સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Nasirwadi Demolition Case: સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનમાં સરકારે કોર્ટમાં સ્વીકાર્યું છે કે દબાણો કોઇ પણ સત્તાધીશોની મંજૂરી વગર તોડી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે વીજ કંપનીએ જણાવ્યું કે, અમને કોઈ લેખિત નહીં પણ ટેલિફોનિક સૂચના મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે 10 થી 15 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં અમારા વીજ મીટરોને પણ નુકસાન થયું હતું. સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો પણ કરી શકે તેવા સંકેત આપ્યા છે.
ડિમોલિશન કરવા બદલ કોર્પોરેશનને ખખડાવ્યું
બીજી તરફ, હાઈકોર્ટે કોર્પોરેશનને આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે, આટલું મોટું ડિમોલિશન થયું ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ શું કરતા હતા? તમારા કમિશનર ટોરેન્ટને ટેલિફોનિક સૂચના આપે છે! કાયદાકીય પ્રક્રિયા હાથ ધર્યા વગર તમે લોકોના મકાનો કેવી રીતે તોડી શકો?

તપાસના આદેશ આપી માત્ર નાટક?
સરકારે પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, આ દબાણો ખોટી રીતે તોડી પડાયા છે અને તેના માટે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારે કબૂલ્યું કે જ્યારે 150 જેટલા મકાનો તોડાતા હતા ત્યારે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને ટોરેન્ટના અધિકારીઓ ત્યાં હાજર હતા અને તેઓ માત્ર તમાશો જોઈ રહ્યા હતા.
SMCની રજૂઆત પર કોર્ટે કહ્યું-ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવા પડશે
સુરત કોર્પોરેશને કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, નાસીરનગરમાં જે પ્લોટ પર દબાણ તોડાયા છે તે જગ્યાને રિડેવલોપ કરવાની હોવાથી ડેવલોપર, બિલ્ડર, કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ વગેરે સ્થળ પર હાજર હતા. તેઓ જગ્યાના ડિમાર્કેશન માટે ગયા હતા. તે જગ્યા પર દબાણો જોવા મળ્યા હતા. જે બાદ ગુજરાત હાઈકોર્ટે એવી કોર કરી હતી કે મંજૂરી વગર દબાણો તોડી પાડવા બદલ તમારે ઉચ્ચ સરકારી અધિકારીઓ સામે નક્કર પગલાં લેવા પડશે. સામે કોર્પોરેશને એવી દલીલ કરી હતી કે, આજે સોમવારે સાંજે ઇન્કવાયરી રિપોર્ટ આવી જશે તેના પરથી જાણ થશે. કોર્પોરેશને કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે, જે થયું તે ખોટું થયું છે પરંતુ રિપોર્ટ આવી જશે તેના પરથી સ્પષ્ટ થશે કે કોણે મંજૂરી આપી હતી. જે બાદ હાઈકોર્ટે કહ્યું કે-કોર્પોરેશન માત્ર ડિમાર્કેશન માટે ગયું હોય તો પોલીસ કમિશનરે તેમને કહી દેવું જોઇએ કે ડિમાર્કેશનની પ્રવુત્તિમાં અમારી કોઇ જરૂરિયાત નથી. પોલીસ કમિશનર ત્યાં શા માટે ગયા?
બીજી તરફ હાઈકોર્ટે વેધક સવાલ કર્યો કે- તમારા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે ભલે દબાણ તોડવાનું શરૂ થઇ ગયું હોય પણ તમે મંજૂરીનો હુકમ કેમ ન માંગ્યો? તમે ઈલેક્ટ્રિસિટી કનેક્શન તોડવાનો ઇન્કાર કરવાનો હુકમ ના કર્યો હોય તો પણ તેમણે કેમ મીટર તોડી પાડયા? વીજ કંપની ટોરેન્ટને આ સાથે સોગંધનામુ કરવાનો પણ આદેશ આપ્યો છે.આ ઉપરાંત કોર્ટે કહ્યું કે- એક મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં કેમ પોલીસ કમિશનરે કોઈ કાર્યવાહી કરી નથી. સુનાવણીમાં સરકારે અસરગ્રસ્તો 5 જેટલા જ હોવાનો બચાવ કર્યો હતો જે બાદ કોર્ટે સરકારને ખખડાવતા જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પાંચ હોય કે 3 કરોડ હોય તમામને અધિકાર સમાન મળે છે. કમિશનરે ફરિયાદ લઇને તેના પર કામ કરવામાં કેમ વિલંબ કર્યો?

25 જૂન હાથ ધરાયેલી સુનાવણીમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કર્યા હતા વેધક સવાલો
- જો SMCએ ડિમોલિશન નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા?
- તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે?
- સુરત CPને ફરિયાદ અપાઈ તો લીધી કેમ નહીં?
- કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે હાજર હતા?
- અરજદારે હાજર પોલીસ કર્મચારીઓના નામ-હોદ્દા કેમ નથી જણાવ્યા?
- પોલીસ કમિશનર જવાબ આપે, ડિમોલિશન SMCએ કર્યું કે બીજા કોઈએ?
- ટોરેન્ટ પાવર જણાવે કે કોના આદેશથી વીજ કનેક્શન કાપ્યા?
- આટલા દિવસોમાં સંલગ્ન ઓથોરિટીએ કયા કયા પગલાં લીધા?
26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
મહત્વનું છે કે સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં 26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજદારોએ આ કાયદાકીય લડાઈમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, એસ.ઓ.જી.ના ડી.સી.પી. રાજદીપસિંહ નકુમ તેમજ ટોરેન્ટ પાવર કંપની સહિતના પક્ષકારો સામે પિટીશન દાખલ કરી છે.








