Surat

ચોમાસું 2026: શહેરમાં વરસાદી પાણીના નિકાલની ચિંતા, કોટ વિસ્તારમાં જમીનમાંથી ફૂટતા પાણીની આફત

By GS Team
26 Jul 20263 mins read
TukuTouch Logo
સુરતમાં 2026ના ચોમાસામાં કોટ વિસ્તાર માટે નવી આફત આવી છે. સોની ફળિયા સહિત જૂના શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ન હોવા છતાં, જમીન નીચેથી પાણી ફૂટી રહ્યું છે. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં ભૂગર્ભમાંથી સતત પાણી આવતા દર કલાકે પમ્પ મારફતે પાણી ઉલેચવું પડે છે. આર્ય સમાજ હોલનું ફિઝિયોથેરાપી સેન્ટર પણ સ્થળાંતરિત કરવું પડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસું 2026: શહેરમાં વરસાદી પાણીના નિકાલની ચિંતા, કોટ વિસ્તારમાં જમીનમાંથી ફૂટતા પાણીની આફત

Surat Rain: સુરતમાં ચોમાસા દરમિયાન અત્યાર સુધી વરસાદી પાણી અને ખાડીના પાણી ભરાવાની સમસ્યા ચર્ચાના કેન્દ્રમાં રહી છે. પરંતુ 2026નું ચોમાસું કોટ વિસ્તાર માટે એક નવી અને ચોંકાવનારી આફત લઈને આવ્યું છે. સોની ફળિયા સહિત જૂના શહેરના અનેક વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો થયો નથી, છતાં જમીન નીચેથી ફૂટતા પાણીના ઝરણાંએ રહેવાસીઓ અને વેપારીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં ભૂગર્ભમાંથી સતત પાણી આવતા દર કલાકે પમ્પ મારફતે પાણી ઉલેચવા ફરજ પડી રહી છે. સોની ફળિયામાં આવેલા આર્ય સમાજ હોલના બેઝમેન્ટમાં ચાલતું ફિઝિયોથેરાપી સેન્ટર પણ આ સમસ્યાના કારણે સ્થળાંતરિત કરવું પડ્યું છે.

શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે, જ્યારે કોટ વિસ્તારમાં એકદમ જુદી જ સમસ્યા સામે આવી છે. અહીં વરસાદી પાણીનો ભરાવો થયો નથી, છતાં ભૂગર્ભ જળસ્તર અસામાન્ય રીતે વધી જતાં અનેક સ્થળોએ જમીનની નીચેથી સતત પાણી બહાર આવી રહ્યું છે. પરિણામે બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર માં કલાકો સુધી પાણી ભરાઈ રહે છે અને સમયસર પમ્પિંગ ન કરવામાં આવે તો પાણીનું સ્તર સતત વધતું જાય છે.

આ સમસ્યાનું સૌથી મોટું ઉદાહરણ સોની ફળિયામાં આવેલા આર્ય સમાજ હોલમાં જોવા મળી રહ્યું છે. હોલના બેઝમેન્ટમાં વર્ષોથી ફિઝિયોથેરાપી સેન્ટર કાર્યરત હતું, પરંતુ જમીન માંથી સતત પાણી આવતાં બેઝમેન્ટ નો ઉપયોગ અશક્ય બન્યો છે. આખરે સેન્ટરને અન્ય સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. હાલ પણ દર કલાકે પંપ દ્વારા પાણી બહાર કાઢવામાં આવે છે, તેમ છતાં થોડા જ સમયમાં બેઝમેન્ટ ફરી પાણીથી ભરાઈ જાય છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ સોની ફળિયા ઉપરાંત કોટ વિસ્તારના અન્ય અનેક સ્થળોએ પણ આવી જ સ્થિતિ છે. અનેક બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર માં વરસાદનું એક ટીપું પણ પ્રવેશ્યું નથી, છતાં જમીનની નીચે થી સતત પાણી બહાર આવી રહ્યું છે. પરિણામે કોટ વિસ્તારમાં અનેક સ્થળોએ ખાસ પમ્પ ગોઠવીને ચોવીસે કલાક પાણી ઉલેચવા ની કામગીરી ચાલી રહી છે. શહેરના અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે પમ્પ ચલાવવામાં આવી રહ્યા છે, જ્યારે કોટ વિસ્તારમાં ભૂગર્ભમાંથી ફૂટતા પાણી સામે લડવા માટે પમ્પિંગ કરવું પડી રહ્યું છે.

જળવિજ્ઞાનના જાણકારોના પ્રાથમિક મત મુજબ સતત અને અતિભારે વરસાદના કારણે ભૂગર્ભ જળસ્તર અસામાન્ય રીતે ઊંચું આવતાં જમીનની અંદર વધેલા દબાણના કારણે પાણી ઉપર ફૂટી રહ્યું હોવાની શક્યતા છે. જૂના શહેરમાં દાયકાઓ જૂનાં બાંધકામો અને ઊંડા બેઝમેન્ટ ધરાવતી ઇમારતોમાં આવી સ્થિતિ વધુ જોવા મળી રહી છે. જોકે આ અંગે ચોક્કસ કારણ જાણવા તકનીકી અને હાઈડ્રો જિયોલોજિકલ તપાસ જરૂરી હોવાનું પણ માનવામાં આવે છે.

કોટ વિસ્તારમાં સર્જાયેલી આ સ્થિતિએ હવે અનેક નવા સવાલો ઊભા કર્યા છે. વરસાદી પાણીનો ભરાવો ન હોવા છતાં જમીન માંથી સતત પાણી કેમ ફૂટી રહ્યું છે? ભૂગર્ભ જળ સ્તર કેટલું ઊંચું પહોંચ્યું છે? અને શું આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે? આ તમામ પ્રશ્નોના જવાબ હવે તંત્રે શોધવાના રહેશે. કારણ કે વરસાદી પાણી અને ખાડીના પાણી બાદ હવે ભૂગર્ભમાંથી ફૂટતાં ઝરણાં સુરત માટે ચોમાસા-2026 ની સૌથી અનોખી અને ચિંતાજનક સમસ્યા બનીને સામે આવ્યાં છે.