અનામત પ્લોટમાંથી હાઇટેન્શન લાઇન ટાવર હટાવવામાં પાલિકા નિષ્ફળ, વોર્ડ ઓફિસનું લોકેશન બદલાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકાના વેસુ વિસ્તારમાં વોર્ડ ઓફિસ બનાવવા માટે દોઢ વર્ષ પહેલાં 71.33 લાખ રૂપિયાનો ઇજારો અપાયા બાદ પણ હજુ સુધી કામગીરી શરૂ થઈ શકી નથી. જે અનામત પ્લોટમાં વોર્ડ ઓફિસ બનાવવાની હતી ત્યાં હાઇટેન્શન લાઇનનો ટાવર શિફ્ટ કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતાં હવે આખું લોકેશન બદલવાની નોબત આવી છે.
પાલિકાએ નવી સાઇટ તરીકે વેસુ-ભરથાણા વિસ્તારમાં આવેલા અન્ય અનામત પ્લોટની પસંદગી કરી છે. ખાસ વાત એ છે કે મૂળ ઇજારદાર નવી સાઇટ પર પણ મંજૂર ડિઝાઇન મુજબ જૂના ભાવે જ કામગીરી કરવા લેખિત સંમતિ આપી ચૂક્યો છે. અઠવા ઝોન વિસ્તારમાં ટીપી સ્કીમ નં.6 (વેસુ)ના એફપી નં.83માં પબ્લિક એમેનીટી હેતુ માટે જગ્યા અનામત રાખવામાં આવી છે. આ પ્લોટમાં સંકલિત વીબીડીસી વોર્ડ ઓફિસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના માટે એપ્રિલ-2025માં સ્થાયી સમિતિ દ્વારા 71.33 લાખ રૂપિયાના ખર્ચે ઇજારો આપવામાં આવ્યો હતો.
ઇજારો અપાયા બાદ સ્થળ પર કામગીરી શરૂ કરતાં પહેલાં પ્લોટમાં રહેલો હાઇટેન્શન લાઇનનો ટાવર અડચણરૂપ હોવાનું સામે આવ્યું હતું. ટાવર શિફ્ટ કરવા માટે ઇજારદાર દ્વારા પણ પાલિકાને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અઠવા ઝોન દ્વારા ટાવર શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, લાંબો સમય પસાર થવા છતાં ટાવર શિફ્ટ થઈ શક્યો નથી. પરિણામે ઇજારો અપાયા બાદ પણ મૂળ સ્થળે વોર્ડ ઓફિસનું બાંધકામ શરૂ થઈ શક્યું નથી. હવે પાલિકા તંત્રએ વોર્ડ ઓફિસ માટે નવી જગ્યા નક્કી કરી છે.
ટીપી સ્કીમ નં.2 (વેસુ-ભરથાણા-વેસુ)ના એફપી નં.208માં ચિલ્ડ્રન પાર્ક હેતુ માટે અનામત રાખવામાં આવેલા પ્લોટમાં આંગણવાડી સિવાયની 871 ચોરસ મીટર ખુલ્લી જગ્યાનો ઉપયોગ વોર્ડ ઓફિસ માટે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્થળે સંકલિત વીબીડીસી વોર્ડ ઓફિસનું બાંધકામ કરવા માટે સાઇટ ચેન્જની મંજૂરી મેળવવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નવી સાઇટ પર કામ કરવા માટે મૂળ ઇજારદારે પણ લેખિત સંમતિ દર્શાવી છે. ઇજારદાર દ્વારા મૂળ મંજૂર કરાયેલી ડિઝાઇન મુજબ જ નવી જગ્યાએ જૂના ભાવે કામગીરી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.




