દિવસ પ્રાણી સંગ્રહાલય ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સામાન્ય દિવસોમાં સાપ્તાહિક રજાના કારણે મુલાકાતથી વંચિત રહેતા લોકોને પણ આ નિર્ણયથી સોમવારે ઝૂની મુલાકાત લેવાની તક મળી હતી.

વેકેશન દરમિયાન 1,46,240 મુલાકાતીઓ અને પ્રવેશ ટિકિટની આવક પેટે 41.59 લાખ રૂપિયાનો આંકડો સરથાણા પ્રાણી સંગ્રહાલયની લોકપ્રિયતા દર્શાવે છે. સાથે જ પરિવાર સાથે સમય વિતાવવા માટે સુરતમાં જ સારા પ્રવાસન સ્થળોની ઉપલબ્ધિ કેટલી મહત્ત્વની છે તેનો પણ આ આંકડો પરિચય કરાવે છે. દિવાળીના વેકેશનમાં મુલાકાતીઓના ધસારાએ સરથાણા ઝૂને સુરતીઓના મનપસંદ પ્રવાસન સ્થળ તરીકે ફરી એકવાર સ્થાપિત કર્યું છે.