Surat

સુરતમાં મેઘતાંડવ : 12 કલાકમાં 14 ઈંચ

By GS Team
8 Jul 20264 mins read
TukuTouch Logo
સુરતમાં મેઘતાંડવથી 12 કલાકમાં 14.2 ઇંચ વરસાદ ખાબક્યો, શહેર બેટમાં ફેરવાયું. સરથાણામાં 18.9 ઇંચ, વરાછામાં 18.4 ઇંચ અને લિંબાયતમાં 16.9 ઇંચ વરસાદ નોંધાયો. કતારગામમાં વીજળી પડતા પરિણીતાનું મૃત્યુ થયું, જ્યારે સચિનમાં પાણીના ખાડામાં 2 બાળકોના જીવ ગયા. શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં મેઘતાંડવ : 12 કલાકમાં 14 ઈંચ

સાંબેલાધાર વરસાદથી સુરત શહેર દરિયામાં ફેરવાયું
શહેરના સરથાણામાં સૌથી વધુ 18.9 ઈંચ, વરાછામાં 18.4 ઈંચ, લિંબાયતમાં 16.9 ઈંચ, ઉધના-કતારગામમાં 13 ઈંચ : ગ્રામ્યના કામરેજમાં 16.5 ઈંચ, પલસાણામાં 14.2 ઈંચ
વીજળી પડતા કતારગામમમાં પરિણીતાનું મોતઃ સચિનમાં વરસાદી પાણીના ખાડામાં પડતા બે બાળકોએ જીવ ગુમાવ્યો

સુરત : સુરત શહેરમાં આજે મેઘતાંડવ જોવા મળ્યું હતું. શહેરમાં ૧૨ કલાકમાં ૧૪.૨ ઈંચ વરસાદ ખાબકી પડતા સુરત જાણે બેટમાં ફેરવાઇ ગયું હતું. સૌથીવધુ વરસાદ સરથાણામાં ૧૮.૯ ઇંચ, વરાછામાં ૧૮.૪ ઇંચ અને લિંબાયતમાં ૧૬.૯ ઇંચ નોંધાયો હતો. શહેરમાંથી બહાર નીકળવાના રસ્તા તો ઠીક કેટલાક વિસ્તારોમાં ઘરોની બહાર પણ નીકળી ન શકાય તેવા કમર અને છાતી સુધીના પાણી ભરાયા હતા. કતારગામમાં વીજળી પડતા પરિણીતાનું મોત નીપજ્યું હતું. જ્યારે કરંટ લાગવાના બનાવોમાં ચાર વ્યક્તિના મોત થયા હતા.
જ્યારે સુરત જિલ્લામાં સૌથીવધુ કામરેજમાં ૧૬.૫ ઇંચ પલસાણામાં ૧૪.૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સ્કલો-કૉલેજોમાં આજે રજા જાહેર કરી દેવાઇ હતી.
સુરત શહેરમાં આકાશી આફત વચ્ચ સમગ્ર જનજીવન ઠપ થયું છે. શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગથી શહેરમાં પાણીનો ભરાવો થવાની ૧૧૫થી વધુ સત્તાવાર ફરિયાદો તંત્રના રેકર્ડ ઉપર નોંધાઈ છે. સોમવારે રાતે વરસાદ બાદ આજે દિવસે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. સવારે ૬ વાગ્યે વરસાદ શરૂ થયા બાદ બપોર પછી મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઇ હતી. વરાછા અને સરથાણામાં બપોરે બે થી ચાર વાગ્યા દરમિયાન બે કલાકમાં અનુક્રમે ૮.૫ ઇંચ અને ૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે લિંબાયતમાં ૭ ઇંચ વરસાદ વરસી પડયો હતો.
શહેરમાં સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ૧૪.૨ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. જેમાં સૌથીવધુ સરથાણામાં ૧૮.૯ ઇંચ, વરાછામાં ૧૮.૪ ઇંચ અને લિંબાયતમાં ૧૬.૯ ઇંચનો સમાવેશ થાય છે. જેને પગલે આખો દિવસ ધબકતું રહેતું સુરત આજે વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. શહેરના તમામ ગરનાળા બંધ થઇ ગયા હતા. શહેરના કતારગામ વિસ્તારમાં ઘરના ધાબા પર વરસાદમાં નહાતી ૨૨ વર્ષીય પરિણીતા રિશિતા મિસ્ત્રીનું વીજળી પડતા દાઝી જવાની મોત નીપજ્યું હતું. સચિન જીઆઇડીસીમાં રમતા રમતા વરસાદી પાણી ભરેલા ખાડામાં પડતા જતા ૭ વર્ષના બે બાળકોના મોત નીપજ્યાં હતા. ઉપરાંત કરંટ લાગવાના ચાર બનાવમાં છ વર્ષની બાળકી સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા. શહેરમાં ૨૦૦થી વધુ લોકો ફસાઇ જતા રેસ્ક્યૂ કરાયા હતા. જેમાં સરથાણા વિસ્તારની નિવાસી આશ્રમ શાળામાંથી ૧૧૮ બાળકોનું રેસ્ક્યુ કરીને કોમ્યુનિટી હોલમાં સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારો કામરેજમાં ૧૬.૫ ઇંચ, પલસાણામાં ૧૪ ઇંચ વરસાદ વરસ્યો હતો. પલસાણા કામરેજના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તો સુરત શહેર તો જાણે ટાપુમાં ફેરવાઈ ગયુ હોઈ તેમ મોટાભાગના વિસ્તારોમાં ૫ ફૂટ સુધીના પાણી ભરાવો થતા લોકોએ ઘરોમાં જ પુરાઈ રહેવું પડયું હતું.

