Surat

સુરતમાં તહેવારો પહેલાં 'ઝેરી ખેલ' ખુલ્લો પડ્યો! સરથાણામાંથી 683 કિલો ડુપ્લીકેટ માવો અને મીઠાઈ ઝડપાઈ, ₹1.40 લાખનો જથ્થો નષ્ટ

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
સુરત પોલીસે ઝોન-1 LCB અને ફૂડ વિભાગ સાથે મળીને સરથાણા વિસ્તારમાંથી 683 કિલો ડુપ્લીકેટ માવો ઝડપ્યો છે. 'શ્રી મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટ' ના નામે ચાલતા ગોડાઉનમાં ₹1.40 લાખનો નકલી માવો, 160 કિલો લાડુ અને 120 કિલો બરફી મળી. ભાવેશ વઘાસીયા નામનો ઈસમ 3 વર્ષથી આ કાળો કારોબાર ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. સેમ્પલ લઈ જથ્થાનો નાશ કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં તહેવારો પહેલાં 'ઝેરી ખેલ' ખુલ્લો પડ્યો! સરથાણામાંથી 683 કિલો ડુપ્લીકેટ માવો અને મીઠાઈ ઝડપાઈ, ₹1.40 લાખનો જથ્થો નષ્ટ

Surat News: આવનારા તહેવારોની મોસમમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરત શહેર ઝોન-1 LCB સ્કોડ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્તપણે કામગીરી કરીને સરથાણા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ નકલી અને ભેળસેળયુક્ત માવો તેમજ મીઠાઈનો જથ્થો શહેરની અલગ-અલગ દુકાનોમાં સપ્લાય કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.

સિલ્વર ચોક પાસેના ગોડાઉનમાં સરપ્રાઈઝ રેડ

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં 'શ્રી મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટ' ના નામે નકલી દૂધનો માવો તથા મીઠાઈ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ રેડ દરમિયાન સ્થળ પરથી 683 કિલો જેટલો શંકાસ્પદ અને ડુપ્લીકેટ માવો, 160 કિલો મોતીચૂરના લાડુ તેમજ લીલા અને પિંક કલરની 120 કિલો બરફીનો સમાવેશ થાય છે. કુલ મળીને 683 કિલો નકલી અખાદ્ય માવો અને મીઠાઈ ઝડપાઈ છે. જેની અંદાજિત કિંમત ₹1.40 લાખ આંકવામાં આવી છે.

3 વર્ષથી ચાલતો હતો કાળો કારોબાર

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ભાવેશ વઘાસીયા નામનો ઈસમ આ કારોબાર ચલાવતો હતો. તે અન્ય શહેરોમાંથી અંદાજે ₹180 પ્રતિ કિલોના ભાવે રંગ ભેળવેલો આ ડુપ્લીકેટ માવો સુરતમાં લાવતો હતો. ત્યારબાદ તેમાંથી વિવિધ મીઠાઈઓ બનાવી અલગ-અલગ દુકાનોમાં હોલસેલ ભાવે વેચતો હતો અને આ ગોરખધંધો છેલ્લા ત્રણ વર્ષથી ચલાવતો હતો. અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હતો.

સેમ્પલ લઈ જથ્થાનો નાશ કરાયો

દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ તથા આરોગ્ય વિભાગની ટીમે ડુપ્લીકેટ માવો અને ગોડાઉનમાં ઉપલબ્ધ અન્ય તમામ સામગ્રીને સીલ કરીને તેના કાયદેસરના સેમ્પલ મેળવ્યા છે. ત્યારબાદ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને આ ₹1.40 લાખની કિંમતના 683 કિલો ડુપ્લીકેટ માવો અને માઠાઈઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ અને ફૂડ વિભાગની આ કાર્યવાહીથી તહેવારો ટાણે ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફાળ પડી છે.