Surat

સુરતમાં પંડાલ ઊભા થઈ ગયા, શ્રીજી બિરાજી ગયા, હવે ફાયર સેફ્ટીની જવાબદારી આયોજકો પર ઢોળવા કવાયત

By GS Team
17 Sep 20264 mins read
TukuTouch Logo
સુરતમાં ગણેશોત્સવ શરૂ થયા બાદ ફાયર વિભાગને 500 ચો.મી.થી મોટા અને 9 મીટરથી ઊંચા પંડાલોના આયોજકો પાસેથી ફાયર સેફ્ટીની 29 શરતો સાથેની બાંહેધરી લેવાની યાદ આવી છે. જોકે, શ્રીજીની સ્થાપના થયા બાદ આયોજકો સહી કરવામાં અચકાઈ રહ્યા છે. કોટ વિસ્તારની સાંકડી ગલીઓમાં નિયમોનો અમલ કેટલો શક્ય તે સવાલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં પંડાલ ઊભા થઈ ગયા, શ્રીજી બિરાજી ગયા, હવે ફાયર સેફ્ટીની જવાબદારી આયોજકો પર ઢોળવા કવાયત

Surat Corporation : સુરત શહેરમાં ગણેશોત્સવ શરૂ થઈ ગયો, શ્રીજી પંડાલોમાં બિરાજી ગયા અને દર્શન માટે ભક્તોની ભીડ પણ ઉમટી રહી છે, ત્યારે ફાયર વિભાગને હવે આયોજકો પાસેથી ફાયર સેફ્ટીની બાંહેધરી લેવાની યાદ આવી છે. ગણેશોત્સવ પહેલાં જ મોટા પંડાલોના આયોજકોને નોટિસ આપવામાં આવી હોવા છતાં પંડાલો તૈયાર થઈ ગયા બાદ અને સ્થાપના થઈ ગયા પછી 500 ચો.મી.થી મોટા તથા 9 મીટરથી ઊંચા પંડાલોના આયોજકો પાસે 29 જેટલી શરતોના પાલનની બાંહેધરી માગવામાં આવી રહી છે. બાંહેધરીમાં પંડાલ પ્લાનથી લઈને એન્ટ્રી-એક્ઝિટ, ઇલેક્ટ્રિફિકેશન અને ફાયર સેફ્ટી સુધીની કડક શરતો હોવાથી હવે સહી કરવી કે નહીં તે મુદ્દે આયોજકો અવઢવમાં છે.
બીજી તરફ કોટ વિસ્તારની સાંકડી ગલીઓમાં એક જ શેરીમાં અનેક મોટા પંડાલો ઊભા થયા છે અને મોટી સંખ્યામાં લોકોની અવરજવર વચ્ચે આ શરતોનું વાસ્તવિક રીતે પાલન કરાવવું કેટલું શક્ય છે તે પણ સવાલ છે. પરિણામે ગણેશોત્સવ પહેલાં નિયમોનો અમલ કરાવવાને બદલે હવે બાંહેધરી પત્રકની કવાયત શરૂ થતાં ફાયર વિભાગની કામગીરી સામે સમયસર આયોજન અને અસરકારક અમલના સવાલો ઊભા થયા છે.
સુરત સહિત ગુજરાતમાં જાહેર સ્થળોએ ફાયર સેફ્ટીને લઈને નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોવાથી મોટા પંડાલોમાં આગ જેવી કોઈ ઘટના બને તો સલામત બહાર નીકળવાની વ્યવસ્થા, ફાયર ફાઈટિંગની સુવિધા અને ઇમરજન્સી માર્ગ ખુલ્લો રહે તે બાબતો મહત્વની બની જાય છે. આ સંજોગોમાં ફાયર વિભાગે મોટા પંડાલોના આયોજકોને જાહેર નોટિસ આપી હતી. જોકે, હવે શ્રીજીની સ્થાપના થયા બાદ બાંહેધરી પત્રક ભરાવવાની કામગીરી હાથ ધરાતા નિયમોના અમલ અંગે પ્રશ્નો ઊભા થયા છે.
ફાયર વિભાગના બાંહેધરી પત્રકમાં માત્ર આગ સામે રક્ષણની વ્યવસ્થા પૂરતી મર્યાદિત શરતો નથી. પંડાલનો પ્લાન, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગ, દર્શનાર્થીઓની અવરજવર, ઇલેક્ટ્રિકલ વ્યવસ્થા, પંડાલમાં ઉપયોગમાં લેવાતા મટીરીયલ્સ સહિત વિવિધ બાબતોને આવરી લેવામાં આવી છે. પંડાલમાં વપરાતા મટીરીયલને આગથી સુરક્ષિત રાખવા ફાયર રિટાર્ડન્ટ પેઇન્ટ સહિતની જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, એક વખત બાંહેધરી પત્રક પર સહી કર્યા બાદ તેની જવાબદારી પણ આયોજકો પર આવતી હોવાથી આયોજકો સહી કરવામાં અવઢવ અનુભવી રહ્યા હોવાનું જાણવા મળે છે. સુરત શહેરમાં બે ડઝનથી વધુ મોટા ગણેશ પંડાલો 500 ચો.મી.થી મોટા હોવાનું જાણવા મળે છે. ગણેશોત્સવના દિવસોમાં આ પંડાલોમાં દિવસ-રાત શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે.
ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના ભાગળ અને આસપાસના વિસ્તારો, રાંદેર ઝોનના અડાજણ અને પાલ તથા અઠવા ઝોનના ભટાર, ઘોડદોડ રોડ અને પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મોટા પંડાલો ઊભા કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળે પંડાલોની આસપાસનો રસ્તો પણ સાંકડો હોવાથી ઇમરજન્સીના સમયે ફાયર ફાઈટર કે અન્ય બચાવ વાહન પહોંચાડવાનો મુદ્દો પણ મહત્વનો બને છે. કોટ વિસ્તારની સ્થિતિ આ સમગ્ર મુદ્દાને વધુ ગંભીર બનાવે છે. જૂના શહેરના આ વિસ્તારમાં અનેક સાંકડી ગલીઓ આવેલી છે અને કેટલીક ગલીઓમાં એકબીજાથી થોડા અંતરે એકથી વધુ ગણેશ પંડાલો ઊભા કરવામાં આવ્યા છે. ગણેશોત્સવ દરમિયાન સાંજથી મોડી રાત સુધી દર્શનાર્થીઓની ભારે ભીડ રહેતી હોવાથી રસ્તા પર અવરજવર પણ વધે છે. આવા સંજોગોમાં ફાયર વિભાગની બાંહેધરીમાં દર્શાવેલી એન્ટ્રી-એક્ઝિટ અને ઇમરજન્સી વ્યવસ્થાનો વાસ્તવિક અમલ કેટલો થઈ શકે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.
ફાયર વિભાગ દ્વારા ગણેશોત્સવ પહેલાં જ નોટિસ આપવામાં આવી હતી. તો પંડાલ તૈયાર થાય અને શ્રીજીની સ્થાપના થાય તે પહેલાં જ તમામ નિયમોનું પાલન કરાવી શકાયું હોત કે કેમ તે અંગે પણ હવે ચર્ચા શરૂ થઈ છે. સ્થાપના બાદ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા હોય ત્યારે પંડાલમાં ફેરફાર કરવો કે વ્યવસ્થામાં મોટો બદલાવ કરવો આયોજકો માટે પણ મુશ્કેલ બને છે. બીજી તરફ બાંહેધરી પત્રકની તમામ શરતોનું પાલન કર્યા વિના સહી કરવી આયોજકો માટે જવાબદારી ઊભી કરી શકે છે. આ સ્થિતિમાં ગણેશોત્સવ દરમિયાન બાંહેધરી પત્રકની દોડધામ શરૂ કરવાને બદલે ગણેશોત્સવ પૂર્વે જ મોટા પંડાલોના આયોજકો સાથે બેઠક કરી નિયમો સમજાવી તેનું પાલન કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોત તો હાલની અવઢવ ટાળી શકાય તેમ હતી. હવે ફાયર વિભાગ સામે એક તરફ નિયમોનો કડક અમલ કરાવવાનો પડકાર છે અને બીજી તરફ શ્રીજીનાં દર્શન માટે ઉમટતી ભીડ વચ્ચે વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે. પરિણામે નોટિસ અને બાંહેધરી વચ્ચેના સમયગાળા અને ફાયર સેફ્ટીના નિયમોના વાસ્તવિક અમલને લઈને પાલિકા તંત્રની કામગીરી ચર્ચામાં આવી છે.
બાંહેધરીના નિયમ છતાં એક પણ આયોજકની સહી નહીં
સુરતમાં 500 ચો.મી.થી મોટા અને 9 મીટરથી ઊંચા ગણેશ પંડાલો માટે ફાયર વિભાગ દ્વારા બાંહેધરી પત્રક ફરજિયાત કરવામાં આવ્યું હોવા છતાં ગણેશોત્સવ શરૂ થઈ ગયા બાદ અત્યાર સુધી એક પણ મોટા આયોજકે બાંહેધરી પત્રક આપ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. બાંહેધરી પત્રકમાં ફાયર સેફ્ટી સહિતની 29 જેટલી શરતો મૂકવામાં આવી હોવાથી આયોજકો સહી કરવામાં અવઢવ અનુભવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
એક તરફ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ફાયર વિભાગની છે, તો બીજી તરફ ગણેશ પંડાલોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા હોવાથી હાલના તબક્કે સખ્ત કાર્યવાહી કરવાના મુદ્દે ફાયર વિભાગ પણ અવઢવમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાંહેધરી લીધા વિના નિયમોનો અમલ કેવી રીતે કરાવવો અને કાર્યવાહી કરવામાં આવે તો ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સર્જાતી સ્થિતિને કેવી રીતે સંભાળવી તે ફાયર વિભાગ માટે પડકારરૂપ બન્યું છે. પરિણામે ફરજિયાત બાંહેધરીનો નિયમ હોવા છતાં એક પણ મોટા પંડાલ પાસેથી બાંહેધરી નહીં મળતા તેની અમલવારી સામે પણ સવાલ ઊભા થયા છે.