સુરત, નવસારી, અને વલસાડની તમામ કોલેજો યુનિવર્સિટી આજે બંધ : પરીક્ષા મોકૂફ
સુરત : નર્મદ યુનિવર્સિટી દ્વારા ભારે વરસાદની સ્થિતિમાં આવતીકાલ બુધવારે સુરત.નવસારી અને વલસાડ જિલ્લામાં તમામ કોલેજોમા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો બુધવારની પરીક્ષા પણ મોકૂફ કરી દેવાઈ છે.
નર્મદ યુનિવર્સિટી ના રજિસ્ટર દ્રારા જારી થયેલી સૂચના મુજબ આવતીકાલે એટલે કે તારીખ ૦૮/૦૭/૨૦૨૬ ને બુધવાર ના રોજ સુરત.નવસારી અને વલસાડ જિલ્લામાં તમામ કોલેજોમા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંપૂર્ણ બંધ રહેશે . અતિ આવશ્યક ફરજ બજાવનારા જેમકે વીજળી/પાણી/સુરક્ષા કર્મચારીઓની કામગીરી યથાવત રહેશે. આ ઉપરાંત ૮/૭/૨૬ બુધવાર ના રોજની Third Year MBBS Part - 1le Community Medicine P - 1ની પરીક્ષા મોફૂંક રાખવામાં આવેલ છે. જેથી આ પરીક્ષાનું પ્રશ્નપત્ર આવતીકાલે ખુલી ના જાય તે અંગેની ખાસ તકેદારી રાખવી. જે અંગેની જાણ વિદ્યાર્થીઓ અને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને કરવાની રહેશે. આ પરીક્ષા તા.૧૩/૭/૨૬ સોમવારના રોજ લેવામાં આવશે.

સુરત શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર બંધ
કામરેજ, કડોદરા અને પલસાણાથી સુરત સિટીમાં જતા માર્ગો પાણીમાં ગરકાવ થતાં નાના વાહનોનો પ્રવેશ બંધ

બારડોલી : સુરત જિલ્લા અને ઉપરવાસમાં વિતેલા ૨૪ કલાકમાં સતત મુશળધાર વરસાદના પગલે ખાડી પૂરની પરિસ્થિતિ બની છે. જેને પગલે સુરત શહેરમાં પ્રવેશતા પલસાણા, કડોદરા અને કામરેજના ત્રણેય રોડ પાણીમાં ગરક થઈ જતાં નાના વાહનોના પ્રવેશ બંધ થઈ ગયા હતા.
દક્ષિણ ગુજરાત વિતેલા ૨૪ કલાકમાં મુશળધાર વરસાદથી સંપૂર્ણ પ્રભાવિત થયું છે. અને જનજીવનને પણ સીધી અસર થઈ છે. સુરત શહેરનો જિલ્લા સાથેનો સંપર્ક કપાય ગયો હતો. મુશળધાર વરસાદના પગલે પલસાણા ચાર રસ્તાથી ને.હા.નં.૫૩થી સચીન થઈને સુરત જતાં રોડ પર તરાજ ખાડીના પુલ પાસે રોડ પર પાણી ફરી વળતાં નાના વાહનો પસાર થવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. કડોદરા ચાર રસ્તાથી સુરત શહેર જતાં રોડ ઉપર વરેલી છત્રાલા જંકશન પાસે પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. તેમજ કામરેજ ચાર રસ્તાથી સુરત વરાછા જતાં રોડ ઉપર પણ અનેક જગ્યાએ પાણી ભરાતા નાના વાહનો બંધ થઈ ગયા હતાં. જેમાં પણ કામરેજ ખાતે ૧૬ ઈંચ વરસાદ થતાં વાહન વ્યવહાર બંધ થતાં વહીવટી તંત્રએ લોકોને કામ વિના ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરી છે.