સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ 12 કલાકે પણ બેકાબૂ, અનેક દુકાનો બળીને રાખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Fire News : સુરતના સારોલી વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં મધ્યરાત્રિએ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. રાત્રે આશરે 12:50 વાગ્યાના સુમારે ફાયર કંટ્રોલ રૂમને આગ અંગેનો મેસેજ મળતાં જ તુરંત જ શરૂઆતમાં 6 ફાયર ફાઇટર વાહનો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. જોકે, આગની ગંભીરતા અને ભયાનકતાને જોતાં તાત્કાલિક 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 12 કલાક વીતી જવા છતાં હજુ સુધી આગ કાબૂમાં આવી નથી. 200થી વધુ ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યા છે. લગભગ 10થી વધુ દુકાનો બળીને રાખ થઇ ગયાના અહેવાલ સામે આવી રહ્યા છે.

ભારે ધુમાડો અને પેસેજમાં માલસામાન હોવાથી કામગીરીમાં મુશ્કેલી
આગના કારણે સમગ્ર માર્કેટમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ જતાં વિઝિબિલિટી નહિવત થઈ ગઈ હતી, જેના કારણે રાત્રિના અંધારામાં ફાયર ફાઇટરોને કામગીરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે રાતથી લઈને દિવસે પણ 12 કલાક આગ બેકાબૂ રહી હતી. આ ઉપરાંત, માર્કેટના પેસેજમાં મોટી માત્રામાં માલસામાન પડેલો હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને અંદર પહોંચવામાં અડચણ ઊભી થઈ હતી. જોકે, અધિકારીઓના જણાવ્યા અનુસાર પેસેજમાં લાગેલી આગને હાલ નિયંત્રણમાં લઈ લેવામાં આવી હોવાનો દાવો કરાયો છે . ઊંચાઈ પર લાગેલી આગને બુઝાવવા માટે ટર્નટેબલ લેડર અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ સિવાય વોટર બાઉઝર, ફાયર એન્જિન અને ટેન્કરની મદદ લેવાઈ રહી છે.

4 થી 5 દુકાનો ઝપેટમાં, તાળાં તોડીને આગ ઓલવવાની કામગીરી કરાઈ
પ્રાથમિક માહિતી અનુસાર, હાલમાં માર્કેટની 4 થી 5 દુકાનો આ આગની ઝપેટમાં આવી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા દુકાનોના શટર અને તાળાં તોડીને અંદર પ્રવેશ કરી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દુકાનોમાં પેકિંગ સામગ્રી અને અન્ય જ્વલનશીલ કાપડનો જથ્થો હોવાથી આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં હજુ વધુ સમય લાગી શકે છે. ઘટના અંગે ચીફ ફાયર ઓફિસરે પણ માહિતી આપતાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.





