ફરી એક વખત શિક્ષણ સાથે સીધો સંબંધ ન ધરાવતા અધિકારીને સુરતમાં ઇનચાર્જ શાસનાધિકારીની જવાબદારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surar News : સુરત પાલિકાના ઇનચાર્જ શાસનાધિકારી તથા સુમન હાઈસ્કૂલના વડા ધર્મેશ પટેલના અવસાન બાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં શાસનાધિકારીની જગ્યા ખાલી પડી હતી. આ જગ્યા પર પાલિકાએ ફરી એક વખત શિક્ષણ સાથે સીધો સંબંધ ન ધરાવતા અધિકારીને ઇનચાર્જ શાસનાધિકારીની જવાબદારી સોંપી છે. સેન્ટ્રલ ઓફિસના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર મેહુલ પટેલને આ ચાર્જ આપ્યો છે.
સુરત પાલિકા દ્વારા આજે વહીવટી હુકમ કરવામાં આવ્યો છે. હુકમ મુજબ મેહુલ પટેલને ઈનચાર્જ શાસનાધિકારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સંબંધિત કાયમી પદ ભરાય ત્યાં સુધી અથવા તે પહેલાં સુધી તેઓ આ જવાબદારી સંભાળશે. આમ, ધર્મેશ પટેલના અવસાન બાદ ખાલી પડેલી જગ્યાએ ઇનચાર્જ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે મેહુલ પટેલ અગાઉ પણ સ્કૂલ બોર્ડની જવાબદારી સંભાળી ચૂક્યા છે. ત્યારબાદ તેમની બીઆરટીએસ સેલમાં નિમણૂક કરવામાં આવી હતી અને બાદમાં તેઓ સુરત સિટી લિંક લિમિટેડમાં ફરજ બજાવતા હતા. હવે સિટી લિંકમાંથી તેમને ફરી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં લાવવામાં આવ્યા છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારીની જગ્યા કાયમી ધોરણે ભરવાને બદલે હાલ પૂરતી ઇનચાર્જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે પાલિકાએ સુમન હાઈસ્કૂલની વહીવટી કામગીરી માટે પણ વધારાની જવાબદારી સોંપી છે.
સુમન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અવિનાશ પાટીલને પોતાની નિયમિત ફરજ ઉપરાંત સુમન હાઈસ્કૂલના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરનો ચાર્જ આપવામાં આવ્યો છે. તેઓ પણ સંબંધિત પદ ભરાય ત્યાં સુધી આ વધારાની જવાબદારી સંભાળશે. બીજી તરફ સેન્ટ્રલ ઓફિસના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તથા સાઉથ ઝોન-બીના ઇનચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રવીણકુમાર પ્રસાદને પોતાની હાલની ફરજ ઉપરાંત સુરત સિટી લિંક લિમિટેડના જનરલ મેનેજર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. આ જવાબદારી આગામી હુકમ સુધી રહેશે.




