Surat

VIDEO | સુરત મનપાના નામે હપ્તા વસૂલતા કથિત કર્મચારીને લોકોએ ચખાડ્યો મેથીપાક, નશાની હાલતમાં હતો

By GS Team
15 Nov 20263 mins read
TukuTouch Logo
સુરતના ન્યૂ VIP રોડ પર 'ઓન ડ્યુટી SMC' લખેલી ટુ-વ્હીલર પર આવેલો એક શખ્સ દારૂના નશામાં ફેરિયાઓ પાસેથી હપ્તા વસૂલતો ઝડપાયો હતો. સ્થાનિકોએ તેને ઘેરીને માર માર્યો, જેનો વીડિયો વાયરલ થયો. આ શખ્સ પાલિકાનો કર્મચારી છે કે કેમ તે અંગે સવાલો ઉઠ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ મનપાનું મૌન અકળાવનારું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | સુરત મનપાના નામે હપ્તા વસૂલતા કથિત કર્મચારીને લોકોએ ચખાડ્યો મેથીપાક, નશાની હાલતમાં હતો

Surat Municipal Corporation : સુરત મનપાના નામે ગરીબ અને મધ્યમવર્ગીય ફેરિયાઓ પાસેથી હપ્તા વસૂલવાનો જાણે નવો ખેલ શરૂ થયો હોય તેમ ન્યૂ વીઆઈપી રોડ પર બનેલી એક ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે. ટુ-વ્હીલર પર 'ઓન ડ્યુટી એસએમસી' લખાવીને ફરતા અને દારૂના નશાની હાલતમાં ફેરિયાઓ પાસેથી રૂપિયા માગતા હોવાના ગંભીર આક્ષેપ સાથે એક શખસને સ્થાનિકોએ ઘેરી લઈને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પાલિકાની કામગીરી અને છબી સામે અનેક સવાલો ઊભા થયા છે.



સ્થાનિકોએ જાહેરમાં તમાચા ઝીંકી આક્રોશ ઠાલવ્યો

ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારના હોવાનું કહેવાતા આ વાયરલ વીડિયોમાં દારૂના નશામાં ધૂત પાલિકાનો કથિત કર્મચારી લોકોને રંજાડતો હોવાનો સ્પષ્ટ આક્ષેપ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલાએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ શખ્સ દરરોજ નશાની હાલતમાં અહીં આવીને રૂપિયાની માગણી કરે છે અને ગરીબ ફેરિયાઓને બિનજરૂરી હેરાન-પરેશાન કરે છે. મહિલાએ રોષભેર કહ્યું કે, નશો કરીને આવવાનો આ કોઈ સમય નથી, પછી ભલે તે ગમે તેવો મોટો સાહેબ કેમ ન હોય. રોજ મહેનત-મજૂરી કરીને પેટિયું રળતા ફેરિયાઓને આ રીતે ધમકાવીને પૈસા પડાવવામાં આવતા હોવાથી આસપાસના સ્થાનિકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને મહિલાએ જાહેરમાં જ આ શખ્સને તમાચા ઝીંકી દીધા હતા.

ઓળખપત્ર માગતા શખ્સ ભરાયો, નાસવાનો પ્રયાસ નિષ્ફળ

સ્થળ પર હાજર અન્ય એક વ્યક્તિએ પણ એવો આક્ષેપ કર્યો કે, આ શખ્સ પાલિકાનો ગણવેશ પહેરીને ગરીબ ફેરિયાઓ પાસેથી ગેરકાયદે રીતે રૂપિયા પડાવે છે. વિવાદ વધતાં એકત્ર થયેલા લોકોએ આ શખ્સ પાસે તેની સાચી ઓળખ અને પાલિકાના ઓળખપત્ર (આઈ-કાર્ડ) અંગે ખુલાસો માગ્યો હતો. જોકે, તે કોઈ યોગ્ય ઓળખ આપી શક્યો ન હોવાનો વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે. શખ્સ જે ટુ-વ્હીલર પર આવ્યો હતો તેના પર 'ઓન ડ્યુટી એસએમસી' લખેલું જોવા મળ્યું હતું, જેના પરથી તે પાલિકાના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોતાનો ભાંડો ફૂટતો જણાતાં શખ્સે ત્યાંથી ટુ-વ્હીલર લઈને નીકળી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોષે ભરાયેલા ટોળાએ તેને ઘેરી લઈને મેથીપાક ચખાડ્યો હતો.

પોલીસ હદના વિવાદ વચ્ચે પાલિકાનું અકળાવનારું મૌન

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સુરત પોલીસ પણ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જોકે, આ બનાવ અલથાણ પોલીસ મથકની હદમાં આવે છે કે અન્ય કોઈ પોલીસ સ્ટેશનની હદમાં, તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા હદ સ્પષ્ટ થયા બાદ આ મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બીજી તરફ, આશ્ચર્યજનક બાબત એ છે કે, પાલિકાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતો આ વીડિયો વાયરલ થયા બાદ પણ સુરત મહાનગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ શખ્સ ખરેખર પાલિકાનો કર્મચારી છે કે પછી કોઈ ઠગ ટોળકી પાલિકાની ઓળખનો દુરુપયોગ કરીને ગરીબ ફેરિયાઓને લૂંટી રહી છે, તે એક મોટો તપાસનો વિષય બન્યો છે. જો તે પાલિકાનો કર્મચારી હોય તો તેની સામે દાખલારૂપ શિક્ષાત્મક કાર્યવાહી થશે કે કેમ અને નકલી કર્મચારીઓનો ત્રાસ રોકવા તંત્ર શું નક્કર પગલાં લેશે, તેવા સવાલો શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યા છે.