સુરત નવી સિવિલમાં વધુ એક તબીબનો આપઘાત: હાથની નસ કાપી જીવન ટૂંકાવ્યું, દોઢ મહિનામાં બીજી ઘટના, કારણ અકબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક તબીબના આપઘાતની સનસનીખેજ અને દુઃખદ ઘટના સામે આવી છે. સિવિલના એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડૉક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ કોઈ ધારદાર વસ્તુ વડે પોતાના હાથની નસ કાપીને જીવન ટૂંકાવ્યું છે.
મળતી માહિતી મુજબ, ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તબીબે કોઈ કારણોસર ગંભીર પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ જ મહિનાના ટૂંકા ગાળામાં જ બીજા ડૉક્ટરે આપઘાત કર્યો હોવાની આ સતત બીજી ઘટના બનતાં સમગ્ર હોસ્પિટલ તંત્ર અને તબીબી વર્તુળોમાં અરેરાટી સાથે ભારે અફરાતફરી મચી ગઈ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળના કારણો જાણવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ
અગાઉ ગત મહિનામાં અરવલ્લીના મોડાસાના વતની અને માર્ચ 2026માં MD માઇક્રોબાયોલોજીમાં પ્રવેશ મેળવનાર ડૉ. હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટના રોજ સુરત સિવિલ હોસ્પિટલની હોસ્ટેલના રૂમ નં. 1005માં ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં પિતાની અરજીના આધારે એન્ટી-રેગિંગ સ્ક્વોડે 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરી ચાર સિનિયર તબીબો ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભૂતને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ પિતા સુભાષચંદ્રની ફરિયાદના આધારે ખટોદરા પોલીસ મથકે ચારેય આરોપી ડૉક્ટરો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા (BNS 108), ગેરકાયદે અટકાયત (BNS 127(2)), ઈરાદાપૂર્વક અપમાન (BNS 352), ગુનામાં મદદગારી (BNS 54) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(v) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.




