Surat

સુરતમાં ઓનલાઇન 'નશાના કાળા કારોબાર'નો પર્દાફાશ: ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર થતું હતું શિડ્યુલ H1 દવાઓનું વેચાણ

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતના સરથાણામાં પોલીસે ઓનલાઈન નશાકારક દવાઓનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. ગોકુલમ આર્કેડમાંથી નિકુંજ ગજેરાની અટકાયત કરી, 200થી વધુ દવાના પેકેટ્સ અને 3 લેપટોપ જપ્ત કરાયા. આરોપી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તમિલનાડુ સુધી દવાઓ સપ્લાય કરતો હતો. યુવાધનને નિશાન બનાવી જ્યુસ-કોલ્ડ્રિંક્સમાં ભેળવી નશો કરાવાતો હતો. FSL રિપોર્ટ બાદ NDPS હેઠળ કાર્યવાહી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ઓનલાઇન 'નશાના કાળા કારોબાર'નો પર્દાફાશ: ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર થતું હતું શિડ્યુલ H1 દવાઓનું વેચાણ

Surat Sarthana Online Illegal Medicine Network Busted: સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ચાલતા નશાકારક દવાઓના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે સરથાણા પોલીસે ગોકુલમ આર્કેડની દુકાન નંબર 110માં સરપ્રાઈઝ રેડ કરીને નિકુંજ ગજેરા નામના શખસની અટકાયત કરી છે.

દુકાનમાંથી દવાના પેકેટ્સ અને લેપટોપ જપ્ત

પોલીસ દરોડા દરમિયાન દુકાનમાંથી સિલ્ડેનાફિલ (Sildenafil), ટાપેન્ટાડોલ (Tapentadol) અને ઓપિઓઇડ (Opioid) જેવી ગંભીર અસર કરતી નશાકારક ટેબ્લેટ્સના 200થી વધુ પેકેટ્સ મળી આવ્યા હતા. આ ઉપરાંત ઓનલાઈન ઓર્ડર અને વેચાણ માટે ઉપયોગમાં લેવાતા 3 લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે.

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તમિલનાડુ સુધી સપ્લાય

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ડોક્ટરના કાયદેસરના પ્રિસ્ક્રિપ્શન વગર જ શિડ્યુલ H1 શ્રેણીની નિયંત્રિત દવાઓ અલગ-અલગ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હતો. આરોપીએ તાજેતરમાં જ તમિલનાડુ ખાતે 1000થી વધુ ટાપેન્ટાડોલ ગોળીઓનો જથ્થો ઓનલાઈન સપ્લાય કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

કોલ્ડ્રિંક્સ-જ્યુસમાં ભેળવી નશો: યુવાધન ટાર્ગેટ પર

આ કેસમાં સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સુધી આ નશાકારક ગોળીઓ પહોંચાડવામાં આવતી હતી. વિદ્યાર્થીઓ આ ગોળીઓને જ્યુસ કે કોલ્ડ્રિંક્સમાં ભેળવીને નશો કરતા હોવાની માહિતી મળી છે. પોલીસને આશંકા છે કે આ આખું નેટવર્ક સુરતના યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે સક્રિય હતું.

આ પણ વાંચો: સુરતમાં તહેવારો પહેલાં ફૂડ વિભાગ અને LCBના દરોડા, સરથાણાના ગોડાઉનમાંથી 683 કિલો ડુપ્લીકેટ માવો પકડાયો

FSL અને ડ્રગ્સ વિભાગની મદદ: NDPS હેઠળ કાર્યવાહીની તૈયારી

હાલમાં પોલીસે તમામ દવાઓ જપ્ત કરીને FSL પરીક્ષણ માટે મોકલી આપી છે અને તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે. જો FSL રિપોર્ટમાં આ દવાઓમાં નાર્કોટિક્સનું પ્રમાણ સાબિત થશે, તો આરોપી સામે NDPS હેઠળ ગુનો નોંધીને વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.