સુરત: કાપોદ્રામાં ચાલુ સિટી બસ નીચે જ અચાનક રોડ ધસી પડ્યો! 35 ફૂટ ઊંડા ભુવામાં બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરત શહેર હજુ ખાડીપૂર અને ભારે વરસાદની આફતમાંથી સંપૂર્ણ બહાર આવ્યું નથી, ત્યાં સુરતીઓ સામે હવે વધુ એક ગંભીર જોખમ ઊભું થયું છે. કાપોદ્રાના રચના BRTS રૂટ પરથી એક સિટી બસ પસાર થઈ રહી હતી, ત્યારે જ અચાનક રસ્તો ધસી પડ્યો હતો. ચાલુ બસ નીચે જ અંદાજે 30 થી 35 ફૂટ ઊંડો વિશાળ ભુવો પડી ગયો હતો.
આ ભયાનક ઘટના દરમિયાન સિટી બસના પાછળના ટાયર ભુવામાં ફસાઈ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે ડ્રાઈવરની સતર્કતા અને નસીબના જોરે બસ સંપૂર્ણપણે ખાડામાં ખાબકી નહોતી, નહીં તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત. ભુવો એટલો મોટો હતો કે જો આખી બસ તેમાં પલટી મારી ગઈ હોત તો ગંભીર હોનારત સર્જાત. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
કરોડોના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા સામે સવાલ
ચોંકાવનારી વાત એ છે કે થોડા સમય પહેલાં જ આ જ સ્થળે ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી. ખોદકામ બાદ તંત્ર દ્વારા યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ થોડા જ સમયમાં બેસી જવા લાગતા પાલિકાના રોડકામ અને કોન્ટ્રાક્ટરોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
તંત્રની બેદરકારીથી જનતામાં ભારે રોષ, મેયર ન પહોંચ્યા
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આટલી મોટી ઘટના બની હોવા છતાં અને જવાબદાર અધિકારીઓ સહિત મેયરને જાણ કરવા છતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા. જેને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનો સવાલ કરી રહ્યા છે કે, સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્યારેક રસ્તા ધસી પડે છે તો ક્યારેક ભુવા પડી રહ્યા છે. આવી ઘટનાઓ હવે રોજીંદી બની ગઈ છે. આજે તો બસના ટાયર ભુવામાં ફસાયા અને લોકો બચી ગયા, પણ કાલે કોઈ નિર્દોષનો જીવ જશે તો જવાબદાર કોણ?









