Surat

સુરતના ભાગળથી વરાછા સુધી માવા વિક્રેતાઓને ત્યાં પાલિકાના દરોડા : સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
સુરત પાલિકાના આરોગ્ય તંત્રે રક્ષાબંધન પૂર્વે માવાની ગુણવત્તા ચકાસવા શહેરભરમાં ઝુંબેશ આદરી છે. વરાછાની ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ ભેળસેળ અટકાવવા ભાગળ, રાંદેર, વરાછા સહિત 12 વિસ્તારોમાં 15 માવાના સેમ્પલ લીધા. આ સેમ્પલો પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલાયા છે. રિપોર્ટ બાદ દોષિતો સામે કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના ભાગળથી વરાછા સુધી માવા વિક્રેતાઓને ત્યાં પાલિકાના દરોડા : સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા

Surat Food Safety : વરાછાની શીતલ રેસ્ટોરન્ટમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ હરકતમાં આવેલું સુરત પાલિકાનું આરોગ્ય તંત્ર હવે આગામી રક્ષાબંધનના તહેવારને પગલે માવાની ગુણવત્તા અંગે પણ સતર્ક બન્યું છે. તહેવારો દરમિયાન માવા અને માવામાંથી બનતી મીઠાઈઓની માંગ વધતી હોવાથી ભેળસેળ કે અખાદ્ય માવાનો વેપાર ન થાય તે માટે આરોગ્ય વિભાગે સોમવારે સવારથી જ શહેરભરમાં માવા વિક્રેતાઓને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ભાગળથી લઈને વરાછા, રાંદેર, ઉન અને કતારગામ સહિતના વિસ્તારોમાં 12 ટીમોએ એકસાથે તપાસ હાથ ધરી હતી. બપોર સુધીમાં 15 માવાના સેમ્પલ લેવામાં આવી લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મીઠાઈની દુકાનો અને માવાના વેપારીઓમાં વેચાણમાં વધારો થવાની શક્યતા છે. તહેવારની મોસમમાં માવાની માંગ વધતી હોવાથી તેની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થતા હોય છે. ખાસ કરીને ભેળસેળયુક્ત અથવા લાંબા સમયથી સંગ્રહ કરાયેલો માવો મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લેવાય નહીં તે માટે આરોગ્ય વિભાગે સેમ્પલિંગની કામગીરી હાથ ધરી છે. આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં માવાનું વેચાણ કરતા એકમો પર પહોંચી માવાની ગુણવત્તા, સંગ્રહ કરવાની પદ્ધતિ તેમજ ખાદ્ય સુરક્ષાને લગતા જરૂરી માપદંડોની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલા માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ સેમ્પલોને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે અને હવે તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સોમવારે બપોર સુધીમાં ભાગળ, રાંદેર, ઉન, કતારગામ, વરાછા સહિતના વિસ્તારોમાંથી કુલ 15 સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગે માવાના વેપારીઓને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેની તકેદારી રાખવા માટે પણ સૂચના આપી છે. હાલમાં લેવામાં આવેલા 15 સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટમાં માવામાં ભેળસેળ, ગુણવત્તામાં ખામી અથવા ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ સામે આવશે તો સંબંધિત વેપારી કે એકમ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં માવાના વધુ સેમ્પલ લેવામાં આવે તેવી પણ શક્યતા છે.